અમદાવાદમાં કોરોનાનો કેર : વધુ 159 લોકો સંક્રમિત, ત્રણનાં મૃત્યુ


અમદાવાદ, તા. 4 નવેમ્બર, 2020, બુધવાર

અમદાવાદમાં દર્દીઓની સંખ્યામાં વધારા-ઘટાડા સાથે કોરોનાની રફતાર યથાવત ચાલુ રહેવા પામી છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં સરકારી યાદી મુજબ વધુ 159 લોકો કોરોનાગ્રસ્ત થયા છે, જ્યારે સારવાર દરમ્યાન ત્રણ દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે.

બીજી તરફ કોરોનાને હરાવીને સાજા થઇ ગયેલાં 151 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. મ્યુનિ.ની હદમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ દર્દીઓની સંખ્યા 45299ની થઇ ગઇ છે. ઘણા વખત પછી સુરત કરતાં વધુ દર્દી આજે નોંધાયા છે.

ઉપરાંત કુલ મૃત્યુ આંક 1861નો થયો છે. તેમજ ડિસ્ચાર્જ થયેલાં લોકોની કુલ સંખ્યા 35517ના આંકડાને આંબી ગઈ છે. એક્ટિવ કેસો ઘટીને 2796 થઇ ગયા છે. જેમાં પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોનના 1382 છે, જ્યારે પૂર્વ પટ્ટાના મધ્યઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, પૂર્વ ઝોનના 1414 છે.

સૌથી વધુ ઉત્તર પશ્ચિમઝોનના અને સૌથી ઓછાં મધ્યઝોનના છે. ખાનગી હોસ્પિટલોની 2054 પ્રાઈવેટ બેડમાં હાલ 1168 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે, 886 એટલે કે 43.13 ટકા જેટલી બેડ ખાલી છે. જો કે આઈસીયુમાં 165 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે, જ્યારે 86 વેન્ટીલેટર ઉપર છે.

બીજી તરફ રોગચાળાનો સાડા સાત મહિનાનો લાંબો ગાળો પસાર થયો તેની સમાજ જીવન ઉપર ખુ જ ઘેરી અસર પડી છે. હોળી, ધુળેટી, સાતમ, આઠમ, રક્ષાબંધન, મહોરમથી લઇને હવે દિવાળી જેવા તહેવાર પણ ફિક્કો પડી ગયો છે.

આ સિઝનમાં લોકો મકાનોની મરામત, રંગ કરાવવો, ફર્નિચરની સજાવટ કરવી વગેરે મોટા પ્રમાણમાં કરાવતા હોય છે, તેના બદલે આ વખતે અનિવાર્ય હોય તે બાબત જ કરાવી રહ્યાં છે. બહારના કારીગરો ઘરમાં આવે તે બાબતે લોકો સંક્રમણથી ડરતાં હોય છે. નવી ખરીદી પણ ના છૂટકે જ કરી રહ્યાં છે. એક તરફ આવક ઘટી છે અને બીજી તરફ મોંઘવારી છે, જેણે મધ્યમવર્ગની મુશ્કેલી વધારી દીધી છે.

નવા 11 સ્થળ માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાયા

અમદાવાદ,બુધવાર

શહેરમાં બુધવારે કોરોના કેસની સંખ્યાના આધારે નવા 11 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાતા કુલ માઈક્રોકન્ટેઈન્મેન્ટની સંખ્યા 93 ઉપર પહોંચી છે. મ્યુનિ.તંત્ર દ્વારા બુધવારે ઈસનપુર વોર્ડમાં પ્રેરણા સોસાયટી,વ્રજભૂમિ સોસાયટી, કાંકરીયા વોર્ડમાં હીરાનંદ કોંપલેકસને કેસની સંખ્યાના આધારે નિયંત્રિત સ્થળમાં મુકયા છે.

વેજલપુર વોર્ડમાં આતિશ સોસાયટી, રામોલ વોર્ડમાં રાજ રેસીડેન્સી,સુખીપુરામાં ચિતવન એપાર્ટમેન્ટ,સોલા ભાગવત પાસેના સાગર સંગીત હાઈટને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા છે. બોડકદેવ વોર્ડમાં અક્ષરધામ એપાર્ટમેન્ટ, ચાંદલોડિયા વોર્ડમાં અદાણી પ્રથમ, ઘોડાસર વોર્ડમાં તુલસીકુંજ સોસાયટી વિભાગ-એક, વટવાની મુરલીધર સોસાયટી-વિભાગ-ત્રણના સંક્રમિત વિસ્તારને નિયંત્રિત વિસ્તારમાં સમાવાયા છે.

મ્યુનિ.ના ઇન્કવાયરી અધિકારીને કોરોના

અમદાવાદ, બુધવાર

મ્યુનિ. અપિલ સબ કમિટી આજે મળેલી મીટીંગમાં ઇન્કવાયરી અધિકારી નરેન હજારી પણ હાજર હતાં. કમિટી પુરી થયા બાદ તેમને તાવ હતો એટલે કોરોનાનો ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. આ સાથે કમિટીમાં હાજર તમામ સભ્યોમાં ચિંતા શરૂ થઇ છે અને કોણ તેમની વધુ નજીક બેઠું હતું તેની ચર્ચા થવા માંડી છે.

દુકાનદારો-વેપારીઓના બે દિવસ બાદ રેપિડ-એન્ટિજન ટેસ્ટ કરાશે

અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ વિભાગ દ્વારા બે દિવસ બાદ વેપારીઓ અને તેમના કર્મચારીઓનો રેપિડ-એન્ટીજન ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. જે બજારમાં અને જે દુકાનોમાંથી વધુ ખરીદી થતી હોય તેમનાથી શરૂઆત કરાશે તેમ જણાય છે.

ભદ્ર-ત્રણ દરવાજા જેવા ફુટપાથ બજારો પણ પાથરણાંવાળા અને ફેરિયાઓના ટેસ્ટ કરાનાર છે. આ અંગે હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, મીઠાઈ-ફરસાણવાળા, જ્વેલર્સની દુકાનો, કાપડ-જુતાની દુકાનો તેમજ હાલ દિવાળીના સંદર્ભમાં લોકો વધુ ખરીદી કરતાં હોય છે, તેવા વેપારીને ત્યાં હેલ્થની ટીમો જઇને રેપિડ ટેસ્ટ કરશે.

કેમ કે દુકાનદાર કે તેમના કર્મચારી સંક્રમિત હોય તો તે મોટા વર્ગમાં ચેપ લગાડે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળી છેક નજીક આવી ગઈ ત્યારે હેલ્થ વિભાગને આ વિચાર આવ્યો છે, જે એકાદ સપ્તાહ પહેલાં આવવાની જરૂર હતી. કેમ કે દુકાનમાં ભીડ હોય તેવા સમય ટેસ્ટ કરવા ટીમ પીપીઈ કીટ પહેરીને ઘુસશે તેનાથી થોડી અસુવિધા પણ ઉભી થશે. બીજુ હવે તેઓ કેટલાં વેપારીઓ સુધી પહોંચી શકશે તે પણ પ્રશ્ન છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38b1vpV
via IFTTT

Post a Comment

Previous Post Next Post