
અમદાવાદ, તા. 29 ઓક્ટોબર, 2020, ગુરૂવાર
92 વર્ષે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું ગઇકાલે અવસાન થયું છે. કેશુભાઈ પટેલના રાજકીય મિત્ર અને હાલમાં અમદાવાદમાં રહેતા અને કેશુબાપાથી પ્રભાવિત થઇને જાહેર જીવનમાં પ્રવેશ કરીને પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી તરીકે સેવા આપનાર તેમના 90 વર્ષીય મિત્ર ડૉ.એ.કે.પટેલે (અમૃતભાઈ કાલિદાસ) કેશુભાઇ પટેલ સાથેના પોતાના સંસ્મરણો વર્ણવ્યા હતા.
તેઓએ કહ્યું, કે 1968-69માં મહેસાણામાં એક ખેડૂત સભા કરવામાં આવી હતી અને આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા. સભાના સૃથળની બાજુમાં મારૂં ઘર હોવાથી સભાના અંતે કેશુબાપા માટે જમવાનું મારા ઘરે રાખવામાં આવ્યું હતું.
સભા પૂરી કરી કેશુબાપા મારા ઘરે જમવા આવ્યા અને તેમને મને કહ્યું હતું કે, અમૃતભાઇ તમે સારો અભ્યાસ કરેલો છે તો તમારે જાહેર જીવનમાં આવીને રાજ્યના લોકોના સેવાકાર્યમાં પોતાનો સમય આપવો જોઇએ. કેશુબાપાની આ વાત મારા હૃદયને ઘણી જ સ્પર્શી ગઇ હતી અને હું પણ કેશુબાપાની આંગળી પકડીને જાહેર જીવનમાં આવીને લોકસેવાના કાર્યમાં જોડાયો હતો.
1975માં જનસંઘના કોટામાં સીટ ઓછી હોવાથી હું અપક્ષ તરીકે ચૂંટણી લડયો હતો અને 17 હજાર વધુ મતથી જીત મેળવી હતી. ચૂંટણીમાં મળેલી જીતથી કેશુબાપાના ચહેરા પર ઘણી જ ખુશી થઇ હતી તે દિવસને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.
કેશુભાઈ મારા રાજકીય ગુરૂ હતા અને અમે કટોકટીના સમયે જેલમાં પણ સાથે રહ્યા હતા જે આજે મારા માટે એક યાદગાર પ્રસંગ બની ગયો છે. કેશુબાપાનું ભણતર ઓછું હતું પણ રાજકીય ગણતર ખૂબ વધારે હતું. વિજાપુરમાં ધરોઇ યોજના આપીને તેમને છેવાડાના લોકોને પાણીની સુવિધા આપી હતી.
વર્ષ 1975-80 અને 1980-84માં મહેસાણા સીટ પર ભાજપમાંથી લોકસભા લડયો હતો જેમાં સમગ્ર દેશમાં ભાજપે બે સીટ મેળવી હતી જેમાં હું વિજેતા થયો હતો. ગયા વર્ષે કેશુબાપા જ્યારે મારા ઘરે વિજાપુર આવ્યા ત્યારે તેઓ એકદમ સ્વસૃથ હતાં. કેશુભાઈએ ત્રણ દિવસ અમારા વિસ્તારના ખેડૂતોને મળીને ચર્ચા કરી હતી. મારા ઘરે રોકાયા ત્યારે મે તેમની સાથે તેમના રાજકીય સફરની વિસ્તૃત ચર્ચા કરી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TB8jEH
via IFTTT
Post a Comment