
અમદાવાદ, તા. 10 નવેમ્બર, 2020, મંગળવાર
અમદાવાદમાં વચ્ચેના સમયગાળામાં ઢીલો પડેલો કોરોનાનો વાયરસ ફરી માથું ઊંચકવા માંડયો છે. અગાઉ ઘટી ગયેલા કેસો ફરી વધીને મૂળ સ્થિતિમાં આવી ગયા છે. શિયાળો જામશે, ઠંડી વધશે તેમ તેમ સ્થિતિ વધુ વણસશે તેવી ભીતિ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં વધુ 166 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયાનું સરકારી યાદીમાં જણાવાયું છે.
જ્યારે સારવાર દરમ્યાન ત્રણ દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે. બીજી તરફ કોરોનાને હરાવીને સાજા થઈ ગયેલાં 141 લોકો ડિસ્ચાર્જ કરાયા છે. મ્યુનિ.ની હદમાં અત્યાર સુધીમાં નોંધાયેલા દર્દીઓનો આંકડો 46281ને આંબી ગયો છે.
જેમાંથી 1874 દર્દીઓએ તેમની મહામુલી જીંદગી ગુમાવી દીધી છે. જ્યારે સાજા થયેલાં 36576 લોકો ડિસ્ચાર્જ કરાયા છે. જો કે સારવાર હેઠળના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 2689 થઈ ગઈ છે. નવા કેસો મોટા પ્રમાણમાં નોંધાતા હોવાથી એક્ટિવ કેસો ઓછા હોવાનું કારણ ડિસ્ચાર્જ થતા કેસોમાં નોંધાયેલો વધારો છે.
પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમઝોન, દક્ષિણપશ્ચિમ ઝોનના એક્ટિવ કેસો 1287 છે, જ્યારે પૂર્વ પટ્ટાના મધ્યઝોન, ઉત્તરઝોન, દક્ષિણઝોન, પૂર્વ ઝોનના 1402 છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલોના 2047 પ્રાઈવેટ બેડમાંથી 1480 ભરાયેલા છે, જ્યારે માત્ર 567 જ ખાલી છે. એટલે કે 27.69 ટકા બેડ ખાલી છે, જે અગાઉ 43 ટકાની ઉપર પહોંચી ગયા હતા.
ખાનગી હોસ્પિટલોમાં ગંભીર દર્દીઓ પણ મોટી સંખ્યામાં છે. આઈસીયુના 220 બેડ પર દર્દીઓ છે, જ્યારે 99 વેન્ટીલેટર ઉપર છે. હળવા લક્ષણોવાળા યુવાન દર્દીઓને બહુ વાંધો આવતો નથી પણ 60 વર્ષથી મોટી ઉંમરના અને હૃદયરોગ, કીડની, અસ્થમા, ડાયાબિટીસ જેવા રોગોથી ગ્રસ્ત હોય તેવા દર્દીઓ ગંભીર સ્થિતિ સુધી પહોંચી જાય છે. મૃત્યુનું પ્રમાણ પણ ા વર્ગમાં ઘઉં ઉંચું છે.
વૉટર પ્રોજેકટના 4 કર્મચારી કોરોના પોઝિટિવ બનતા ફફડાટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોજેકટમાં ફરજ બજાવતા ચાર કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ રેકર્ડ વિભાગમાં ફરજ બજાવતા સીનીયર કલાર્કનું કોરોનાની સારવાર દરમિયાન એસ.વી.પી.હોસ્પિટલમાં નિધન થતાં મ્યુનિ.ના વિવિધ વિભાગોમાં ફરજ બજાવી રહેલાં કર્મચારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
મળતી માહીતી મુજબ,દાણાપીઠ ખાતે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરીના પાંચમા માળે આવેલા વોટર પ્રોજેકટ વિભાગના કર્મચારીઓ દ્વારા મ્યુનિ.એ કાર્યરત કરેલા કીઓસ્કમાં ટેસ્ટ કરાવવામાં આવતાં ચાર કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. અગાઉ છઠ્ઠા માળે આવેલા ઓડીટ અને પ્લાનિંગ વિભાગના કર્મચારીઓ કોરોના પોઝિટિવ થતાં આ બંને કચેરીઓને નવરંગપુરા અને ઉસ્માનપુરા ખાતે ખસેડવામાં આવી છે.
અગાઉ મ્યુનિ.ના પ્રોપર્ટી ટેક્ષ ઉપરાંત રોડ પ્રોજેકટના ત્રણ અને બગીચા ખાતાના આઠ જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. સેન્ટ્રલ રેકર્ડ ખાતામાં સીનીયર કલાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારીને કોરોનાની સારવાર માટે એસ. વી.પી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જયાં તેમનું નિધન થયું છે. ઈજનેર વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારીની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36qpyhY
via IFTTT
إرسال تعليق