આજનું પરિણામ આગામી ચૂંટણીઓનું ટ્રેલર : વિજય રૂપાણી


અમદાવાદ, તા. 10 નવેમ્બર, 2020, મંગળવાર

વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થયો છે, પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. આજનું પરિણામ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2022ની વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે.  

ભાજપા પ્રદેશ કાર્યાલયય-કમલમ્ ખાતે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, 'કોરોના મહામારીના સમયમાં પણ જનતાએ ઉત્સાહપૂર્વક ભાજપ તરફી મતદાન કરીને આઠેય વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારોને ભવ્ય વિજય અપાવ્યો છે ત્યારે હું ગુજરાતના મતદારોનો આભાર વ્યક્ત કરૂં છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને રાજ્યની ભાજપ સરકાર સંપૂર્ણ સમર્પણ સાથે જનહિત-રાષ્ટ્રહિતના કાર્યો કરી રહી છે. વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધીને 111 થયું છે. કચ્છથી લઇને કપરાડાના નાગરિકોએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. ગુજરાત ભાજપનો ગઢ હતો, છે અને રહેશે. ' 

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું કે, 'જનતાનો ભાજપા પર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આભાર વ્યક્ત કરૂં છું. કાર્યકર્તાઓએ અથાક પરિશ્રમ કરીને આ સફળતામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. જનતાને ગેરમાર્ગે દોરનારા ટ્વિટ કરનારી કોંગ્રેસની નકારાત્મક ટ્વીટી જમાતને જનતાએ ચૂંટણીમાં જવાબ આપી દીધો છે. '  આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી-નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ-સી.આર. પાટીલે એકબીજાને મોં મીઠું કરાવીને ભાજપના વિજયને આવકાર્યો હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35iKZCj
via IFTTT

Post a Comment

Previous Post Next Post