ઈન્ટરનલમાં 20માંથી 20 મેળવનારા 12 હજાર વિદ્યાર્થી બોર્ડ પરીક્ષામાં ફેલ


અમદાવાદ, તા. 5 નવેમ્બર, 2020, ગુરૂવાર

ગુજરાત શિક્ષણ બોર્ડની માર્ચ 2020ની ધો.10ની પરીક્ષાના પરિણામના વિશ્લેષણાત્મક અભ્યાસ અને તપાસ બાદ બહાર આવ્યુ છે કે રાજ્યની 1186 જેટલી સ્કૂલે  વિદ્યાર્થીઓને 20 માંથી 20 ઈન્ટરનલ ગુણ આપી ખોટી રીતે પાસ કરી ઈન્ટરનલ માર્કસનું કૌભાંડ આચર્યુ છે.આ બાબતે ગુજરાત શિક્ષણ બોર્ડે તમામ ડીઈઓને પરિપત્ર કરીને પોતાના જિલ્લાની ખોટા માર્કસ આપનારી આ સ્કૂલોની રૂબરૂ સુનાવણી કરી કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.

ગુજરાત શિક્ષણ બોર્ડના 2018ના નવા નિયમો મુજબ શૈક્ષણિક વર્ષ 2019થી ધો.10માં ઈન્ટરનલ ગુણ 30ને બદલે 20 કરી દેવાયા છે અને જેમાં સ્કૂલે  5 ગુણ પ્રથમ પરીક્ષા, 5 ગુણ દ્રિતિય પરીક્ષા , 5 ગુણ નોટબુક સબમિશન(ગૃહકાર્ય) તથા 5 ગુણ પ્રાયોગિક કે પ્રોજેક્ટ કાર્યના ગણી કુલ 20માંથી વિદ્યાર્થીનુ આ ચારેય રીતે મુલ્યાંકન કર્યા બાદ મેળવેલ ગુણ બોર્ડને મોકલવાના હોય છે. સ્કૂલે પ્રથમ પરીક્ષા 50 માર્કસની અને બીજી પરીક્ષા 50 માર્કસની લેવાની હોય છે.

આમ સ્કૂલોેએ લીધેલી પરીક્ષા બાદ વિદ્યાર્થીઓએ મેળવેલા માર્કસના આધારે ઈન્ટરનલ તૈયાર થાય છે પરંતુ ગુજરાત બોર્ડની તપાસ મુજબ રાજ્યની 1186 જેટલી સ્કૂલે ઈન્ટરનલ માર્કસ કૌભાંડ આચર્યુ છે.ધો.10ની 1186 માધ્યમિક સ્કૂલે વિદ્યાર્થીઓને ખોટી રીતે 20માંથી પુરા 20 માર્કસ આપી દીધા છે. કોઈ પણ જાતના મુલ્યાંકન વગર પુરા 20માંથી 20 આપી બોર્ડને મોકલી દીધા છે.

બોર્ડની તપાસ મુજબ આ 1186 સ્કૂલોના 12 હજારથી વધુ વિદ્યાર્થીઓ એવા છે કે જેઓને સ્કૂલે મોકલેલા ઈન્ટરનલ ગુણમાં તો 20માંથી 20 છે પરંતુ બોર્ડની પરીક્ષામાં તેઓ ફેઈલ થયા છે.એટલુ જ નહી 12 હજાર વિદ્યાર્થીઓ 80માંથી પુરા પાંચ માર્કસ પણ જે તે વિષયમાં મેળવી શક્યા નથી એટલે કે તેઓ સિદ્ધિ કે કૃપાગુણને પણ પાત્ર બન્યા નથી.

નિયમ મુજબ સ્કૂલોએ વર્ષ દરમિયાન શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી -મુલ્યાંકન કરી સર્વાગ્રાહી મુલ્યાંકન કરવાનું હતુ પરંતુ તેમ છતાં સ્કૂલોએ ખોટી રીતે 20માંથી 20 માર્કસ આપી બોર્ડના નિયમોનું અને ઠરાવનું ઉલ્લંઘન કર્યુ છે અને વાલીઓને પણ ખોટુ પરિણામ આપી ગેરમાર્ગે દોર્યા છે.જેથી આવી સ્કૂલો સામે વિગતવાર તપાસ કરવા અને કાર્યવાહી કરવા માટે બોર્ડે તમામ ડીઈઓને પરિપત્ર કરી સૂચના આપી છે.

બોર્ડે દરેક ડીઈઓને પોતાના જિલ્લાની આવી ગેરરીતિ આરનારી સ્કૂલોની યાદી પણ મોકલી છે અને જેમાં ડીઈઓએ દરેક સ્કૂલની રૂબરૂ સુનાવણી કરી તેઓએ કઈરીતે મુલ્યાંકન કર્યુ છે તેની તપાસ કરી તેની સામે કાર્યાવહી કરવાની રહેશે અને દરેક ડીઈઓને તેનો વિગતવાર રિપોર્ટ પણ બોર્ડને મોકલવાને રહેશે. બોર્ડે તપાસ કરી પરિપત્ર તો કર્યો પરંતુ આટલી બધી સ્કૂલો સામે ડીઈઓ ખરેખર ઈઆઈ મોકલી કે સુનાવણી કરી તપાસ કરશે કે નહી અને કરશે તો પણ પગલા લેવાશે કે નહી?



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32iBykj
via IFTTT

Post a Comment

Previous Post Next Post