મ્યુનિ.એ એરપોર્ટ ઓથોરિટીને બાકી પ્રોપર્ટી ટેક્સ ભરી દેવા નોટિસ ફટકારી


અમદાવાદ, તા. 5 નવેમ્બર, 2020, ગુરૂવાર

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ઉત્તર ઝોનના પ્રોપર્ટી ટેક્સ ખાતા દ્વારા એરપોર્ટ ઓથોરિટીને ટેક્સ પેઠે બાકી નિકળતા રૂ. 19.81 કરોડની રકમ તાકિદે ભરી દેવા નોટિસ ફટકારાઇ છે.

આ નાણા સમયસર ભરવામાં નહીં આવે તો એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર સહિતની ઓફિસો સીલ કરવાની અને આગળ જતાં જપ્ત કરવાની ચેતવણી આપવામાં આવી છે. અદાણીને પીપીપી ધોરણે ચલાવવા એરપોર્ટ અપાય તો પહેલાં સર્વિસચાર્જ- પ્રોપર્ટી ટેક્સ ભરી દેવા જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2011થી સર્વિસ ચાર્જ - પ્રોપર્ટી ટેક્સની રકમ ચડી ગઇ છે. જે 22.56 કરોડને આંબી ગઇ છે. વચ્ચે એરપોર્ટ ઓથોરિટીએ આ પૈકી 2.75 કરોડની રકમ ભરી દીધી હોવાથી હાલ 19.81 કરોડ લેવાના નિકળે છે.

ડોમેસ્ટીક અને ઇન્ટર નેશનલ એરપોર્ટના જમીનના સર્વે નંબરો પૈકી કેટલાંક નંબરો કેન્ટોનમેન્ટ ઓથોરિટીના છે, જ્યારે અન્ય સર્વે નંબરો મ્યુનિ.ની હદના છે. કેન્દ્ર સરકાર વતી કચેરીઓ પાસેથી લેવાના થતા પ્રોપર્ટી ટેક્સના માટે સર્વિસ ચાર્જ શબ્દ વપરાય છે અને તે માટેનું ફેકટર પણ અલગ જ છે.

બીજી તરફ ઇન્ટરનેશનલ એરપોર્ટ પીપીપી ધોરણે ચલાવવા ટૂંકમાં જ અદાણીને સોંપી દેવામાં આવનાર છે. આ સંદર્ભમાં મ્યુનિ.એ નોટિસમાં જણાવ્યું છે કે તમે આ બાકી નિકળતા નાણાં ભરી દો અથવા અદાણીને એરપોર્ટની સોંપણી વખતે અન્ડર ટેકીંગ આપો કે તેઓ બાકી નિકળતી ટેક્સની રકમ ભરી દેશે. આમ નહીં કરો તો પછી મ્યુનિ.ને જીપીએમસી એક્ટ હેઠળ આગળના પગલાં લેવાની ફરજ પડશે.

ઉપરાંત 2010માં આકારણી થઇ હતી ત્યારબાદ 2011થી કોઇએ એરપોર્ટ ઓથોરિટી સમક્ષ કડક ઉઘરાણી કરી ના હતી જેના કારણે સર્વિસ ચાર્જની રકમ વધીને 22.56 કરોડો પહોંચી ગઇ હતી. આ સંદર્ભમાં મ્યુનિ. અધિકારીઓની અગાઉ 19-11-2019માં એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે એક મીટીંગ પણ યોજાઇ હતી. જો કે હવે એરપોર્ટનું પીપીપી ધોરણે આપવાનું નક્કી થયું હોવાથી ટેક્સ ખાતું ફરી દોડતું થયું છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I8G8us
via IFTTT

Post a Comment

Previous Post Next Post