
અમદાવાદ, તા. 19 સપ્ટેમ્બર, 2020, શનિવાર
ગુજરાતમાં સ્પેનિશ ફલુ અને કોરોના એમ બે મહામારીના સાક્ષી રહેલા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામના પ્રભુભા ખંડોરિયાનું શુક્રવારે સાંજે 108 વર્ષે અવસાન થયું હતું. જેમ અત્યારે કોરોના મહામારી ચાલે છે તેમ 1918માં સ્પેનિશ ફૂલની મહામારીએ વિશ્વમાં 5 કરોડથી વધુનો ભોગ લીધો હતો. ભારતમાં સૌથી વધુ 1.70 કરોડ લોકોના મોત થયા હતા.
વયોવૃધ્ધ પ્રભુદાદા શારીરિક અને માનસિક રીતે એટલા સ્વસ્થ હતા કે તે કયારેય દવાખાનાનું પગથિયું પણ ચડયા ન હતા. મીઠાના અગરમાં મહેનત અને ખેતીકામ કરવાથી તેમનું શરીર કસાયેલું હતું. પોતાના સમયના 4 ધોરણ સુધી અભ્યાસ કર્યો હોવાથી દસ્તાવેજી લેખન અને વાંચનનો પણ શોખ હતો.
થોડાક દિવસો પહેલા સ્પેનિશ ફલૂ અને કોરોના એમ બંને મહામારીઓના સાક્ષી પ્રભુદાદાએ ગુજરાત સમાચાર સાથે વાતચીત કરતા કહયું હતું કે કોરોના જેમ ચીનમાંથી આવ્યો છે એમ 102 વર્ષ પહેલા કાળિયો તાવ (સ્પેનિશ ફલૂ) પણ પરદેશથી આવ્યો ત્યારે પોતે 6 વર્ષના હતા.
સદનસીબે તેઓ અને તેમનો પરીવાર સ્પેનિશ ફલૂથી બચી ગયા હતા પરંતુ તેમને યાદ હતું કે સ્પેનિશ ફલુ બીમારીમાં અચાનક તાવ આવતો અને લોહીની ઉલટીઓ શરૂ થતી હતી. નિશાળો બંધ થતા નાના છોકરાઓને ઘરમાં રાખીને માતા પિતા ખેતરે જતા હતા.
એ સમયે ગોરા અંગ્રેજોની ગામમાં હાક વાગતી હતી. કોઇને ત્યાં માણસો આવે તો અંગ્રેજ સિપાઇઓ પાસે નામ લખાવવું પડતું હતું. આજના કોરોનાની જેમ જ ફલૂનો પણ કોઇ ઇલાજ ન હોવાથી લોકોમાં ભય ફેલાયો હતો. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં એલોપેથી ડોકટરોની સારવાર મળતી ન હતી ત્યારે ખારાઘોડા ગામમાં અંગ્રેજોએ મોટી હોસ્પીટલ બનાવી હતી.
મદ્રાસથી આવેલા ડોકટરો અને નર્સ રાત દિવસ 20 વોર્ડમાં દર્દીઓની સારવાર કરતા હતા. સારવાર કરનારા ડોકટરોને ચેપ ના લાગે માટે અલગ રૂમમાં રાખવામાં આવતા હતા. દર્દીઓના સગા સંબંધીઓને સમયે પણ હોસ્પીટલમાં મળવા દેવાતા ન હતા. દર્દીનું સારવારમાં મોત થાય એટલે રૂદનથી ગામનું વાતાવરણ કરૂણ થઇ જતું હતું.
કોરોનાનો ચેપ ના ફેલાય એટલે માણસોને ભેગા થવા દેવામાં આવતા નથી પરંતુ એ સમયે ખેતી અને મીઠાની મજૂરીના કામો જ એવા હતા કે ભેગા મળીને કરવા પડતા એટલે જ રોગ વધારે વધારે ફેલાયો હતો. આજુબાજુના ધ્રાંગધા અને દસાડા વિસ્તાર સુધીના ગામડાઓમાં ઘરેઘરે ખાટલા હતા. એમ્બુલન્સની સગવડ ન હતી એટલે ગાડામાં બેસાડીને દર્દીઓને દવાખાને પહોંચાડવામાં આવતા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FMMLBn
via IFTTT
Post a Comment