
અમદાવાદ, તા. 29 નવેમ્બર 2020 રવિવાર
અમદાવાદમાં એક તરફ કોરોનાનો કહેર વધવાથી લોકો ભયભીત બન્યા છે. એસવીપી જેવી સરકારી હોસ્પિટલમાં દર્દીને પ્રવેશ મેળવવાના તો ફાંફાં પડ્યાં છે, પરંતુ સારી ગણાતી ખાનગી હોસ્પિટલમાં પણ પૂરતી સંખ્યામાં બેડ કે વેન્ટિલેટરની વ્યવસ્થા નથી.
ઉપરાંત તંત્ર પણ વધુ ને વધુ દર્દીને હોમ ક્વોરન્ટાઇન થવાની સલાહ આપે છે, જેના કારણે ઘરે રહીને કોરોનાની સારવાર લેતા દર્દી વધ્યા છે, પરંતુ આ દર્દીની નિયમિત સારસંભાળ લેવાની બાબત કહો કે પછી તેમના મેડિકલ વેસ્ટને ઉપાડવાની બાબતમાં તંત્ર વિરુદ્ધ રોજેરોજ ફરિયાદોનો ઢગલો થઈ રહ્યો છે.
આમ તો કોરોનાના કેસ વધતાં તંત્રે માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયામાં વધારો કરવાની નવી રણનીતિ અપનાવી છે. આજની સ્થિતિમાં શહેરમાં કુલ 293 માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા અમલમાં છે. આના કારણે 24,000 લોકો તેમના ઘરમાં કેદ થયા છે.
બીજી તરફ હોમ આઇસોલેશન હેઠળના દર્દીની માવજતના મામલે તંત્ર ઊણું ઊતર્યું છે. તેમાં પણ મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની બેદરકારીથી જે તે દર્દીના ઘેરથી તેમનો મેડિકલ વેસ્ટ નિયમિત રીતે ઉપાડાતો નથી. અગાઉની કોરોના ફર્સ્ટ વેવમાં પણ હોમ આઇસોલેટેડ દર્દી પ્રત્યે તંત્ર લાપરવાહી દાખવતું હોવાની તંત્ર સામે ગંભીર ફરિયાદ ઊઠી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KQ8pas
via IFTTT
إرسال تعليق