ગુજરાત વિદ્યાપીઠમાં ગેરરીતિ મુદ્દે UGCએ નિમેલી કમિટી તપાસ કરશે


ભરતીમાં ગેરરીતિ અને સત્તાના દૂરૂપયોગ સહિતની ફરિયાદો 

અમદાવાદ, તા. 27 ઓક્ટોબર, 2020, મંગળવાર

ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં જ ગાંધીના મૂલ્યો સચાવાતા નથી અને ભરતી -નિમણૂંકોમાં ગેરરીતિથી માંડી નાણાકીય ભ્રષ્ટાચારની પણ વ્યાપક ફરિયાદોને લઈને યુજીસીએ   તપાસ કમિટી રચી છે.આ તપાસ કમિટી થોડા દિવસમાં વિદ્યાપીઠમાં રૂબરૂ તપાસ માટે પણ આવશે.

ગૂજરાત વિદ્યાપીઠની ગાંધીજી દ્વારા સ્થાપના થયાને આ વર્ષે 100 વર્ષ પુરા થયા છે અને વિદ્યાપીઠે હમણાં જ 100 વર્ષની ઉજવણી પણ કરી 101મો સ્થાપના દિવસો પણ ઉજવ્યો છે ત્યારે વિદ્યાપીઠે માત્ર સ્થાપના દિવસની મહત્વતમાં  સમજી છે પરંતુ ગાંધીજીના સત્ય અને ન્યાયના મૂલ્યાની મહત્વતા સમજી ન હોઈ વિદ્યાપીઠ વ્યાપક ગેરરીતિની ફરિયાદોને લઈને વિવાદમાં આવી છે. ગૂજરાત વિદ્યાપીઠના જ કર્મચારી પિયુષ શાહે  સપ્ટેમ્બર 2017માં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને વિદ્યાપીઠમાં ચાલતી વિવિધ ગેરરીતિને લઈને ફરિયાદ કરી હતી.

વિદ્યાપીઠમાં કુલનાયકથી માંડી આસિ. રજિસ્ટ્રાર સહિતની ઊંચી પોસ્ટમાં નિમણૂંકો માટે તેમજ હેડ કલાર્કથી માંડી અધ્યાપકોની ભરતી અને નિમણૂંકોમાં ન્યાયિક  પ્રક્રિયા કરી નથી તથા  ભારે ગેરરીતિ આચરાઈ છે. ઉપરાંત ટીચિંગથી માંડી નોન ટીચિંગની વિવિધ જગ્યાઓ ખોટી રીતે ભરવામા આવી  હોવાની તેમજ લાયકાત વગરના ઉમેદવારોને ભરતી કરી લેવામા આવ્યા હોવાની ફરિયાદ કરવામા આવી હતી.

ફરિયાદી અને તેમના વકીલના જણાવ્યા મુજબ પૂર્વ રજિસ્ટ્રાર દ્વારા સત્તાનો દુરૂપયોગ કરી ખોટી ભરતીઓ કરાઈ છે અને નાણાકીય ગેરરીતિ પણ કરવામા આવી છે. સત્તાનો દુરૂપયોગ કરી પૂર્વ રજિસ્ટ્રારે પોતાના લાગતા વળગતા માણસોને ગોઠવવા નિયમો નેવે મુકી વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો હોવાની આ ફરિયાદો યુજીસીને ફોરવર્ડ કરવામા આવી હતી.

ફરિયાદ બાદ પણ કોઈ પગલા લેવાયા ન હોવાથી કર્મચારી દ્વારા હાઈકોર્ટમાં પીટિશન કરવામા આવી હતી અને ડાયરેકશન માંગવામા આવ્યુ હતુ. સપ્ટેમ્બર 2019માં હાઈકોર્ટે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો પરંતુ તેમ છતાં પણ કોઈ પગલાં ન લેવાતા ફરિયાદી દ્વારા કન્ટેમ્પ્ટ પીટિશન કરવામા આવી હતી.જેની સુનાવણી તાજેતરમાં પૂર્ણ થઈ હતી.

આ સુનાવણીમાં યુજીસીએ એફિડેવિટ રજૂ કરી જવાબ રજૂ કર્યો હતો કે યુજીસીના ચેરમેન દ્વારા  ચાર સભ્યોની તપાસ કમિટી નિમાઈ છે. આ કમિટીના ચેરમેન તરીકે ફરિયાદાબાદની યુનિ.ના કુલપતિને ચેરમેન બનાવાવમા આવ્યા છે અને યુજીસીના રીટાયર્ડ ડેપ્યુટી ડાયરેકટર સહિતના બે મેમ્બરને અને  યુજીસીના એકાઉન્ટ ઓફિસરને પણ કમિટીમાં મુકવામા આવ્યા છે. આ કમિટીએ તપાસ શરૂ કરી દીધી છે અને હાલ તપાસ ચાલી રહી છે.

યુજીસીએ હાઈકોર્ટ સમક્ષ બાયંધરી આપતા જણાવ્યું છે કે  તપાસ કમિટી વિદ્યાપીઠમા રૂબરૂ તપાસ માટે પણ આવવાની છે પરંતુ હાલ કોરોનાની સ્થિતિને લઈને રૂબરૂ તપાસ થઈ શકી નથી.છ મહિનામાં તપાસ પુર્ણ કરાશે અને તપાસના ૬ મહિના મુજબ 30 જાન્યુ.સુધી તપાસ પૂર્ણ થઈ શકે છે. યુજીસીએ હાઈકોર્ટ સમક્ષ તપાસના ડોક્યુમેન્ટ પણ રજૂ કર્યા હતા.હાઈકોર્ટે વિદ્યાપીઠ-યુજીસીને જરૂરી ડાયરેકશન આપ્યા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e0VkFC
via IFTTT

Post a Comment

Previous Post Next Post