
અમદાવાદ, તા. 10 સપ્ટેમ્બર, 2020, ગુરૂવાર
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત જુદી જુદી હૉસ્પિટલોમાં ફરજ બજાવતા 64 જેટલા ડોક્ટરો કોરોનામાં સપડાયા હોવાની વિગતો બહાર આવતા આરોગ્ય તંત્રમાં હલચલ મચી જવા પામી છે.
આ પૈકીના મોટા ભાગના રેસિડેન્ટ ડોક્ટરો છે. એસવીપી હોસ્પિટલના 4 જેટલા ડોક્ટરો એવા છે, જેમને અગાઉ કોરોના થઈ ચૂક્યો હતો અને ફરીથી તેઓ ભોગ બન્યા છે.
આ અંગેની વિગતો એવી છે કે, બેથી ત્રણ રેસિ. ડોક્ટરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં સૌથી વધુ એસવીપી હોસ્પિટલના 24 ડોક્ટરો સંક્રમિત જણાયા હતા.
જેમાં એક મેડિકલ કોલેજના પ્રોફેસર છે અને બાકીના તમામ રેસિ. ડોક્ટરો છે. ઉપરાંત એલ.જી. હોસ્પિટલના 19 અને શારદાબેન હોસ્પિટલના 16 ડોક્ટરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ પૈકીના મોટા ભાગના ડોક્ટરો કોરોનાના દર્દીઓની સારવાર સાથે જોડાયેલા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલ- મેમાં કોરોનાના દર્દીઓ મોટા પ્રમાણમાં બહાર આવતા હતા તે સમયે ખાનગી પ્રેક્ટિસ કરતા ડોક્ટરો સહિત 197ને ચેપ લાગ્યો હતો, તે ગાળામાં ત્રણ જેટલાં ડોક્ટરોના કરૂણ મૃત્યુ પણ થયા હતા.
દર્દીઓની સારવાર કરતી વખતે ચેપ લાગતો હોય છે. અગાઉ એલ.જી. હોસ્પિટલમાં એક પગના ઓપરેશનના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા 25 જેટલા ડોક્ટરો અનેે પેરા મેડિકલ સ્ટાફના સભ્યોને કોરોના થતા આખી હોસ્પિટલ જ પાંચ દિવસ બંધ કરી દેવાની ફરજ પડી હતી.
એ જ ગાળામાં એસ.વી.પી.ના પણ દોઢ ડઝન જેટલા ડોક્ટરો સંક્રમિત થયા હતા. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે જાનના જોખમે હોસ્પિટલમાં કામ કરી ડૉક્ટરો આ મહામારી પર કાબૂ મેળવવા અથાગ પ્રયત્નો કરી રહ્યાં છે.
આ કપરાં સંજોગોમાં કોરોના વોરિયર્સ ડૉક્ટરોની કામગીરીમાં પણ રાજનેતાઓ અવરોધ બની રહ્યાં છે, કારણ કે વી.વી.આઇ.પી. ટ્રીટમેન્ટ મેળવવા રાજકીય ભલામણો પણ આવી રહી છે. એક તરફ ડૉક્ટરો કોરોનાના સંક્રમણને રોકવા મહેનત કરી રહ્યા છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ અને કાર્યકરો રેલીઓ અને બેઠકો કરી રાજકીય તમાશાઓ યોજી સંક્રમણને વેગ આપી રહ્યાં છે. જેના કારણે ડૉક્ટરો પણ લાચાર બન્યા છે.
કોંગ્રેસનો સવાલ, શું ભાજપ માટે કાયદા નથી
કોરોનાનું કેન્દ્રબિંદુ કમલમ્, પાટીલ સુપરસ્પ્રેડર
ઇમરાન ખેડાવાલાનો આરોપ, ભાજપ પ્રદેશ પ્રમુખ માસ્ક ન પહેરે તો દંડ કેમ નહીં?
અમદાવાદ,ગુરૂવાર
કોરોનાની મહામારી વચ્ચે ભાજપની રેલીથી સંક્રમણ વધતાં કોંગ્રેસેભાજપ પર નિશાન સાધ્યુ છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કમલમને કોરોનાનુ કેન્દ્રબિંદુ અને ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાન પાટીલને સુપર સ્પ્રેડર ગણાવ્યાં છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલે સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં રેલી યોજતાં વિરોધપક્ષ કોંગ્રેસને જાણે રાજકીય ભાથુ મળ્યુ છે. કોંગ્રેસના જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ એવો આક્ષેપ કર્યો છેકે, સામાન્ય જનતા માસ્ક ન પહેરે અથવા સોશિયલ ડિસટન્સનો ભંગ કરે તો,દંડ ફટકારવામાં આવે તો પછી રેલી-જાહેર કાર્યક્રમમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ માસ્ક પહેરતાં નથી તો દંડ કેમ લેવાતો નથી. શું ભાજપ માટે આ બધાય કાયદા નથી. દંડની જોગવાઇ ભાજપને લાગુ ન પડે.
આજે હજારોની ભીડ એકત્ર કરી કોરોનાનું સંક્રમણ વધારવાનુ કામ ભાજપના પ્રદેશ પ્રમુખ કરી રહ્યાં છે ત્યારે સરકાર-પોલીસ કેમ મૌન ધારણ કરીને બેઠી છે તે સમજાતુ નથી. આમજનતાને કોરોનામાં સપડાવનારાં સી.આર.પાટીલને સુપરસ્પ્રેડર ન ગણી શકાય.આજે કમલમાં જ કોરોનાનું કેન્દ્રબિંદુ બન્યુ છે. આમ, કોરોનાનુ સંક્રમણ વધતાં પાટીલની રેલીએ રાજકીય વિવાદ ચગાવ્યો છે.
વસતીના પ્રમાણમાં સૌથી વધુ ડૉક્ટર સંક્રમિત
રાજકોટના 1800 ડોક્ટરો માટે IMAએ રેડ એલર્ટ જાહેર કર્યું
રાજકોટના 120 ડૉક્ટરને કોરોના થતા સમગ્ર તબીબી આલમમાં ફફડાટ
અમદાવાદ, ગુરૂવાર
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ હવે ટોચના તબક્કા ઉપર પહોંચી જતા અને મૃત્યુ આંક અત્યંત ચિંતાજનક રીતે વધી રહ્યો છે. બીજી તરફ અહીં એલોપથીના 120 ડૉક્ટરોને કોરોનાને ચેપ લાગતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશને અહીંના 1800 એલોપેથિક ડૉક્ટરો માટે રેડએલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ઈન્ડીયન મેડીકલ એસોસીએશને જારી કરેલા રેડ એલર્ટમાં જણાવ્યા મૂજબ વસ્તી મૂજબ સૌથી વધારે કોરોના કેસો સાથે રાજકોટ હવે રાજ્યમાં નવું હોટ સ્પોટ બન્યું છે. આજ સુધીમાં 100થી વધુ તબીબો અને ફ્રેશ સહિત 120થી 125 તબીબો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.
અનેક ડોક્ટરો પોતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ છે. આઈ.એમ.એ.ના હેડ ક્વાર્ટર દ્વારા બે માસ અગાઉ રાષ્ટ્રવ્યાપી રેડએલર્ટ જારી કર્યુ હતું, તે વખતે મુંબઈ અને અમદાવાદમાં ડોક્ટરો વધુ સંક્રમિત થયા હતા અને રાજકોટમાં સ્થિતિ નિયંત્રણમાં હતી, પરંતુ, હવે રાજકોટમાં કોરોના સહિત દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો પર જોખમ અનેકગણુ વધી ગયું છે.
તબીબોને સ્ટાન્ડર્ડ માસ્ક, ગ્લોવ્ઝ, કેપ, એપ્રનનો પૂરો સમય ઉપયોગ કરવા ,કેટલાક ડોક્ટરો દર્દીથી દૂર થાય અને સ્ટાફ સાથે હોય ત્યારે આ દૂર કરતા હોય છે પણ દરેકને ચેપગ્રસ્ત માનીને ચાલવા દર્દીઓ તેમજ સગાસંબંધીઓથી પણ સલામત અંતર જાળવવા સહિતની માર્ગદર્શિકા એસોસિએશન દ્વારા જારી કરવામાં આવી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35oHTwZ
via IFTTT
إرسال تعليق