
(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે 30,સપ્ટેમ્બર 2020ના પૂરા થયેલા બીજા ત્રિમાસિકના કોન્સોલિડેટેડ ધોરણે નબળા પરિણામ જાહેર કર્યા છે. કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાના રૂ.11,262 કરોડની તુલનાએ 15.06 ટકા ઘટીને રૂ.9567 કરોડ નોંધાવ્યો છે. જ્યારે કુલ આવક રૂ.1,56,539 કરોડની તુલનાએ 23.06 ટકા ઘટીને રૂ.1,20,444 કરોડ નોંધાવી છે.
જૂન 2020ના અંતના પ્રથમ ત્રિમાસિકમાં કંપનીએ રૂ.13,233 કરોડનો ચોખ્ખો નફો અને રૂ.95,626 કરોડની કુલ આવક નોંધાવી હતી. રિલાયન્સ જિયો દ્વારા બીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો 12.9 ટકા વધીને રૂ.2844 કરોડ હાંસલ કરાયો છે, જ્યારે આવક રૂ.12,354 કરોડની તુલનાએ વધીને રૂ.17,481 કરોડ નોંધાવી છે.
આ સાથે રિલાયન્સ જિયો ચાઈના બહાર એક દેશના બજારમાં 40 કરોડથી વધુ સબસ્ક્રાઈબરોનો આંક પાર કરનાર પ્રથમ ટેલીકોમ ઓપરેટર બની છે. કંપનીમાં 30,000થી વધુ કર્મચારીઓનો ઉમેરો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની બીજા ત્રિમાસિકમાં રિલાયન્સ રીટેલની કોન્સોલિડેટેડ આવક 30 ટકા વધીને રૂ.41,100 કરોડ અને ચોખ્ખો નફો 125.8 ટકા વધીને રૂ.973 કરોડ અને કેશ નફો 77.3 ટકા વધીને રૂ.1408 કરોડ થયા છે.
કંપનીના અત્યારે 11,931 ફિઝિકલ સ્ટોર્સ કાર્યરત છે અને બીજા ત્રિમાસિકમાં એમાં 125 સ્ટોરનો ઉમેરો થયો છે. રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડની આવક 7.1 ટકા વધીને રૂ.21,708 કોડ અને ચોખ્ખો નફો 19.8 ટકા વધીને રૂ.3020 કરોડ મેળવ્યા છે. કંપનીની પેટ્રોકેમિકલ્સ સેગ્મેન્ટની આવક રૂ.38,538 કરોડની તુલનાએ ઘટીને રૂ.29,665 કરોડ થઈ છે.
રીફાઈનીંગમાં આવક રૂ.97,229 કરોડની તુલનાએ ઘટીને રૂ.62,154 કરોડ, ઓઈલ એન્ડ ગેસમાં રૂ.790 કરોડની તુલનાએ ઘટીને રૂ.355 કરોડ, ડિજિટલ સર્વિસિઝમાં રૂ.16,717 કરોડની તુલનાએ વધીને રૂ.22,679 કરોડ, ફાઈનાન્શિયલ સર્વિસિઝમાં રૂ.543 કરોડની તુલનાએ વધીને રૂ.612 કરોડ અને અન્યમાં રૂ.9838 કરોડની તુલનાએ ઘટીને રૂ.8342 કરોડની થઈ છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર મુકેશ અંબાણીએ પરિણામ વિશે જણાવ્યું હતું કે, કંપનીએ એકંદર કામગીરી અને નાણાકીય રીતે પાછલા ત્રિમાસિકની તુલનાએ આ વખતે મજબૂત પરિણામ આપ્યા છે. પેટ્રોકેમિકલ્સ અને રીટેલ સેગ્મેન્ટમાં રિકવરી અને ડિજિટલ સર્વિસિઝ બિઝનેસમાં સતત વૃદ્વિએ આ કામગીરી મેળવી છે.
ઓ ટુ સી બિઝનેસોમાં તમામમાં સ્થાનિક મજબૂત માંગ સાથે તીવ્ર રિકવરી જોવાઈ છે અને મોટાભાગના ઉત્પાદનોમાં કોવિડ પૂર્વેના લેવલે માંગ પહોંચી છે. છેલ્લા છ મહિનામાં જિયો અને રીટેલ બિઝનેસમાં જંગી મૂડી ઊભી કરવામાં આવી છે. કંપની ઘણા વ્યુહાત્મક અને નાણાકીય રોકાણકારોને રિલાયન્સ પરિવારમાં આવકારે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34GHUeT
via IFTTT
إرسال تعليق