ચૂંટણી પ્રચાર છોડી રૂપાણી-પાટીલ ગાંધીનગર દોડી આવ્યા


અમદાવાદ, તા. 29 ઓક્ટોબર, 2020, ગુરૂવાર

પેટાચૂંટણીના પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓ મતદારોને રિઝવવા ભરપુર મથામણ કરી રહ્યાં છે. આ સંજોગો વચ્ચે આજે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું નિધન થયુ હતુ જેના કારણે પેટાચૂંટણીનો પ્રચાર છોડી મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ગાંધીનગર દોડી આવ્યા હતાં. રૂપાણી અને પાટીલે કેશુભાઇના નિવાસસ્થાને જઇને શ્રધ્ધાજંલિ અર્પી હતી અને કુટુંબીજનોને આશ્વાસન આપ્યુ હતું. 

કેશુભાઇ પટેલના નિધન થયાના સમાચાર જાણી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ  સી.આર.પાટીલે ચૂંટણી પ્રવાસ ટૂંકાવ્યો હતો. આ તરફ,આ દુખદ ઘટનાને પગલે ભાજપે પેટાચૂંટણીનો પ્રચાર જ મોકુફ રાખ્યો હતો. આઠેય બેઠકો પર જાહેરસભા રદ કરવામાં આવી હતી. મંત્રીઓથી માંડીને ભાજપના બધાય પ્રદેશ નેતાઓ ચૂટણી પ્રચાર છોડી કેશુભાઇને શ્રધ્ધાજંલિ આપવા ગાંધીનગર પહોંચ્યા હતાં. 

આ તરફ, સચિવાલયમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક બોલાવાઇ હતી જેમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને ભાવભરી શ્રધ્ધાજંલિ આપતો શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં. કેબિનેટની બેઠકમાં મંત્રીમંડળે બે મિનિટનુ મૌન પાળી સ્વર્ગસ્થને ભાવાજંલિ અર્પણ કરી હતી અને ઉંડા દુખની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.  રાજય સરકારે એક દિવસના શોક પણ જાહેર કર્યો હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e9Qlmn
via IFTTT

Post a Comment

أحدث أقدم