
અમદાવાદ, તા. 11 ઓક્ટોબર, 2020, રવિવાર
વસ્ત્રાપુર પોલીસે ક્રિકેટ સટ્ટાનો કેસ કર્યો પણ કોલ સેન્ટરની વાત મોટો તોડ કર્યાની ચર્ચા વેગવાન છે. તા. 7ની રાતના તોડકાંડમાં પોલીસકર્મી વચ્ચે ઝઘડા પછી વાત ફૂટી જતાં એક ટ્વિટ થયા પછી આ વિવાદમાં ગાંધીનગરથી તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.
ઝોન-1 ડીસીપીની ટીમે આજે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના તેમજ જ્યાંથી સૌરભ અને ધવલ નામના યુવકોને પકડવામાં આવ્યાં હતાં તે સ્થળના સીસીટીવી કબજે કરવામાં આવ્યાં હતાં. બન્ને જગ્યાના 24-24 કલાકના સીસીટીવી કબજે કરાયાં હોવાથી તે જોવામાં ખાસ્સો સમય વિતી શકે છે.
આ પ્રકારની તપાસ પદ્ધતિથી ખરેખર કેટલી રકમનો તોડ થયો અને પૈસા ક્યાં ક્યાં સુધી ગયાં તે વિગતો બહાર આવશે કે કેમ તે બાબત પોલીસ તંત્રમાં જ ચર્ચાનો વિષય બની છે. ગત તા. 7ના સાંજે વસ્ત્રાપુર પોલીસે એસ.જી. હાઈવે પર ટીજીબીની ગલી પાસે કારમાં બે યુવકોને પકડી પાડયાં હતાં.
સૌરભ અને ધવલ નામના બે યુવકો કારમાં બેસીને મોબાઈલ ફોન પર ક્રિકેટ સટ્ટો રમતાં હોવા અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. એફઆઈઆરમાં ગુનાનો સમય બતાવવામાં આવ્યો છે તે સમયે આઈપીએલની મેચ ચાલુ હતી કે કેમ તે પણ તપાસનો વિષય હોવાની ચર્ચા છે.
પોલીસમાં ચર્ચા છે કે, સાંજે પકડાયેલાં બે યુવકો રાતે 12 વાગ્યા આસપાસ ઝડપાયાં હોવાનું ફરિયાદમાં દર્શાવાયું છે. અહીંથી જ પોલીસની ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહી છે. જો કે, ગંભીર બાબત એ છે કે પોલીસને આઠ મોબાઈલ ફોન મળ્યાં તેમાં કોલ સેન્ટરના હિસાબો હોવાની ચર્ચા પોલીસ તંત્રમાં જ થઈ રહી છે. કોલ સેન્ટરનો કેસ ન થાય તે માટે પોલીસે ધરાઈને પૈસા લીધા હોવાની ચર્ચા વેગવાન છે.
પોલીસ સ્ટેશનમાં 30 લાખમાં પતાવટ થઈ રહી હતી. એવામાં વહીવટદારો વચ્ચે ઝઘડો થતાં અમુક ઉપરી અધિકારી સક્રિય થયા પછી તોડકાંડ 65 લાખ સુધી પહોંચ્યાંની ચર્ચા છે. જો કે, ખરેખર કેટલી રકમ આપવામાં આવી તે અંગે અનેક પોલીસ તંત્રમાં અલગ-અલગ રકમ ચર્ચામાં છે. બીજી તરફ, એવી ચર્ચા વેગવાન બની છે કે આ તોડકાંડમાં ઉપર સુધી પૈસા પહોંચ્યા હોવાની વાત છે.
આ સંજોગોમાં કોઈ ઊંડી તપાસ કે ગંભીર તપાસ થાય તેવી સંભાવના ઓછી જણાઈ રહી છે. આમ છતાં, આ ઘટનાક્રમને ગંભીરતાથી લેવામાં આવ્યો હોવાની ચિત્ર ઉપસે તે માટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના તા. 7થી 8ના 24 કલાકના તેમજ ટીજીબી પાસે ગલીમાં ઘટના બની તે સ્થળના સીસીટીવી મેળવવામાં આવ્યાં છે.
ઝોન-1ની ટીમને વસ્ત્રાપુર પોલીસે જ આ સીસીટીવી મેળવીને સુપરત કર્યાં હતાં. આ સીસીટીવી જોવાશે તે પછી કોઈ કાર્યવાહી કદાચિત થઈ શકે છે. જો પૂર્ણરૂપની તપાસ થાય તો જ ચર્ચાસ્પદ તોડકાંડમાં સત્ય તથ્યો પ્રકાશમાં આવે તેમ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nHq4A8
via IFTTT
إرسال تعليق