
અમદાવાદ, તા. 27 ઓક્ટોબર, 2020, મંગળવાર
પેટાચૂંટણીને આડે હવે એક જ સપ્તાહ બાકી છે તેમ છતાંય ચૂંટણીનો માહોલ જામતો નથી. ભાજપના પ્રદેશ નેતાઓ પેટાચૂંટણીના પ્રચારમાં મતદારો પર પ્રભાવ પાડી શક્યા નથી . કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અને અમદાવાદમાં સી-પ્લેનના ઉદઘાટન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે નરેન્દ્ર મોદીના ગુજરાત આગમનને પગલે ઠંડાગાર ચૂંટણી માહોલ વેગિલો બને તેવી ભાજપના નેતાઓને આશા જાગી છે.
બિહાર ચૂંટણીને કારણે ગુજરાતની પેટાચૂંટણીમાં ભાજપની નેતાગીરીને જરાય રસ નથી જેના કારણે પેટાચૂંટણીના પ્રચારમાં એકેય સ્ટાર પ્રચારક ડોકાયાં નથી. માત્ર પ્રદેશના નેતા-રાજ્ય સરકારના મંત્રીઓ પ્રચારમાં જોડાયાં છે.
જોકે, પ્રદેશ નેતા-મંત્રીઓ મતદારો પર પ્રભાવ જમાવી શક્યા નથી જેના કારણે ચૂંટણીસભામાં પાંખી હાજરી અને ખુરશીઓ ખાલીખમ જોવા મળી રહી છે. આ વખતે ભાજપને પ્રચારમાં મોદીની કમી મહેસૂસ થઇ રહી છે ત્યારે 30-31મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવ મહિના બાદ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન 31મીએ નરેન્દ્ર મોદી અમદાવાદમાં સી-પ્લેનનું ઉદઘાટન કરવાના છે.
ભાજપના નેતાઓનું માનવુ છેકે, મોદીની ગુજરાત મુલાકાત જ મતદારો પર ઘણો એવો પ્રભાવ પાડી શકે છે. વડાપ્રધાન આ મુલાકાત થકી પેટાચૂંટણીના સ્ટાર પ્રચારકની કમીને પૂર્ણ કરશે. નરેન્દ્ર મોદીના આ મુલાકાતને આગળ ધરી ભાજપના પ્રદેશ નેતાઓ પ્રચારના છેલ્લા રાઉન્ડમાં મતદારોને રિઝવવા એડીચોટીનુ જોર લગાવશે. એટલે જ મોદીના આ પ્રવાસને પેટાચૂંટણી માટે સૂચકરૂપ માનવામાં આવે છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31JIabl
via IFTTT
Post a Comment