
અમદાવાદ, તા. 27 ઓક્ટોબર, 2020, મંગળવાર
ગુજરાત સરકારે ગત વર્ષે શરૂ કરેલા સ્ટડી ઈન ગુજરાત પ્રોજેક્ટ હેઠળ ગુજરાત યુનિ.સહિતની નક્કી કરાયેલી યુનિ.ઓમાં સરકારની સૂચના મુજબ પીએચડીમાં આ વર્ષથી 10 ટકા બેઠકો રાજ્ય બહારના અને વિદેશી વિદ્યાર્થીઓ માટે સુપર ન્યુમરી રહેશે. આ 10 ટકા કુલ બેઠકોમાં નહી ગણાય પરંતુ વધારાની ગણાશે અને જે માત્ર રાજ્ય બહારના વિદ્યાર્થીઓ માટે અનામત રહેશે.
રાજ્ય સરકારના સ્ટડી ઈન ગુજરાત પ્રોજ્કટમાં ગુજરાત યુનિ.સહિતની કેટલીક સરકારી યુનિ.ઓ અને કેટલીક પ્રાઈવેટ યુનિ.ઓ જોડાઈ છે. જે યુનિ.ઓએ વિદેશના વિદ્યાર્થીઓને આકર્ષવા માટે એમઓયુ પણ કર્યા છે.
આ યુનિ.ઓમાં ગુજરાત યુનિ.એ ગુજરાત બહારના અને વિદેશી વિદ્યાર્થીઓ તેમજ એનઆરઆઈ સ્ટુડન્ટસ માટે 10 ટકા બેઠકો સુપર ન્યુમરી તરીકે રાખવાનો પરિપત્ર પણ કરી દીધો છે. યુનિ.દ્વારા સુપર ન્યુમરી બેઠકોમા પ્રવેશ માટે રાજ્ય બહારના અને વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ પણ મંગાવાઈ છે.
સ્ટડી ઈન ગુજરાત પ્રોજ્કેટ હેઠળ ઉચ્ચ શિક્ષણમાં વિવિધ યુજી-પીજી કોર્સમાં સરકારે વિદેશી અને રાજ્ય બહારના વિદ્યાર્થીઓને આકર્ષવા વિદેશમાં અને વિવિધ રાજ્યોમાં રોડ શો પણ કર્યા છે પરંતુ ઉચ્ચ શિક્ષણમાં જોઈએ તેટલા રાજ્ય બહારના વિદ્યાર્થીઓ પ્રવેશ માટે આવ્યા નથી ત્યારે પીએચડી જેવા મહત્વના કોર્સમાં 10 ટકા બેઠકો સુપર ન્યુમરી રાખી વિદેશી અને રાજ્ય બહારના વિદ્યાર્થીઓને આકર્ષવાનો જે પ્રયાસ કરાયો છે તે કેટલો સફળ રહેશે તે પ્રશ્ન છે.
ઉપરાંત યુજીસીના નિયમ મુજબ પ્રોફેસર, એસોસિએટ અને આસિ.પ્રોફેસરને પીએચડીના વિદ્યાર્થીઓ ફાળવવાના હોય છે અને જે નક્કી કરાયેલી ગાઈડશિપ મુજબ 4થી લઈને 8 વિદ્યાર્થી એક ગાઈડ દીઠ ફાળવવાના થાય ત્યારે સુપર ન્યુમરી બેઠકોમાં ગાઈડની ફાળવણી કઈ રીતે થશે તે પણ પ્રશ્ન છે.જો કે યુનિ. ને નેકમાં સારા ગ્રેડ માટે ફોરેન સ્ટુડન્ટસ પીએચડી કરવા આવે તો ફાયદો થઈ શકે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HJeunI
via IFTTT
إرسال تعليق