
અમદાવાદ, તા. 18 ઓક્ટોબર, 2020, રવિવાર
ચાર્ટડ એકાઉન્ટન્ટસ, કંપની સેક્રેટરી કે કોસ્ટ એકાઉન્ટિગ સહિતના મહત્વના ગણાતા પ્રોફેશનલ કોર્સમાં ઓનલાઈન પરીક્ષા ક્યારેય લેવાઈ નથી.હંમેશા દર વર્ષે વર્ષમાં બે વાર દેશભરમાં લેખિત પરીક્ષા લેવાય છે ત્યારે કોરોનાને લીધે પ્રથમવાર ત્રણય કોર્સમાંથી કોસ્ટ એકાઉન્ટિંગની પરીક્ષાઓ સંપૂર્ણ ઓનલાઈન લેવાનાર છે.
ઈન્સ્ટિટયુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાએ આજે નોટિફિકેશન કરીને સ્પષ્ટતા કરી છે કે ડિસેમ્બરમાં લેવાનારી ઈન્ટરમીડિએટ અને ફાઈનલની પરીક્ષા ઓફલાઈન મોડમાં નહી લેવાય,માત્ર ઓનલાઈન જ લેવાશે.
ઈન્સ્ટિટયુટ દ્વારા દર વર્ષે જુન અને ડિસેમ્બરમાં ફાઉન્ડેશન, ઈન્ટરમીડિએટ અને ફાઈનલની લેખિત પરીક્ષા લેવાય છે. કોરોનાને લીધે અગાઉ સપ્ટેમ્બરમાં ફાઉન્ડેશનની પરીક્ષા ઓનલાઈન લેવાઈ ચુકી છે.ફાઉન્ડેશન પરીક્ષા ઓનલાઈન લેવાયા બાદ ઈન્ટરમીડિએટ અને ફાઈનલ પરીક્ષાઓ કે જે મહત્વની પરીક્ષાઓ હોય છે તે ઓફલાઈન લેવી કે ઓનલાઈન તેને લઈને મુંઝવણો સાથે ચર્ચા ચાલી રહી હતી.
કોરોનાને લીધે દેશભરના સ્કૂલો-કોલેજોના સેન્ટરોમાં પરીક્ષાઓ ઓફલાઈન લેવી મુશ્કેલ હોઈ ઈન્સ્ટિટયુટ દ્વારા હવે ફાઈનલ કરી દેવાયુ છે કે પરીક્ષાઓ ઓનલાઈન જ લેવાશે. કોરોનાને લીધે ગત જુનની પરીક્ષાઓ પણ લેવાઈ શકી ન હતી અને જુનની પરીક્ષાઓ ડિસેમ્બર સાથે મર્જ કરી દેવાઈ છે ત્યારે 10મી ડિસેમ્બરથી ઈન્ટર અને ફાઈનલની બંને અટેમ્પ્ટની મર્જ કરાયેલી પરીક્ષાઓ શરૂ થશે.
કોરોનાને ધ્યાનમાં રાખતા ઈન્સ્ટિટયુટ દ્વારા વિદ્યાર્થીઓને સેન્ટર પર જઈને પરીક્ષા આપવી છે કે ઘરબેઠા પરીક્ષા આપવી છે તે સહિતના બે વિકલ્પ પણ આપવામા આવશે. પરીક્ષાઓને લઈને વિગતવાર ગાઈડલાઈન હવે પછી જાહેર કરવામા આવશે અને ઈન્સ્ટિટયુટ દ્વારા ડિસેમ્બરની મર્જ પરીક્ષાઓ માટેનું ટાઈમ ટેબલ પણ અગાઉ જાહેર કરી દેવાયુ છે.
અમદાવાદ ચેપ્ટરમાંથી ઈન્ટરમાં 300થી વધુ અને ફાઈનલમાં 150 જેટલા વિદ્યાર્થી પરીક્ષા આપશે. જુન-ડિસેમ્બરની ભેગી પરીક્ષાઓ હોવાથી દેશભરમાં વિદ્યાર્થીઓ વધશે.મહત્વનું છે કે કોરોનાને લઈને સીએ,સીએસ અને કોસ્ટ એકાઉન્ટિંગ મેનેજમેન્ટની પરીક્ષાઓ અનેકવાર રીશીડયુલ કરવી પડી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HeeMT5
via IFTTT
Post a Comment