
અમદાવાદ, તા. 10 સપ્ટેમ્બર, 2020, ગુરૂવાર
અમદાવાદના નવા પશ્ચિમ અને પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં કોરોનાના કેસોમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે. દરમ્યાનમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં તો જાણે કે વિસ્ફોટ થયો છે. છેલ્લા ચાર દિવસ દરમ્યાન ઓગણજ- ચાંદલોડિયા, બોડકદેવ, ગોતા વોર્ડમાં કરાયેલા રેપિડ- એન્ટિજન ટેસ્ટમાં 465 જેટલા રિપોર્ટ પોઝિટિવ આવતા હલચલ મચી ગઈ છે. જો કે મ્યુનિ.નો હેલ્થ વિભાગ સત્તાવાર માહિતી આપવા તૈયાર નથી.
દરમ્યાનમાં મળતી વિગતો અનુસાર આજે ઓગણજ- ચાંદલોડિયા વોર્ડમાં 12000 જેટલા દર્દીઓનું આક્રમક ટેસ્ટિંગકરાતા 235 જેટલા લોકો કોરોનાગ્રસ્ત હોવાનું જણાય છે. ગઈકાલે બોડકદેવ વોર્ડના વસ્ત્રાપુર, બોડકદેવ, આંબલી, મેમનગર વગેરે વિસ્તારોમાં પણ 12300 લોકોના નમૂના ટેસ્ટ કરતા 165થી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયાનું જણાયું હતું.
ગોતા વોર્ડમાં પણ થયેલા ટેસ્ટિંગ પણ 65 જેટલા રિપોર્ટ પોઝિટિવ નીકળ્યા હતા. આમ પણ, ઉત્તર પશ્ચિમ ઝોન નવા રાઉન્ડમાં હોટસ્પોટ સાબિત થઈ રહ્યો છે. હેલ્થ ટીમોએ આ કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ સરકાર દ્વારા જાહેર કરાતી યાદીમાં દર્દીનો આંકડો છેલ્લા કેટલાય દિવસથી 145થી 151 વચ્ચે રહે છે.
ગઈકાલે એક જ વોર્ડમાં 160 દર્દી જણાયા, 64 ડોક્ટરો અને 18 એએમટીએસના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત હોવાનું જણાયું તો સવાલ એ ઉભો થાય છે કે સરકારી આંકડો ઉંચો કેમ નથી જતો. એક અનુમાન એવું પણ છે કે રેપિડ ટેસ્ટમાં બહાર આવતા દર્દીઓને ગણતરીમાં લેવામાં આવતા નથી. માત્ર આરટી-પીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ આવતા હોય તેમને જ ગણતરીમાં લેવાતા હશે તેમ જણાય છે.
કેમ કે રેપિડમાં પોઝિટિવ આવતા દર્દીઓ મહદઅંશે લક્ષણો વગરના કે હળવા લક્ષણોવાળા હોય છે અને ઘેર બેઠાં જ હોમ આઇસોલેશનમાં સારવાર લેતા હોય છે. અગાઉ પીએસપી પ્રોજેક્ટની જીએનએફસી ગ્રાઉન્ડ પાછળની છાવણીમાં કામદારોના ટેસ્ટ કરતા 277 પોઝિટિવ આવ્યા હતા અને કંપનીને કોરોનાનો નિયમ નહી પાળવા સબતત 1 કરોડ દંડની નોટિસ ફટકારી છે. તે દિવસે પણ આ આંકડો સરકારી યાદીના આંકડામાં ક્યાંય સામેલ હોવાનું લાગતું ના હતું.
ચાંદલોડિયામાં કોરોના વિસ્ફોટની વાતથી તંત્ર દોડતું
200 ઉપરાંત પોઝિટિવ કેસ મળી આવ્યા હોવાની અટકળો
અમદાવાદ,ગુરૂવાર
શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલાં મ્યુનિ.હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરમાં તંત્ર દ્વારા સ્થાનિક રહીશોના કોરોના મામલે રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાય છે.આ ટેસ્ટ દરમિયાન ચાંદલોડિયા અને ઓગણજમાં મળી કુલ 200 ઉપરાંત પોઝિટિવ કેસ મળી આવ્યા હોવાના સમાચાર વહેતા થતાની સાથે મ્યુનિ.ના અધિકારીઓએ આ સમાચાર કોણે લીક કર્યા એની શોધ શરૂ કરી સમાચાર પર પડદો પાડવાની તજવીજ શરૂ કરી છે.
મળતી માહીતી પ્રમાણે, શહેરના ઓગણજ વોર્ડમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં મ્યુનિ.દ્વારા 7158 ટેસ્ટ કરાયા હતા.જે પૈકી 150 લોકો પોઝિટિવ મળ્યા છે.જયારે ચાંદલોડિયા વોર્ડના અર્બન હેલ્થ સેન્ટરમાં 4983 ટેસ્ટ કરાતા 112 પોઝિટિવ કેસ મળ્યા છે.પરંતુ તંત્રનું ખરાબ દેખાશે એ ભીતીથી મ્યુનિ.દ્વારા ગુરૂવારે રાતે સ્થાનિક કોર્પોરેટરો ઉપર પણ દબાણ લાવી આ સમાચાર પર પડદો પાડવા પ્રયાસ શરૂ કરાયા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35nYVv9
via IFTTT
إرسال تعليق