ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા પતિ-પત્ની અને ત્રણ સંતાનોનાં મોત


વલસાડ, તા. 4 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર

વલસાડ નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર શુગર ફેક્ટરી પાસે શુક્રવારે સાંજે ટ્રક અને બાઇક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચીખલીની વસુધરા ડેરીમાં કામ કરતા ગણદેવીના એક જ પરિવારના પાંચ સભ્યોના કમકમાટીભર્યા મોત થયા હતા. કમભાગી મૃતકોમાં પતિ, પત્ની, બે પુત્રી અને પુત્રનો સમાવેશ થયા છે. 

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચીખલીના આલીપોરની વસુધરા ડેરીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતો ગણદેવીના અજય દલપતભાઈ  (ઉ.વ.28) શુક્રવારે બપોરે પત્ની રેખાબેન, બે પુત્રી ધુ્રવી અને કાવ્યા તથા 9 માસના પુત્ર જેનિષ સાથે પોતાની હોન્ડા સ્પ્લેન્ડર (નં. જીજે-15-એએલ-4077) પર સાસરે કચીગામ જઇ રહ્યા હતા ત્યારે નં.હા.નં.48 પર વલસાડ શુગર ફેક્ટરી પાસે મહારાષ્ટ્ર પાસીંગની ટ્રક (નં.-એમએચ-એજી-2573)ના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા તમામને ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ થઈ ગયા હતા.

જેમાં ખુબ જ ગંભીર રીતે ઈજા પામેલ અજય, તેની પત્ની અને બે પુત્રીના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે માસુમ પુત્રને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ભાગી છુટયો હતો. જેને પોલીસે પીછો કરી ઝડપી પાડયો હતો.

આ ગંભીર અકસ્માતની જાણ થતાં જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલા, ડીવાયએસપી એમ.એન.ચાવડા, રૂરલ પીએસઆઈ જી.વી.ગોહિલ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતના કારણે ટ્રાફિક જામ થઈ જતા વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો. મૃતક અજયના ગણદેવી રહેતા પરિવારજનોને જાણ કરવામાં આવતાં વલસાડ દોડી આવ્યા હતા.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32WWEUV
via IFTTT

Post a Comment

Previous Post Next Post