ગોમતીપુરમાં વિશાળકાય ભૂવો પડયો,પાણીની લાઈન પણ તૂટી


અમદાવાદ, તા. 23 ઓક્ટોબર 2020, શુક્રવાર

શહેરના પુર્વઝોનના ગોમતીપુર વોર્ડમાં મેટ્રો રેલની ચાલી રહેલી કામગીરી દરમિયાન જૈન દેરાસર પાસે શુક્રવારે વિશાળકાય ભૂવો પડતા પાણી અને ડ્રેનેજની લાઈન તુટતા રોડ પર પાણી ફરી વળ્યા હતા.ભૂવાને પુરવા 8 ટ્રક જેટલી પુરણીનો ઉપયોગ કરવો પડયો હતો.મેટ્રોની કામગીરીથી સતત ચાલતા મશીનોના વાયબ્રેશનને કારણે આઠથી દસ દુકાન અને મકાનમાં તિરાડો પડી ગઈ હોવાથી તાત્કાલિક સમારકામ કરવાની માંગણી કરાઈ છે.

ગોમતીપુર વોર્ડમાં મેટ્રો રેલની કામગીરીના કારણે શુક્રવારે સવારના સુમારે મહાવીર ફલેટ,જૈન દેરાસર પાસે વિશાળકાય ભૂવો પડતા આ સ્થળેથી પસાર થતી મ્યુનિ.ની પાણી અને ડ્રેનેજની લાઈન તુટી જતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.ઘટના અંગે સ્થાનિક કોર્પોરેટર ઈકબાલ શેખનો સંપર્ક કરતા તેમણે કહ્યુ,ભૂવો પુરવા માટે  મેટ્રો સત્તાવાળાને આઠથી દસ ટ્રક પુરણી નો ઉપયોગ કરવો પડયો હતો.

તુટેલી પાણી અને ડ્રેનેજની લાઈનના સમારકામની કામગીરી હાથ ધરાઈ હતી.મેટ્રોની કામગીરીના કારણે આઠથી દસ જેટલી દુકાન અને મકાનમાં તિરાડ પડી હોવાથી તાત્કાલિક સમારકામની મેટ્રો સત્તાવાળા સમક્ષ માંગ કરાઈ છે.કામગીરી લાંબી ચાલવાની હોય અને દુકાનો બંધ રાખવી પડે તેવા સંજોગોમાં વળતર આપવાની પણ માંગ કરાઈ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37zsOK3
via IFTTT

Post a Comment

أحدث أقدم