ઈ-સ્ટેમ્પ દીઠ રૂા.10ના કમિશનની જાહેરાત, વેન્ડરને મળે છે 15 પૈસા


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 19 સપ્ટેમ્બર, 2020, શનિવાર

સ્ટેમ્પ વેન્ડરોને રૂા. 300ના મૂલ્યના ઈ-સ્ટેમ્પ પર માત્ર 45 પૈસા જ કમિશન આપવામાં આવતું હોવાથી નારાજ થયેલા સ્ટેમ્પ વેન્ડરને સ્ટેમ્પ દીઠ રૂા.10 આપવાની મહેસૂલ મંત્રીએ છ માસ પૂર્વે જાહેરાત તો કરી હતી.

પરંતુ આજ સુધી એક પણ સ્ટેમ્પ વેન્ડરના ખાતામાં સ્ટેમ્પદીઠ આપવાના થતાં રૂા. 10 જમા આવ્યા જ નથી. તેને બદલે સરકારે નક્કી કર્યા મુજબ સ્ટેમ્પ વેન્ડરને રૂા.100ના સ્ટેમ્પ દીઠ 15 પૈસા કમિશન પેટે આપવાની જાહેરાતને જ હજીય અનુસરવામાં આવી રહી છે.

બીજી તરફ આ જ સ્ટેમ્પ વેચવા માટે બૅન્કોને રૂા.100ના સ્ટેમ્પ પર રૂા. 1નું કમિશન આપવામાં આવી છે. 24મી માર્ચે કરેલી જાહેરાતનો આજ દિન સુધી અમલ થયો નથી. નાના સ્ટેમ્પ માટે આ જોગવાઈ ચાલી શકે તેવી છે, પરંતુ મોટી રકમના સ્ટેમ્પ માટે પણ આ જોગવાઈ કરવામાં આવે તો તે સ્ટેમ્પ વેન્ડરો માટે અન્યાય કર્તા છે. 

સ્ટેમ્પ વેન્ડરોનું કહેવું છે કે રૂા.1 લાખનો સ્ટેમ્પ હોય કે રૂા.10 લાખનો સ્ટેમ્પ હોય સરકાર સ્ટેમ્પ વેન્ડરને માત્ર રૂા.10નું જ કમિશન આપીને તમના ધંધારોજગાર ખતમ કરાવી રહી છે. આ ધરાર અન્યાય કર્તા જોગવાઈ છે. ગુજરાતમાં 1556 સ્ટેમ્પ વેન્ડરો આ નિયમથી પરેશાન છે, પરંતુ સરકારના બહેરા કાને તે અથડાતું જ નથી.

સૌથી વધુ આઘાત પમાડે તેવી બાબત તો એ છે કે બૅન્ક દ્વારા ફ્રેન્કિંગ કરી આપવામાં આવ્યું હોય કે ઇ-સ્ટેમ્પિંગથી સ્ટેમ્પ લેવામાં આવ્યો હોય તેનો ઉપયોગ તો એક સરખા જ કામ માટે થાય છે. તેમ છતાંય કમિશન આપવામાં સરકારે અપનાવેલી ભેદભાવ ભરી નીતિ અન્યાય કર્તા છે. 

બૅન્કને ઇ-સ્ટેમ્પ માટે રૂા.100ના સ્ટેમ્પ પર રૂા. 1નું કમિશન આપવામાં આવી રહ્યું છે. તેની સામે રૂા.300ના ઇ-સ્ટેમ્પ પર વેન્ડરોને 45 પૈસાનું કમિશન આપવામાં આવે છે. તેમાં તેમણે પ્રિન્ટિંગ માટે રૂા.22000નું પ્રિન્ટિંગ મશીન લેવાનોખર્ચ કાઢવો પડે છે.

ઑફિસમાં તે ચલાવવા માટે લાઈટનું બિલ ભરવું પડે છે. તેમ જ ઑફિસના ભાડાં સહિતના ખર્ચ કરવા પડે છે. તેમ જ સ્ટેમ્પ લેવા આવનારાઓ પાસે ફોર્મ ભરાવવા પડે છે. ફોર્મ ભરાવ્યા બાદ તેમાં ભૂલ થાય તો સ્ટેમ્પ નકામો જાય છે. તેના ખર્ચા પણ તેમને માથે પડે છે. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FP8uZB
via IFTTT

Post a Comment

Previous Post Next Post