ભાજપે 39 શહેર-જિલ્લા પ્રમુખો નિમ્યા, નવા ચહેરાઓને તક અપાઇ


અમદાવાદ શહેરનું કોકડું ગૂંચવાયું, સિનિયરોની બાદબાકી

અમદાવાદ, તા. 9 નવેમ્બર, 2020, સોમવાર

હાઇકમાન્ડે લીલીઝંડી આપતાં પેટાચૂંટણીના પરિણામની પૂર્વસંધ્યાએ ભાજપે શહેર-જિલ્લા પ્રમુખોની નિમણૂંકો કરી છે. 39 શહેર-જિલ્લા પ્રમુખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જોકે, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રમુખની નિમણૂંક કરાઇ નથી. આ બંને શહેરોના પ્રમુખના નામ મુદ્દે હજુ સહમતિ સધાઇ શકી નથી . ઉલ્લેખનીય છેકે, ત્રણ વર્ષના લાંબા સમયગાળા બાદ ભાજપે સંગઠનમાં આમૂલ ફેરફાર કર્યો છે. 

જીતુ વાઘાણીએ પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યો ત્યાર પછી જૂના સંગઠનથી જ કામ ચલાવ્યુ પડયુ હતું. પણ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર.પાટીલે નવી ટીમ બનાવવા ઉત્સુકતા દાખવી છે. પાટીલ આજે ફરી એક વાર દિલ્હી પહોંચ્યાં છે. પરિણામના એક દિવસ પહેલાં દિલ્હી પહોંચતા રાજકીય તર્કવિતર્ક વહેતાં થયાં છે. 

ત્રણ વર્ષ બાદ આજે ભાજપે 39 શહેર-જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરી છે. પાટીલે એક વ્યક્તિ - એક હોદ્દોની િથયરી અમલી  બનાવી છે. એટલું જ નહીં, નવા-યુવા ચહેરોઓને શહેર-જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વની વાત તો એછેકે, સિનિયર નેતા-સાંસદો પાસે થી શહેર પ્રમુખોના હોદ્દા છિનવી લેવાયા છે.

કાર્યકરોના કામની સમિક્ષા કરીને હોદ્દા આપવામાં આવ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સામાજીક - જ્ઞાાતિવાદને ધ્યાનમાં રાખીને હોદ્દા અપાયા હોવાની ચર્ચા છે.  અમદાવાદ જિલ્લા પ્રમુખ તરીકે હર્ષદ ગિરી ગોંસાઇની નિયુક્તિ કરાઇ છે. અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે ધારાસભ્ય જગદીશ પટેલ જવાબદારી નિભાવી રહ્યાં છે ત્યારે આ વખતે તેમની વિદાય પણ નક્કી માનવામાં આવી રહી છે.

જોકે, હજુ સુધી અમદાવાદ શહેરના પ્રમુખપદે કોને બેસાડવા તે અંગે નામ નક્કી થઇ શક્યુ નથી. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લા પ્રમુખ માટે દાવેદાર ઘણાં છે પણ હજુ નામ અંગે સહમતિ સધાઇ નથી જેના કારણે આ બંને પ્રમુખના નામ જાહેર કરવામાં વિલંબ થયો છે. શહેર-જિલ્લા પ્રમુખોની નિયુક્ત બાદ હવે પેટાચૂંટણીના પરિણામ બાદ પ્રદેશનું માળખુ પણ જાહેર થશે.

કોને કોને પડતા મૂકાયા

ભાજપે શહેર-જિલ્લા પ્રમુખોની નિમણૂંકો કરી હતી જેમાં નવા-યુવા ચહેરાઓને સ્થાન અપાયુ હતું જયારે કેટલાંક મોટા માથાઓના પત્તા કપાયાં હતાં.  સાંસદ રંજનબેન ભટ્ટ પાસેથી વડોદરા શહેર પ્રમુખનો હોદ્દો છિનવાયો હતો જયારે સાંસદ દેવુસિંહ ચૌહાણ પાસેથી ખેડા જિલ્લા પ્રમુખ પદ પરત લઇ લેવાયુ હતું.

અમદાવાદ જિલ્લાના પ્રમુખ આર.સી.પટેલ,બનાસકાંઠાના કેશાજી ચૌહાણના ય પત્તા કપાયા હતાં. પોરબંદરમાં વિક્રમ ઓડેદરા , જામનગર શહેરમાં હસમુખ હિંડોચા પાસેથી પ્રમુખપદ છિનવી લેવાયુ હતું. સુરત શહેરમાં નિતિન ભજીયાવાલાને રૂખસત અપાઇ હતી.  આમ, શહેર-જિલ્લા પ્રમુખોની નિમણૂંકોમાં સાંસદો - સિનીયર નેતાઓ પાસેથી શહેર-જિલ્લા પ્રમુખોની જવાબદારી પરત લઇ લેવાઇ હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GL05XV
via IFTTT

Post a Comment

Previous Post Next Post