નીતિન પટેલ બોલ્યાં ગુજરાતમાં ચારેકોર દબાણ


ચોમાસામાં રસ્તા તૂટયાં તે માટે કોન્ટ્રાકટરો નહીં, માલવાહક ટ્રકો જવાબદાર છે

અમદાવાદ, તા. 21 સપ્ટેમ્બર, 2020, સોમવાર

કોરોનાના સંક્રમણ વચ્ચે વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે ગૃહમાં ટૂંકી મુદતના પ્રશ્નો વખતે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે તડાપીટ જામી હતી. ચોમાસામાં રસ્તાઓની બિસ્માર હાલતને લઇને વિપક્ષે સરકારને ઘેરવાની કોશિષ કરી હતી. તે વખતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાણે વિપક્ષને રાજકીય ભાથુ પુરૂ પાડયુ હતું .

રસ્તાઓની ગુણવત્તા સામે વિપક્ષના સવાલના જવાબમાં નીતિન પટેલે સરકારને જ કઠેડામાં ઉભી કરી દીધી હતી. તેમણે કબૂલ્યું કે, ગુજરાતમાં આજે શહેરોમાં જ નહીં, ગામડાઓમાં ચારેકોર દબાણ છે.ફુટપાથથી માંડીને હાઇવેપર દબાણો થયાં છે. એટલી હદે  દબાણો થયાં છે કે,પાણીને જ જવાની જગ્યા નથી. તે વખતે કોંગ્રેસને જાણે ભાવતુને ડોકટરે કીધું.

વિપક્ષમાંથી સુર ઉઠયો,નીતિનકાકા,તમારી વાત સાચી છે. ત્યારે નીતિન પટેલે આખીય વાતને ફેરવી તોળતા કહ્યું કે,આ આજનું નથી.કોંગ્રેસના વખતથી ચાલતુ આવ્યુ છે. આમ, નીતિન પટેલે જ સરકારને ઘેરવાના મુદ્દાઓ જાણે વિપક્ષને ધર્યા હતાં. 

પક્ષપલટુના નામ જાહેર થતાં ગૃહમાં બુમ પડી, આ તો વેચાયલો માલ છે

 રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા  ધરી દીધા હતાં. સત્રના પ્રથમ દિવસે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિેવેદીએ આ આઠેય ધારાસભ્યોએ રાજીનામા ધર્યાની વાત ગૃહમાં રજૂ કરી હતી. તે વખતે વિપક્ષમાંથી અવાજ આવ્યો કે, આ તો વેચાયેલો માલ છે.  ઉલ્લેખનીય છેકે, આ બધાય ધારાસભ્યો હવે ભાજપના નિશાન પર પેટાચૂંટણી લડવા ઉત્સુક બન્યાં છે. 

ભારે વરસાદ વરસ્યો એટલે માલવાહક ટ્રકોને લીધે રસ્તા તૂટયાં 

ચોમાસામાં આખાય ગુજરાતમાં મોટાભાગ રસ્તા વરસાદી પાણી ધોવાઇ ગયા હતાં.આ મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો હતો. વિપક્ષે રસ્તાની ગુણવત્તાને લઇને સવાલો ઉઠાવ્યાં ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો જવાબ ગળે ઉતરે તેવો ન હતો. કોન્ટ્રાક્ટરોનો બચાવ કરતાં હોય તે રીતે તેમણે એવો લૂલો બચાવ કર્યો કે, આ વર્ષે ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે 50 ટનના માલવાહક ટ્રકને કારણે રસ્તા તૂટયાં છે.

અનલોક પછી ગુજરાતમાં અન્ય રાજ્યમાંથી આવતી ટ્કોની અવરજવર વધી છે. નીતિન પટેલે તો ત્યાં સુધી કહી દીધું કે,ડામર તૈયાર છે,પ્લાન્ટ તૈયાર છે,રોલર તૈયાર છે પણ મજૂરો નથી.તેમ કહીને હજુ ગુજરાતમાં મજૂરો તેમના વતનથી પરત ફર્યા નથી તેવો આડકતરો ઇશારો ખુદ નાયબ મુખ્યમંત્રીએ જ કરી દીધો હતો. 

ગાયોના નામે મતો તો લઇ લીધાં, હવે ગાયોને સાચવો તો ખરાં

બનાસકાંઠામાં ડીસા,ભાભર અને દીયોદરની ગૌશાળામાં પશુઓના નિભાવ માટે ગ્રાન્ટ ન મળતાં ગૌશાળા સંચાલકોએ ગાયોને રસ્તા પર છોડી સરકાર સામે આંદોલન છેડયુ હતુ. આ મુદ્દો પણ વિધાનસભામાં છવાયો હતો. રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઇ સરકાર પર નિશાન સાધી એવો કટાક્ષ કર્યો હતો કે, ગાય માતાના નામે ખોબલે ખોબલે મતો તો મેળવી લીધા પણ હવે આ ગાયોને સાચવો તો ખરાં. 

જીવદયા પ્રેમી સરકાર ગૌશાળાઓને સહાય આપે તો ખરૂ. ગાયોના મુદ્દે આરોપપ્રત્યારોપમો દોર ચાલી રહ્યો હતો ત્યારે કોંગ્રેસના ધારાસભ્યને ટકોર કરતાં અધ્યક્ષે કહ્યું કે. તમારે કયાં ગાય છે તો,વચ્ચે બોલો  છો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવો આક્ષેપ કર્યો કે,વર્ષો પહેલાં કોંગ્રેસની સરકારમાં તો ગાયોના ચારાના પૈસા ય ખવાઇ ગયા હતાં. નવા ધારાસભ્યોને ખબર ન હોય તો, વિધાનસભાની લાઇબ્રેરીમાં જઇને પુસ્તકો-અખબારો વાંચી આવે .

પોલીસના દંડ સામે કોંગ્રેસના ધારાસભ્યોએ પોસ્ટર પહેરી વિરોધ કર્યો 

કોરોનાની મહામારીમાં લોકડાઉન બાદ ધંધા રોજગાર ભાંગી પડયાં છે ત્યારે પોલીસ આડેધડ રીતે માસ્કથી માંડીને હેલમેટના મુદ્દે લોકોને દંડીને લાખો રૂપિયા દંડ ઉઘરાવી રહી છે જેના કારણે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ-ઇમરાન ખેડાવાલાએ  કોરોનામાં નિષ્ફળ સરકાર,પ્રજાને મારે દંડનો માર,પ્રજા છે બેરોજગાર,પોલીસ માટે દંડનો માર. તેવા સૂત્રો સાથેના પોસ્ટર લઇને વિધાનસભા સંકુલમાં આવ્યા હતાં. બંને ધારાસભ્યોએ પોલીસના આડેધડ દંડ સામે વિરોધ નોંધાવ્યો હતો. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mGVw0L
via IFTTT

Post a Comment

أحدث أقدم