
SVPમાં દર્દીના પ્રવેશ બંધ, ખાનગી હોસ્પિટલોના બેડ ભરાવા માંડયા
અમદાવાદ, તા. 10 નવેમ્બર, 2020, મંગળવાર
અમદાવાદમાં દિવાળી ઉપર કોરોનાના કેસોમાં મોટા વધારા સાથે પીક આવશે તે દહેશત સાચી પડી રહી છે. એસવીપીમાં 350થી વધુ દર્દીઓ છે, પણ વીઆઈપી સિવાયના નવા દર્દીઓને પ્રવેશ આપવાનું બંધ કરાયું છે.
કેટલીક સારી ગણાતી ખાનગી હોસ્પિટલોના પ્રાઈવેટ બેડ ફુલ થવા માંડયા છે. 72 અર્બન હેલ્થ સેન્ટરો અને રોડ પર ઊભા કરાયેલાં 85 જેટલા તંબુઓમાં અગાઉ બે-પાંચ લોકો જ દેખાતા હતા ત્યાં ટેસ્ટ કરાવા લાઈનો લગાવવાનું શરૂ થઈ ગયું છે.
બીજી તરફ સિવિલ, એસવીપી સહિતની હોસ્પિટલોમાં ડોકટરો અને પેરા મેડિકલ સ્ટાફની દિવાળીની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે તહેવારો ઉપર બે અઠવાડિયા સુધી દર્દીઓમાં વધારો થતો જ હોય છે, આ રીતે ગ્રાફ ઉંચો જવાની બાબત દેવદિવાળી સુધી સંબાશે તેમ જણાય છે. સાતમ-આઠમ બાદ સૌરાષ્ટષ્ટ્રમાં દર્દીઓની સંખ્યામાં એકદમ વધારો નોંધાયો હતો, તે બાબત તેનું ઉદાહરણ છે.
સરકારી યાદીમાં જાહેર થતાં આંકડા કરતાં સ્થિતિ વધુ ખરાબ હોવાનું જણાય છે. લક્ષણો વગરના કે હળવા લક્ષણોવાળા દર્દીઓ મોટી સંખ્યામાં ઘેર બેઠાં જ સારવાર લઈ રહ્યાં હોવાથી, તેટલાં પ્રમાણમાં બેડ ખાલી દેખાઈ રહ્યાં છે. એક જ કુટુંબમાં ત્રણ-ત્રણ કે ચાર-ચાર કેસો હોવાના દાખલા મોટા પ્રમાણમાં છે. કોઈ ફ્લેટ કે સોસાયટી સંક્રમણથી અચૂતા રહી ગયા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, (1) તહેવારોનો માહોલ, (2) બેવડી ઋતુમાં શરદી, ખાંસી, વાયરલ ઈન્ફેકશનના વધતા કેસો અને (3) પેટા ચૂંટણીમાં રાજકીય પક્ષોના એકઠાં થયેલાં ટોળાં. આ કારણોસર કોરોનાના વાયરસને ફેલાવા માટે મોકળું મેદાન મળશે તેવી ભીતિ પણ અગાઉ વ્યક્ત થઈ હતી, જે સાચી પડી રહી છે. બીજી તરફ કોરોના વચ્ચે પણ લોકોના ચહેરા પર દિવાળીની ચમક દેખાવા માંડી છે.
બજારમાં ખરીદીની ભીડ જામવા માંડી છે. આ અંગે તબીબોનું કહેવું છે કે ઉત્સવનો માહોલ માણતા માણતા પણ એ નહીં ભૂલવું જોઈએ કે કોરોનાએ વિદાય લઈ લીધી નથી. માસ્ક સતત પહેરેલો રાખવા સાથે એકબીજા વચ્ચે ડિસ્ટન્સ જળવાઈ રહે તે તે રીતે ખરીદી કરવી જોઈએ, દાઢી પર કે ગળામાં લટકાવેલા રાખેલા માસ્કનો કોઈ અર્થ નથી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IpJQQw
via IFTTT
إرسال تعليق