વટવા-નારોલમાં 363 ગેરકાયદે વીજ જોડાણો મળ્યા : 7 સૂત્રધાર પકડાયા


અમદાવાદ, તા. 8 ઓક્ટોબર, 2020, ગુરૂવાર

અમદાવાદના વટવા અને નારોલ વિસ્તારમાં લોકો ગેરકાયદે વીજ જોડાણ લઈ વીજળીનો ઉપયોગ કરતા હોવાની માહિતી સેક્ટર-2 પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે તપાસ કરતા કુલ 363 જેટલા ગેરકાયદે વીજજોડાણ મળી આવ્યા હતા. પોલીસે પૈસા લઈને ગેરકાયદે વીજ જોડાણ આપતા સાત મુખ્ય સુત્રધારોને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે માહિતીને આધારે વટવામાં ઈમદાદનગર વિસ્તારમાં મદદનીનગર સૈયદવાડી ખાતે દરોડો પાડી તપાસ કરતા સાબીરહુસેન એ.ખત્રી, ઈમ્તીયાઝ એ.શેખ, ઈસ્તીયાક બી.મોમીન અને શેખ મોહંમદવાહીદ ઝહીરૂલે ટોરન્ટ કંપનીના વીજ જોડાણમાંથી અનધિકૃત રીતે વીજ જોડાણ કરી આપ્યા હોવાનું બહાર આવ્યું હતું.

તે સિવાય વટવામાં સદભાવનાનગર ચાર માળિયા આવેલા વિવિધ બ્લોકમાં સાત શખ્સોએ અહીંના રહીશોને ગેરકાયદે વીજ જોડાણ આપયા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં પોલીસે નાસીર ડી.કુરેશી, સાબીરહુસેન એ.ખત્રી,સિકંદર એસ શેખ,રફીક શેશા, ઈસ્તીયાક બી.મોમીન, સમીરખાન એ.પઠાણ અને સાહિલ એસ.શેખે લોકોને ગેરકાયદે વીજ જોડાણ આપ્યા હોવાનું બહાર આવ્યું હતું.

તે સિવાય નારોલમાં હમઝાનગર, બાગે કૌશર અને ખ્વાજાનગર વિસ્તારમાં પોલીસે દરોડો પાડીને મોહંમદ સાદીક, ઈકબાલ એસ.બાબાએ લોકોને ગેરકાયદે વીજ જોડાણ આપ્યા હોવાનું બહાર આવ્યું હતું. અમે કુલ પાંચ ફરિયાદ નોંધીને કુલ સાત મુખ્ય સુત્રધારોની અટક કરી છે, એમ સેકટર-2ના એડી.સીપી.ગૌતમ પરમારે જણાવ્યું હતું.

આરોપીઓએ ગેરકાયદે રીતે વીજ જોડાણ કરી હલકા પ્રકારના વાયરોથી કાચા મકાનો, છાપરા અને દુકાનોમાં કનેક્શન આપ્યા હતા. આ ગેરકાયદે વીજ જોડાણને કારણે ટોરન્ટ કંપનીને લાખો રૂપિયાનું નુકશાન થયું હતું.આ ઓપરેશન પાર પાડવા માટે 150 પોલીસ કર્મચારીઓ, એક એસઆરપીની ટુકડી, 2 પીઆઇ અને એક એસીપી તથા ટોરન્ટ પાવરના અધિકારીઓએ ઘટનાસ્થળે જઇને કામગીરી બજાવી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34BYDPr
via IFTTT

Post a Comment

Previous Post Next Post