
અમદાવાદ, તા. 11 ઓક્ટોબર, 2020, રવિવાર
અમદાવાદના પોલીસ સ્ટેશનોમાં પોલીસની વર્તુણુક તપાસવા માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાદા ડ્રેસમાં પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. મોબાઈલ ગુમ થયાની ફરિયાદને બહાને ગયેલા કમિશનરને માસ્ક હોવાથી અને ચશ્મા પહેર્યા હોવાથી કોઈ ઓળખી શક્યું ન હતું. જોકે કેટલાક પોસ્સો સાદા ડ્રેસમાં પોલીસ સ્ટેશનમાં ફરતા હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું.
આગામી દિવસોમાં અન્ય તકલીફો સંદર્ભે વિવિધ પોલીસ સ્ટેશનોની આ પ્રકારે મુલાકાત લઈશ, એમ તેમણે જણાવ્યું હતું. અમદાવાદના પોલીસ સ્ટેશનોમાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ફરિયાદીઓ સાથે કેવી વર્તુણુક કરે છે તેની જાત તપાસ માટે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ચાંદખેડા,રાણીપ અને સાબરમતી પોલીસ સ્ટેશનની ઓચિંતી મુલાકાતે ગયા હતા.
શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ ઓળખાઈ ન જવાય તે માટે તેમણે ચશ્મા પહેર્યા ન હતા અને માસ્ક હોવાથી કોઈ તેમને ઓળખી શક્યું ન હતું. પોલીસ સ્ટેશનમાં શિફ્ટ ચેન્જ જાય તે સમયે ખાનગી વાહનમાં રાણીપ પોલીસ સ્ટેશન પહોંચેલા કમિશનરે તેમનો મોબાઈલ ચોરાઈ ગયો હોવાની ફરિયાદ કરી હતી. ફરજ પરના પીએસઓએ તેમની પાસે મોબાઈલનું બિલ માંગ્યું હતું.
તેમણે હાલ તેમની પાસે બિલ નથી, એમ જણાવ્યું હતું. આથી અન્ય એક પોલીસે બાદમાં ઘરેથી લઈને બિલ આપી જજો એમ તેમને જણાવ્યું હતું. ત્યારબાદ સાબરમતી અને ચાંદખેડામાં પણ તેઓ મોબાઈલ ચોરીની ફરિયાદ કરવા ગયા હતા. આ બન્ને પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ તેમની ફરિયાદ નોંધવા તૈયાર થઈ ગયા હતા એમ તેમણે જણાવ્યું હતું.
દરમિયાન હિન્દી ગુજરાતી મિશ્રીત ભાષામાં બોલતા શ્રીવાસ્તવને એક પોલીસ કર્મચારીએ તમે ક્યાંના રહેવાસી છો, એમ પુછતા તેમમે ઉત્તરપ્રદેશના હોવાનું કહ્યું હતું. જોકે એક પણ પોલીસ સ્ટેશનમાં તેઓ પોલીસ કમિશનર હોવાની કોઈને જાણ થઈ ન હતી. શ્રીવસ્તવના જણાવ્યા મુજબ તેઓ ખાનગી વાહનમાં ગયા હતા અને જે તે ઝોનના ડીસીપી, એસીપી કે પોલીસ સ્ટેશનના પી.આઈને પણ તેમની મુલાકાત અંગે જાણ કરી ન હતી.
તે સિવાય એક પોલીસ સ્ટેશનમાં એક પોલીસ કર્મચારી શિફ્ટ પુરી થયાના અડધા કલાક મોડો આવ્યો હતો. તે સિવાય કેટલાક પોલીસ કર્મચારીઓ સાદા ડ્રેસમાં નજરે ચયા હતા. જોકે તેમણે સત્તાનો રૂઆબ છાંટવાને બદલે ફક્ત તેમની ખામીઓ સુધારવાની તાકીદ કરી હતી. જ્યારે પોલીસ કર્મચારીઓને ખબર પડી ત્યારે તેઓ ચોંકી ઉઠયા હતા અને સેલ્યુટ મારવા લાગ્યા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nEfAl1
via IFTTT
إرسال تعليق