
અમદાવાદ, તા. 23 ઓક્ટોબર 2020, શુક્રવાર
અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીને ગણતરીના મહીનાઓ જ બાકી રહી ગયા છે, ભાજપે મોટાભાગની તૈયારીઓ પણ કરવા માંડી છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસની સ્થિતિ વેરવિખેર જેવી છે.
છેલ્લી ઘડીએ વિપક્ષના નેતા દિનેશ શર્માને બદલવાનો નિર્ણય મોવડી મંડળે લઈ લેતાં તેમણે રાજીનામું ધરી દીધું છે. જોકે શહેર કોંગ્રેસે નેતા બદલવાની કે નવા નેતાનું નામ નિયુક્ત કરવાની બાબતે મ્યુનિ. સેક્રેટરી ઓફિસનો હજુ સંપર્ક પણ સાધ્યો નથી. એટલું જ નહીં નવું નામ નક્કી કરવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે.
આ દરમ્યાનમાં સ્થિતિ એવી ઉભી થઈ છે કે દિનેશ શર્માએ હજુ તેમને મળેલી ઇનોવા મોટરકાર અને ડ્રાઇવરનો ઉપયોગ ચાલુ જ રાખ્યો છે, જ્યારે વિધીવત કોઈ જ આદેશ કાર્યકારી વિપક્ષી નેતાનો તૌફીકખાન પઠાણને મળ્યો નથી.
આમ છતાં વિપક્ષના કાર્યાલયનો તેમણે ઉપયોગ શરૂ કરી દીધો છે. આ બન્ને બાબતો કોંગ્રેસના વર્તુળમાં જ ચર્ચાનો અને વિવાદનો વિષય બની છે. બીજી તરફ પ્રવેશની નેતાગીરી પેટાચૂંટણીમાં પડી હોવાથી હાલ કોઈ નિર્ણય લઈ શકે તેમ નથી, તેમજ શહેર કોંગ્રેસના સંગઠનના જ ઠેકાણાં નથી. આમ પણ કોંગ્રેસના તમામ નિર્ણયો મંથરગતિથી જ લેવાતા હોય છે. આ વખતે પણ તેનું પુનરાવર્તન થઈ રહ્યું છે.
બીજી તરફ તૌફીકખાન નેતા બની ગયા હોય તે રીતે આજે તેમના શુભેચ્છકોના ટોળાં પાંચમાં માળે ભેગા થતાં, કોવિડની ગાઈડ લાઈનનો ભંગ થતો હતો. આ કારણોસર પોલીસને પાંચમે માળે દોડી જવું પડયું હતું અને ટોળાંને વિખેરી નાખ્યું હતું.
મ્યુનિ.ના વહિવટની જેવી જ, તેના કરતાં પણ વધુ પોલંપોલ કોંગ્રેસના સંગઠનના વહિવટમાં ચાલી રહી છે. તેનો આ નમૂનો છે. ઉપરાંત લોકસભાની કારમી હાર બાદ પ્રદેશની સાથે શહેરનું સંગઠન વિખેરી નખાયા પછી, વોર્ડ કક્ષાએ કોઈ જ ધ્યાન અપાયું ના હોવાથી સમગ્ર માળખું તૂટી ગયેલી સ્થિતિમાં છે.
નવા નેતાની સમયસર નિમણૂંક નહીં કરાય તો, હાલ થઈ રહેલાં ધોવાણમાં ઉમેરો થવાનો છે. ગયા વખતે પાટીદાર આંદોલનની અસરના કારણે 15 કોર્પોરેટરો વધ્યા હતા, હવે તો આવી કોઈ અસર પણ નથી ત્યારે કોંગ્રેસે વધુ સંગઠિત થવાની જરૂર છે, તેવા સમયે તિવ્ર ખેંચતાણ અને જુથબંધી ચાલી રહેલ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Htgctr
via IFTTT
إرسال تعليق