
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 19 સપ્ટેમ્બર, 2020, શનિવાર
નારોલ ટેક્સટાઈલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એન્વીરો મેનેજમેન્ટના તાબા હેઠળના કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ-સીઈટીપીમાં અત્યંત ઘાતકી કોન્સન્ટ્રેશનવાળા એસિડના ટેન્કરો ટેન્કરદીઠ રૂા. 25,000થી માંડીને રૂા. 2 લાખ સુધી વસૂલીને ડાયરેક્ટ ઠાલવીને યોગ્ય ટ્રીટમેન્ટ વિના જ તેને છોડી દેવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે.
નારોલ ટેક્સટાઈલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એન્વિરો મેનેજમેન્ટના ટોચના હોદ્દેદારોની મિલીભગતમાં લલિત ચામડિયા અને ઘનશ્યામ ત્રિવેદીએ આ કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવી રહ્યું છે.
સૌથી નવાઈની વાત તો એ છે કે આ સંસ્થામાં આ મદ્દે ઊહાપોહ મચી જતાં પ્રમુખ નીતિન ઠક્કર રાજીનામું આપી દીધું હતું, પરંતુ રાજીનામું આપી દીધાના ચારથી છ માસ બાદ ફરી પોતે હોદ્દા પર હોય તે રીતે સંસ્થાની મિટિંગ પણ બોલાવવા માંડી હતી. પરિણામે તેમની સામે પણ આ કૌભાંડમાં શંકાની સોય તકાઈ રહી છે.
તેમના આ કરતૂતોને પરિણામે પ્લાન્ટની પાઈપલાઈનો ખવાઈ ગઈ છે. તેની લાઈફ ઘટી ગઈ છે. આ મુદ્દે મોનિટરિંગ એજન્સી જીપીસીબીએ તપાસ કરી સત્ય શોધી કાઢવું જોઈએ તેવી માગણી કરવામાં આવી રહી છે.
નારોલમાં જ પ્રોસેસિંગ હાઉસ ધરાવતા કૈલાસ ગુપ્તાએ નારોલ પોલીસ સ્ટેશનમાં કરેલી પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે નારોલ ટેક્સટાઈલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એન્વીરો મેનેજમેન્ટના સભ્ય પાસેથી તેમણે જમીન અને પ્રોસેસ હાઉસ માટેનું મશીનરી વિનાનું યુનિટ ખરીદ્યું હતું. તેમાં પૈસાનો વિવાદ થતાં તેમણે તેમની વેસ્ટ વૉટરની લાઈન બંધ કરાવી દઈને તેમના ધંધો અટકાવી દીધો છે.
તેમ જ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પરવાનગી રિન્ય ન કરવાની પણ ચીમકી આપી રહ્યા છે. રોજના આ સીઈટીપીમાં અંદાજે 25થી 40 એસિડ ટેન્કર ઠલવાઈ રહ્યા હોવાના આક્ષેપો સીઈટીપીના મૅનેજમેન્ટ કરતાં બોર્ડ પર કરવામાં આવી રહ્યા છે. બોર્ડના જે ડિરેક્ટર તેમની સાથે સહમતીનો સુર ન પુરાવે તો તેમની સાથે પણ આડોડાઈ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
નારોલના પોલીસ ઇન્સ્પેક્ટર પણ ફરિયાદ કરનારની ફરિયાદને આધારે પગલાં ન લેતા હોવાની લાગણી તીવ્ર બની રહી છે. સૌથી આઘાત પ્રમાણે તેવી બાબત તો એ છે કે 1000થી 1200ના સીઓડીથી વધુવાળા પાણી છોડાતા હોવા છતાંય 130 સીઓડીનો લેબ રિપોર્ટ જીપીસીબી પાસેથી મેળવવામાં નારોલ ટેક્સટાઈલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એન્વીરો મેનેજમેન્ટના હોદ્દેદારો સફળ થયા હતા.
આ રિપોર્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પણ રજૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ સહુની મિલીભગતથી આ કૌભાંડ ચાલી રહ્યું હોવાનું જણાય છે. આ કૌભાંડને કારણે જ નોકરિયાત તરીકે શરૂઆત કરનારાઓ પ્રોસેસ હાઉસના માલિકો બની ગયા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35Mj5PQ
via IFTTT
Post a Comment