ગુજરાત યુનિ.એ પરીક્ષાઓ વહેલી જાહેર કરી ફોર્મ ભરવા સમય ન આપ્યો !


દિવાળી રજા 23મી સુધી અને ફોર્મ ભરવાનો સમય 21મી સુધી

અમદાવાદ, તા. 6 નવેમ્બર, 2020, શુક્રવાર

ગુજરાત યુનિ.દ્વારા યુજી-પીજીની વિન્ટર પરીક્ષાઓ ( સેમેસ્ટર 3,5,)ની તારીખો સાથે ટાઈમ ટેબલ જાહેર કરી દેવાયુ છે ત્યારે આ મુદ્દે વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે અને અનેક મુંઝવણો ઉભી થઈ છે.

કારણકે એક બાજુ યુનિ.એ યુજી-પીજીના સેમેસ્ટર 2 અને 4ના એક્સટર્નલના હજારો વિદ્યાર્થીઓનુ એક્ઝામ સબમિશન સાથે મુલ્યાંકન જ કર્યુ નથી ક્યારે થશે તે પણ નક્કી નથી કર્યુ ત્યારે તે પહેલા પરીક્ષાઓ જાહેર કરી છે ઉપરાંત પરીક્ષાઓના ફોર્મ ભરવા માટે પુરતો સમય ન આપી લેઈટ ફી 500 રૂપિયા રાખવામા આવી છે.

ગુજરાત યુનિ.એ યુજી-પીજીના રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીઓની છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાઓ ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડ સાથે બે તબક્કામાં તેમજ કોરોનામા પરીક્ષા વંચિત માટે વધુ એક ખાસ પરીક્ષા સાથે ત્રણ વાર પરીક્ષાઓ લીધી છે.

ત્યારે આ પરીક્ષાઓ હમાણા જ પૂર્ણ થઈ છે ત્યાં નવી પરીક્ષાઓ જાહેર કરી દેવાઈ છે. યુનિ.દ્વારા  યુજી સેમેસ્ટર 3 ,5 અને પીજીમાં સેમેસ્ટર 3ની વિવિધ કોર્સની પરીક્ષાઓ 8 ડિસેમ્બરથી બે તબક્કામાં શરૂ કરવા જાહેરાત કરાઈ છે.જેને લઈને એનએસયુઆઈ દ્વારા હોબાળા સાથે ફરિયાદ કરવામા આવી છે કે યુનિ.એ યુજી-પીજીના સેમેસ્ટર 2 અને 4ના 20 હજાર જેટલા વિદ્યાર્થીઓનું હજુ સુધી મુલ્યાંકન જ કર્યુ નથી.

યુજીસીએ એપ્રિલમાં ગાઈડલાઈન જાહેર કરી દીધી હતી અને જે મુજબ એકસ્ટર્નલના વિદ્યાર્થીઓને રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ ઈન્ટરનલ માર્કસ સાથે મેરિટ બેઝ પ્રમોશન આપી શકાય તેમ ન હોઈ પરીક્ષા લઈ અથવા એસાઈમેન્ટ સહિતના સબમિશન સાથે મુલ્યાંકન કરી રિઝલ્ટ આપવા જણાવ્યુ હતું. 

ગાઈડલાઈનના 6 મહિના બાદ અને સીન્ડીકેટમાં થયેલા એસાઈમેન્ટ સબમિશન આધારીત મુલ્યાંકનના એક મહિના  બાદ પણ હજુ સુધી યુનિ.દ્વારા એક્ઝામ સબમશિન-મુલ્યાંકનની કોઈ પ્રક્રિયા  પુરી કરાઈ નથી.

મુલ્યાંકન બાકી હોવાથી પરિણામ પણ ન આવતા એક્સટર્નલના વિદ્યાર્થીઓને આગળના સેમેસ્ટરની પરીક્ષાઓમાં લાગવુ પડશે તેમજ ફોર્મ સબમિશન કરવુ ? ફોર્મ ભરવુ કે નવી  પરીક્ષાની તૈયારી કરવી? તે  સહિતની મોટી મુંઝવણો ઉભી થઈ છે.

વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે યુનિ.દ્વારા એક બાજુ 9થી 23 નવેમ્બર સુધી દિવાળી વેકેશન અપાયુ છે અને બીજી બાજુ 21મી નવેમ્બર સુધી પરીક્ષા ફોર્મ ભરવાની મુદત અપાઈ છે.ત્યારબાદ ફોર્મ ભરવા સામે  500 રૂપિયા દંડ રાખવામા આવ્યો છે.યુનિ.એ પરીક્ષાઓ  વિન્ટર પરીક્ષાઓ માટે ઉતાવળ તો કરી છે પરંતુ પરીક્ષાઓ પાછી ઠેલવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

ગુજરાત યુનિ.ની વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓ 8 ડિસેમ્બરથી શરૂ થશે

અમદાવાદ,શુક્રવાર

ગુજરાત યુનિ.દ્વારા ઉનાળુ પરીક્ષાઓ થોડા દિવસ પહેલા પુરી કરાયા બાદ હવે શિયાળુ સત્રની યુજી-પીજીની વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓની તારીખો  સાથે ટાઈમટેબલ જાહેર કરી દેવાયુ છે.જે મુજબ 8 ડિસે.થી પરીક્ષાઓ શરૂ થશે અને બે તબક્કામાં લેવાશે. ગુજરાત યુનિ.દ્વારા આજે જાહેર કરાયેલા પરીક્ષા કાર્યક્રમ મુજબ 8મી ડિસેમ્બરથી પ્રથમ તબક્કામાં યુજીમાં બીએ,બીબીએ,બીસીએ-બીકોમ અને બીએસસી સેમ.- 5ની તથા  એમ.એ-એમ.કોમ( રેગ્યુલર તથા એચપીપી કોર્સ) અને એમ.એસ.સી  સેમ.-5, એલએલલબી સેમ 3 અને 5 સાથે એલએલએમ સેમ -5ની તેમજ એમએલડબલ્યુની પરીક્ષા શરૂ થશે.  બીજા તબક્કામાં 17 ડિસે.થી  બીએ,બીકોમ,બીબીએ-બીસીએ, બીએસસી સેમે.3 અને એલએલએમ સેમ.3 તથા ઈન્ટિગ્રેટેડ લોના વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ શરૂ થશે.આ પરીક્ષાઓ ડિસે.અંત સુધી ચાલશે અને દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. યુનિ.દ્વારા હાલ જે રીતે પરીક્ષાઓ જાહેર કરવાની અને શરૂ કરવાની ઉતાવળ થઈ છે તે ખરેખર ઉનાળુ સેમેસ્ટર પરીક્ષાઓ માટે કરાઈ હોત તો પરિણામોમાં વિલંબ થયો ન હોત.

ગુજરાત યુનિ.નું આ વર્ષે ઘણું નબળુ પરિણામ

Ph.D પ્રવેશ પરીક્ષાનું 5.52 ટકા રિઝલ્ટ : 2479માંથી 137 પાસ

ગત વર્ષે 31  ટકા હતુ : પરીક્ષાથી મુક્તિ મેળવનાર 612 સહિત પ્રવેશ માટે 749 વિદ્યાર્થી લાયક 

અમદાવાદ, તા. 6 નવેમ્બર, 2020, શુક્રવાર

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગત 4થી નવેમ્બરે લેવાયેલી પીએચડી પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામા આવ્યુ છે.જે ગત વર્ષથી ઘણું ઓછુ માત્ર 5.52 ટકા જેટલુ રહ્યુ છે. પરીક્ષા આપનારા 2479 વિદ્યાર્થીમાંથી 137 વિદ્યાર્થી પાસ થયા છે.

યુનિ.માં વિવિધ વિભાગોમાં સાયન્સ,કોમર્સ,મેડિકલ, આર્ટસ,એજ્યુકેશન , લૉ, લાયબ્રેરી સાયન્સ સહિતની વિવિધ ફેકલ્ટીમાં 82 જેટલા વિવિધ વિષયોમાં 802 જેટલી બેઠકોમાં પ્રવેશ માટે પીએચડી પ્રવેશ પ્રક્રિયા હાલ ચાલી રહી છે.આ  વર્ષે રેકોર્ડબ્રેક 4 હજારથી વધુ રજિસ્ટ્રેશન થયુ હતુ.

જેમાં ગેરલાયક ઠરેલા 400થી વધુ વિદ્યાર્થીને બાદ કરતા  પરીક્ષા માટે લાયક 3214 ( સ્ટડી ઈન ગુજરાત હેઠળની અરજી સહિત) વિદ્યાર્થીમાંથી 2479 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી માત્ર 137 વિદ્યાર્થી ( 50 ટકા મુજબ 119 અને 45 ટકા મુજબ અનામત કેટેગરીના 18 ) પાસ થયા છે.આમ પરીક્ષાનું પરિણામ માત્ર 5.52 ટકા રહયુ છે અને જે ઘણું ઓછુ કહી શકાય તેમજ ગત વર્ષથી ઘણું ઓછુ  છે.

ગત વર્ષે 1967 વિદ્યાર્થીમાંથી 615 પાસ થતા 31.26 ટકા પરિણામ રહ્યુ તુ.આમ ગત વર્ષથી ઘણુ જ નબળુ પરિણામ રહ્યુ છે.જો કે  નેટ-સ્લેટ મુજબ પરીક્ષા આપનારામાંથી 6 ટકા જેટલાને જ પાસ કરાતા હોય છે ત્યારે પીએચડી માટે આ એક સ્ટાન્ડર્ડ રિઝલ્ટ કહી શકાય.પરંતુ યુનિ.માં 6 ટકાનો કોઈ નિયમ નતી.

જ્યારે   નિયમ મુજબ એમફીલ-નેટ-સ્લેટ પાસ 612 વિદ્યાર્થીને પરીક્ષાથી મુક્તિ અપાઈ હતી ત્યારે આ વિદ્યાર્થી પણ પ્રવેશ માટે લાયક હોઈ 137 સહિત 749 વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક છે.જેઓની હવે જીડીપીઆઈની પ્રક્રિયા થશે અને ફાઈનલ પ્રવેશ -ગાઈડ ફાળવાશે.જે પ્રક્રિયા હવે દિવાળી બાદ જ થશે.મહત્વનું છે કે આ વર્ષે પ્રથમવાર સ્ટડી ઈન ગુજરાત હેઠળ 10 ટકા સુપર ન્યુમરી બેઠકો છે ત્યારે 30 જેટલા વિદ્યાર્થીમાંથી પરીક્ષા માત્ર 15 વિદ્યાર્થીએ આપી છે અને પાસ 4થી5 જેટલા થયા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3k7tWao
via IFTTT

Post a Comment

أحدث أقدم