કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવતા દર્દી એમ્બ્યુલન્સ જોઈને ફરાર


અમદાવાદ, તા. 20 સપ્ટેમ્બર, 2020, રવિવાર

ગુજરાત સરકારના હેલ્થ વિભાગ દ્વારા સેટેલાઈટના શિવરંજની ચાર રસ્તા પાસે રેઈન બસેરામાં રહેતા લોકોના કોરોના ટેસ્ટ કર્યા હતા. જેમાં એક વ્યક્તિનો ટેસ્ટ પોઝીટીવ આવતા તેના માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જોકે એમ્બ્યુલન્સ બોલાવતા દર્દી ભાગી જતા સેટેલાઈટ પોલીસ તેને શોધવા દોડતી થઈ છે.

સેટેલાઈટના શિવરંજની ચાર રસ્તા પાસે 19 સપ્ટેમ્બરના રોજ રેન બસેરામાં રહેતા લોકોનો ગુજરાત સરકારના હેલ્થ વિભાગ દ્વારા કોરોના ટેસ્ટ હોથ ધરાયો હતો. જેમાં કુલ 25 જણાનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા શીવારામ મારવાડી નામની વ્યક્તિનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો.

આથી મેડિકલની ટીમે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી હતી. તેમણે શીવારામને કપડા તથા અન્ય જરૂરી સામાન લઈને એમ્બ્યુલન્સમાં બેસવા કહ્યું હતું. જોકે એમ્બ્યુલન્સ જોઈને શીવારામ ભાગવા લાગતા અહીં દોડધામ મચી ગઈ હતી.

જોકે શીવારામ હાથ લાગ્યો ન હતો.આથી પોલીસને જાણ કરવામાં આવતા સેટેલાઈટ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે તપાસ કરતા શીવારામ મારવાડી આંબાવાડી રહેતો હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે તેના ઘરે જઈને તપાસ કરતા તેનું આધારકાર્ડ મળી આવ્યું હતું. જેમાં તેનું એડ્રેસ આંબાવાડી પાસપોર્ટ ઓફિસ પાસે મોડાબધાનો વાસ ઉપરાંત આધારકાર્ડમાં તેનું નામ સવાજી કૃપાજીભાઈ ભાટી હોવાનું જણાયું હતું. આમ આરોપીએ જોખમરૂપ ચેપનો ફેલાવો થાય તેવું કૃત્ય કરતા તેની વિરૂધ્ધ સેટેલાઈટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35U1chW
via IFTTT

Post a Comment

أحدث أقدم