
અમદાવાદ, તા. 19 ઓક્ટોબર, 2020, સોમવાર
જીવરાજ બ્રિજ પાસેં આવેલી હોટેલ કેમ્બેમાં રોકાયેલા શખ્સ પાસે દારૂ હોવાની માહિતીને આધારે પોલીસે દરોડો પાડતા તેની પાસેથી દારૂની બોટલ મળી આવી હતી. પુછપરછમાં તેણે હોટેલના મેનેજરે જ દારૂ આપ્યો હોવાનું જણાવ્યું હતું. જ્યારે મેનેજરે બહારથી એક શખ્સ તેને બોટલ આપી ગયો હોવાનું કહ્યું હતું. જેને આધારે વેજલપુર પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
વેજલપુર પોલીસ 18 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને માહિતી મળી હતી કે જીવરાજ બ્રિજની બાજુમાં આવેલી કેમ્બે હોટેલના રૂમ નંબર-204માં રોકાયેલા શખ્સ પાસે વિદેશી દારૂ છે.
જેને આધારે પોલીસે હોટેલમાં જઈને મેનેજર આશિષ એસ.મિશ્રાને આ અંગે જાણ કરી રૂમ નંબર 204માં તપાસ કરી હતી. જેમાં રોકાયેલા શખ્સ પાસેથી દારૂની બોટલ મળી આવી હતી. પુછપરછમાં આરોપીએ તેનું નામ અતુલ વી.મિત્તલ(35) અને તે રાજસ્થાનના જયપુરનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું.
પોલીસે દારૂ ક્યાંથી લાવ્યો એમ પુછતા અતુલ મિત્તલે દારૂ હોટેલના મેનેજર આશિષ મિશ્રાએ આપ્યો હોવાનું જણાવ્યું હતું. તાત્કાલિક પોલીસે મેનેજર મિશ્રાને બોલાવીને પુછપરછ કરતા તેણે દારૂની આ બોટલ 17 ઓક્ટોબર 2020ના રોજ રવીનગર ગામ વિભાગ-1માં રહેતો દિપક ઉર્ફે ગેરી નામનો શખ્સ હોટેલ કેમ્બે બહાર દારૂ આપી ગયો હોવાનું જણાવ્યું હતું.
જોકે ત્રણેય પૈકી કોઈની પાસે દારૂની પાસ પરમીટ ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે અહીંથી દારૂની બોટલ, અતુલ મિત્તલના બે મોબાઈલ મળીને રૂ.10,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે વેજલપુર પોલીસે અતુલ મિત્તલ, મેનેજર આશિષ મિશ્રાની અટક કરીને ફરાર દિપક ઉર્ફે ગેરી વિરૂધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IM9ZsV
via IFTTT
Post a Comment