ચેરિટેબલ ટ્રસ્ટોને ઑડિટ રિપોર્ટ ફાઈલ કરવાની તારીખ લંબાવી આપો


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 10 સપ્ટેમ્બર, 2020, ગુરૂવાર

રજિસ્ટ્રાર ઑફ કંપનીઝે કંપનીઓને એજીએમ યોજવાના અને તેમના રિપોર્ટ ફાઈલ કરવા માટે 31મી ડિસેમ્બર સુધી મુદત લંબાવી આપવામાં આવી છે તે જ રીતે બોમ્બે પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ રજિસ્ટર થયેલા ચેરિટેબલ ટ્રસ્ટોને પણ તેમના ઑડિટ રિપોર્ટ ફાઈલ કરવાની મુદત લંબાવી આફવાની માગણી કરવામાં આવી રહી છે. 

ચેરિટેબલ ટ્રસ્ટ એક્ટ અને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટના નિયમ નંબર 21માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ 30મી સપ્ટેમ્બર સુધી ગુજરાતના 1 લાખથી વધુ ચેરિટેબલ ટ્રસ્ટો માટે તેમના ઑડિટ રિપોર્ટ ફાઈલ કરી દેવા અનિવાર્ય છે. પરંતુ આ વરસે એપ્રિલથી 15મી જૂન સુધી રહેલા સંપૂર્ણ લૉકડાઉનને પરિણામે ઑડિટની કામગીરી થઈ શકી નથી. 

આ ટ્રસ્ટોએ તેમના રિપોર્ટ ચેરિટી કમિશનર, આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર કે પછી ડેપ્યુટી ચેરિટી કમિશનરને સબમિટ કરવાના હોય છે.પરંતુ કોરોનાને કારણે આ વર્ષે ઓડિટ થઈ શક્યા જ નથી. તેથી ડેડલાઈનને પાળી શકાય તેમ જ નથી. 

આ અંગે ચેરિટી કમિશનર વાય. શુક્લને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે અત્યારે તેમને એક્સટેન્શન આપવાની કોઈ જ જરૂર જણાતી નથી. ચેરિટેબલ ટ્રસ્ટના ઑડિટ રિપોર્ટ રજૂ કરવામાં વિલંબ થાય તો તે રજૂ કરતી વેળાએ કોરોનાને કારણે વિલંબ થયો હોવાનું જણાવી દેવામાં આવે તો પણ ચેરિટી કમિશનરની કચેરી તેને વિલંબ માટેના કારણો પૂછશે નહિ અને તે અંગે વિવાદ પણ ઊભો કરશે નહિ.

બીજું, ચેરિટેબલ ટ્રસ્ટ વિલંબથી રિપોર્ટ ફાઈલ કરે તો તેને માટે દંડ કરવાની કાયદામાં કોઈ જ  જોગવાઈ કરવામાં આવેલી નથી. તેનો ગેરલાભ ઊઠાવીને ગુજરાતના હજારો ટ્રસ્ટોએ તેમના ઑડિટ રિપોર્ટ એક બે નહિ, પરંતુ 20-20 વર્ષથી ફાઈલ કર્યા જ નથી. ચેરિટી કમિશનરની કચેરીના ધ્યાન પર આ હકીકત આવતી જાય તેમ તેમ તેમની સામે ફોજદારી ફરિયાદ ફાઈલ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમની સામે કડક પગલાં લેવાનું આયોજન કરાશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33gHcDt
via IFTTT

Post a Comment

أحدث أقدم