12 નવેમ્બરથી GSTની જવાબદારી અને ITCની વિગતો ઓનલાઈન મળશે


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 9 નવેમ્બર, 2020, સોમવાર

અગિયારમી નવેમ્બરે જીએસટીઆર-1 જમા કરાવ્યા પછી રિટર્ન ફાઈલ કરનારા દરેક વેપારીઓને તેમની સામેના વેપારીઓ સાથે કરેલા વહેવારોને આધારે ભરવાના થતાં ટેક્સની જવાબદારી અને ઇનપુટ ટેક્સ ક્રેડિટની વિગતો આપોઆપ જ ઓનલાઈન જનરેટ થનારા 2(ટુ)બી ફોર્મમાંર્ં જોવા મળશે.

આમ હવે દરેક વેપારીના ખરીદી અને વેચાણના બિલનું મેચિંગ થવાની અને તેને આધારે જીએસટી ભરવાની કેટલી જવાબદારી આવે છે અને જીએસટીનું કેટલું રિફંડ એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની થાય છે તે વિગતો બારમી નવેમ્બરથી ઓનલાઈન જોવા  મળશે.

આ સાથે જ ઓનલાઈન વિગતો સાથે ખરીદી અને વેચાણ કરનાર વેપારીઓ સહમત હશે તો તેઓ તેની તે વિગતો તેમના રિટર્નમાં પણ દર્શાવી શકશે. આમ જીએસટીનું રિટર્ન ફાઈલ કરવાની કામગીરી પણ અત્યંત સરળ બની જશે. 

11મી નવેમ્બર જીએસટીઆર-1 ભરવાનો છેલ્લો દિવસ છે. તેમાં બિલદીઠ વેચાણ અને ખરીદીની વિગતો રિફ્લેક્ટ થાય છે. વેપારીઓએ તેમના 3બી રિટર્નમાં તેમણે કરેલી ખરીદી અને વેચાણની સમરી એટલે કે કુલ ખરીદી અન ેકુલ વેચાણની વિગતો આપવાની રહેશે. તેમ જ તેમણે ખરીદી પર કેટલો જીએસટી જમા કરાવ્યો છે  અને વેચાણ પર તેમને કેટલો ટેક્સ મળ્યો છે.

આ બંને વચ્ચેના તફાવતની રકમ તેમણે સરકારમાં જીએસટી પેટે જમા કરાવવાની આવે છે. આ તમામ વિગતો તેમના રિટર્નને આધારે ઓનલાઈન જોઈ શકાશે. આ વિગતો વેપારીને માન્ય હશે તો તેનો સીધો રિટર્ન ભરવામાં પણ ઉપયોગ કરી શકાશે. પરિણામે રિટર્ન ફાઈલ કરવું પણ વેપારીઓ માટે આસાન બની જશે. 

આ વ્યવસ્થાને પરિણામે વેપારીના રિટર્નમાં કોઈ ભૂલ હશે તો તે પણ પકડી શકાશે. જીએસટીઆર-1માં દર્શાવેલી વિગતો ઓટોપોપ્યુલેટેડ થઈને 2-બીમાં જોવા મળશે. બીજીતરફ જીએસટીના નેટવર્કમાં અત્યાર સુધી એક સામટા 1.5 લાખ વેપારીઓ લોગ ઇન કરી શકતા હતા.

હવે આ લોગઈન કરવાની ક્ષમતામાં 100 ટકા વધારો કરીને એક સામટા દરેક ક્ષણે 3 લાખ વેપારીઓ લોગ ઇન થઈ શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. પરિણામે રિટર્ન ફાઈલ કરતી વખતે નેટવર્ક ખોટકાઈ જવાની શક્યતા ઓછી થઈ જવાની સંભાવના છે. દેશમાં અત્યારે 1.25 કરોડથી વધુ વેપારીઓ જીએસટીનું રજિસ્ટ્રેશન ધરાવે છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lh7fSy
via IFTTT

Post a Comment

Previous Post Next Post