કલ્પેશ પટેલને રૂા.5 કરોડની ઉઘરાણી માટે દુબઈથી ધમકી


(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા. 17 ઓક્ટોબર, 2020, શનિવાર

હાલોલ ખાતેની કેમરોક ઇન્ડસ્ટ્રિઝના પૂર્વ એમ.ડી.ને ઉઘરાણી માટે દુબઈથી ધમકી મળ્યા બાદ વડોદરા તેમના ઘેર આવેલા ઇન્દોરના ત્રણ જણાને પોલીસે ઝડપી પાડયા છે.

રેસકોર્સ સર્કલ નજીક એટલાન્ટિસ એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને હાલમાં નિવૃત્ત જીવન ગાળતા કલ્પેશ મહેન્દ્રભાઈ પટેલે પોલીસને જણાવ્યું છે કે ગઇ તા.5 સપ્ટેમ્બરે ઇન્દોરથી ફકરૂદ્દીન ઝોરાવાલાનો મારા પર ફોન આવ્યો હતો અને મળવા માટે વાત કરતાં મેં ના પાડી હતી.ત્યારબાદ તેમનો અવારનવાર ફોન આવતાં મેં તેમનો ફોન બ્લોક કર્યો હતો.

ત્રણ દિવસ પહેલા તા.14 મી ઓક્ટોબરે હું આણંદ ખાતે મારા સબંધીની ઓફિસમાં ગયો ત્યારે ત્રણ જણા મારી પાછળ ઓફિસમાં આવ્યા હતા અને દુબઇવાળા જોહરભાઈ અબ્બાસી વતી રૂા.પાંચ કરોડની ઉઘરાણી કરી હતી. તેમણે એક દિવસમાં રૂા.5 કરોડની મિલકત જોહરભાઈ ના નામે કરી દેવાની ધમકી આપી કાલે પાછા આવીશું તેમ કહ્યું હતું. કલ્પેશે કહ્યું છે કે,મારા એક મિત્રને પણ દુબઇથી ફોન આવ્યો હતો અને મારી સાથે મીટિંગ નક્કી કરવા માટે તેને કહેવાયું હતું.

બીજા દિવસે તા.15 મી ઓક્ટોબરે હું તેમજ મારા પત્ની વકીલને મળવા ગયા તે દરમિયાન ત્રણ શખ્સો મારે ત્યાં આવ્યા હતા અને દુબઈ નો ફોન ઉપાડવાનું કહી વોચમેનને ધમકી આપી હતી.

ગઇકાલે સવારે ફરીથી ત્રણે જણાએ મારા ઘરે આવીને ગાળો ભાંડીને ધાકધમકી આપતાં પોલીસને જાણ કરી હતી.પોલીસે (1) ફકરૂદ્દીન અક્બરઅલી વોરા (2) કુતબુદ્દીન હુસેનઅલી વોરા અને (3)ે મુસ્તુફા ફકરૂદ્દીન વોરા (ત્રણેય રહે.અંબાર નગર, ધાર રોડ,ઇન્દોર,મધ્યપ્રદેશ)ની અટકાયત કરી બળબજરી પૂર્વક નાણાં વસૂલાત કરવા બદલ ગુનો નોંધ્યો છે.

દુબઇનો જોહર કલ્પેશને ફાઇનાન્સ અપાવવાનું કામ કરતો હતો

(પ્રતિનિધિદ્વારા)    વડોદરા,શનિવાર

કલ્પેશ પટેલની કેમરોક ઇન્ડસ્ટ્રિઝની ઓફિસ દુબઇમાં હતી ત્યારે જોહર અબ્બાસી નામનો એક પરિચિત તેમને ફાઇનાન્સ અપાવવાનું કામ કરતો હતો.આ જોહર સાથે લેવડદેવડ બાબતે વિવાદ ચાલતો હોવાની વિગતો  બહાર આવી છે.પોલીસ જોહરને બોલાવવા માટે લુકઆઉટ નોટિસ માટે પણ કાર્યવાહી કરનાર છે.

ખાનગી ફાઇનાન્સ કંપની સાથે પણ કલ્પેશે ઠગાઇ કરી હતી

(પ્રતિનિધિદ્વારા)   વડોદરા,શનિવાર

કેમરોક કંપનીના પૂર્વ એમ.ડી.કલ્પેશ પટેલે તા.12-7-2012માં સયાજીગંજની ટ્રસ્ટ ફીન સ્ટોક પ્રા.લિ.માંથી કેમરોકના શેર મુકી રૂા.8.50 કરોડની લોન લીધી હતી.પરંતુ તેણે રૂા.4.94 કરોડ નહીં ભરતાં કંપનીએ પોલીસ ફરિયાદ કરી હતી અને તે ગુનામાં પણ એક વર્ષ અગાઉ કલ્પેશની ધરપકડ કરાઇ હતી.

વડોદરાના વિજય માલ્યા કહેવાતા

કલ્પેશ પટેલે અલ્હાબાદ બેન્કને રૂા.443 કરોડનો ચૂનો ચોપડયો હતો

કેમરોક કંપની માટેની લોનમાંથી રૂા.300 કરોડની જમીન ખરીદી, બેન્કના હપ્તા નહીં ભરતાં ધરપકડ થઇ હતી

(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,શનિવાર

વડોદરાના વિજય માલ્યા તરીકે ઓળખાતા કેમરોક ઇન્ડસ્ટ્રિઝના પૂર્વ એમ.ડી.કલ્પેશ પટેલની અલ્હાબાદ બેન્કમાંથી લોન લઇ ફુલેકું ફેરવવા બદલ ક્રાઇમ  બ્રાન્ચે એક વર્ષ પહેલાં ધરપકડ કરી હતી.

કલ્પેશ પટેલે કેમરોક ઇન્ડસ્ટ્રિઝ માટે અલ્હાબાદ બેન્કની રાજમહેલ રોડ  બ્રાન્ચમાંથી રૂા.444.12 કરોડની લોન લીધી હતી.પરંતુ આ લોન પેકીની રૂા.300 કરોડની રકમનો  ઉપયોગ તેણે જંબુસરના સ્ટર્લિંગ સેઝમાં જમીન ખરીદવા માટે કર્યો હતો. વળી કલ્પેશે બેન્કના હપ્તા પણ નહીં ભરતાં બેન્ક મેનેજરે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી.જેના આધારે પોલીસે કલ્પેશની ઓગષ્ટ-2019માં ધરપકડ કરી જેલમાં મોકલ્યો હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IJNIfr
via IFTTT

Post a Comment

أحدث أقدم