
નવી દિલ્હી, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર
કેન્દ્ર સરકારે ચીફ ઈન્ફર્મેશન કમિશનર તરીકે ફોરેન સર્વિસમાંથી નિવૃત્ત થયેલા યશવર્ધનકુમાર સિંહાની નિમણૂક કરી છે. સરોજ પુન્હાનીને ડેપ્યુટી ચીફ ઈન્ફર્મેશન કમિશનર જ્યારે ઉદય માહુરકરને ઈન્ફર્મેશન કમિશનર બનાવાયા છે.
આ અધિકારીઓની પસંદગીની પેનલમાં સંસદમાં વિપક્ષના નેતા અધિરંજન ચૌધરી પણ હતા. ચૌધરીએ આ નામો સામે વિરોધ કર્યો હતો, છતાં સરકારે પોતાના માનિતા અધિકારીઓને માહિતી કમિશનમાં ગોઠવી દીધા હતા.
માહિતી કમિશનનું કામ આરટીઆઈ હેઠળ માહિતી રજૂ કરવાનું છે, પરંતુ સરકારને માફક ન આવે એવી ઘણી માહિતી આ કમિશન દ્વારા છૂપાવાતી હોવાના આક્ષેપો થતા રહે છે. ચૌધરીનું કહેવું છે કે આ અધિકારીઓને અન્ય કામગીરીનો અનુભવ છે, માહિતી કમિશનનો નહીં.
પત્રકાર ઉદય માહુરકરે તો વડા પ્રધાનની વાહવાહી કરતી અનેક સ્ટોરીઓ કરી છે. વડા પ્રધાનની સિદ્ધિઓ વર્ણવતું પુસ્તક પણ માહુરકરે લખ્યું છે. એ કામગીરીના ઈનામ તરીકે આ નિમણૂંક અપાઈ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે.
પસંદગી સમિતિ પાસે ચીફ ઈન્ફર્મેશન કમિશનર માટે 139 નામ અને ઈન્ફર્મેશન કમિશનર માટે 355 નામ હતા. તેમાંથી સરકારે આ નામો ફાઈનલ કર્યા હતા. પરંતુ એ નામ ક્યા આધારે ફાઈનલ કરાયા હતા એ સરકારે જાહેર કર્યું નથી. ચૌધરીએ કહ્યું હતું કે માહુરકર ભાજપના સમર્થક પત્રકાર છે, માટે તેમની નિમણૂક ક્યા કારણસર થઈ હોય એ સમજી શકાય એમ છે.
ચૌધરીના કહેવા પ્રમાણે માહુરકરનું તો નામ જ ઉમેદવારોમાં ન હતું, તો તેમને કઈ આવડતના જોરે માહિતી કમિશનર બનાવી દેવાયા? જોકે માહિતી કમિશનમાં કમિશનરોની નિમણૂક જ્યારે થાય ત્યારે આ પ્રકારનો વિવાદ થતો જ હોય છે. એટલે આ સરકાર હોય કે અગાઉની સરકાર દરેકે પોતાના પસંદગીના અધિકારીઓને જ એપોઈન્ટ કરવાનું પસંદ કર્યું છે. આ પસંદગી સમિતિના અધ્યક્ષ વડા પ્રધાન હોય છે અને નિમણૂક અંગેનો અંતિમ નિર્ણય પણ તેઓ જ લેતા હોય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/382Bglz
via IFTTT
إرسال تعليق