સરકારી હોસ્પિટલોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય IASની ટીમ બનાવો : હાઇકોર્ટ


અમદાવાદ, તા. 24 ઓગસ્ટ, 2020, સોમવાર

કોરોનાની પરિસ્થિતિ અંગે હાઇકોર્ટે હાથ ધરેલાં સુઓમોટોમાં આજે આદેશ કર્યો છે કે રાજ્યભરની સિવિલ અને અન્ય સરકારી હોસ્પિટલના નિરીક્ષણ અને તપાસ માટે પાંચ ઉચ્ચ સ્તરીય આઇ.એ.એસ. અધિકારીઓની ટીમનું ગઠન કરવામાં આવે.

ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાએ મુખ્ય સચિવને આદેશ કર્યો છે કે સંયુક્ત સચિવ કે અધિક સચિવથી નીચેનો રેન્ક ન ધરાવતા હોય તેવા પાંચ આઇ.એ.એસ. અધિકારીઓની તાત્કાલિક ટીમ બનાવવામાં આવે અને આ ટીમ રાજ્યનો પ્રવાસ કરી સરકારી હોસ્પિટલોની પરિસ્થિતિ વિશે તાગ મેળવે.

રાજ્ય સરકારે સુરતમાં કોરોનાની પરિસ્થિતિ માટે લીધેલાં પગલાં અંગે એક વિસ્તૃત અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. જેના આધારે ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે નોંધ્યું છે કે ગુજરાતની વર્તમાન પરિસ્થિતિને જોતા એક ભયાનક ચિત્ર ઉપસી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

સરકારે તમામ જરૂરી પ્રયત્નો કર્યા છે પરંતુ તંત્ર અત્યારે બાંયો ચડાવી વધુ સજ્જ થઇ કામ કરે તે જરૂરી છે અને સરકારે વધુ ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઇએ. આજના દિવસની પરિસ્થિતિએ ગુજરાતમાં કુલ 82 હજારથી પણ વધુ કેસો નોંધાઇ ચૂક્યા છે.

રાજ્યના મુખ્ય શહેરોમાં રોજ વધુને વધુ કેસો નોંધાઇ રહ્યા છે. સુરતમાં કોરોના સામે રાજ્ય સરકારે લીધેલાં પગલાં અંગેના રિપોર્ટમાં રજૂ કરવામાં આવેલી વિગતો અને આંકડાઓ પ્રોત્સાહન આપનારા છે.

સરકારના અહેવાલ પરથી જાણી શકાય છે કે મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને સ્વાસ્થય વિભાગના અન્ય અધિકારીઓએ સુરતની અવારનવાર મુલાકાલ લીધી છે અને ત્યાં રોકાણ પણ કર્યું છે. આ બાબતની સરાહના કરવામાં આવે છે પરંતુ અત્યારે અમે એવાં અંતિમ તારણ પર પહોંચ્યા છીએ કે સુરતમાં જે પ્રયત્નો કરવામાં અવ્યા તે રાજ્યના અ ન્ય મુખ્ય શહેરોમાં પણ અમલમાં મૂકવામાં આવે.

સરકારે સુરતની સિવિલ હોસ્પિટલની પરિસ્થિતિનો અહેવાલ આપ્યો છે. આવી જ રીતે ગાંધીનગર, વડોદરા, રાજકોટ, ભાવનગરની સિવિલ હોસ્પિટલો અંગે પણ અહેવાલ આપવામાં આવે. રાજ્યના મુખ્ય સચિવ પાંચ ઉચ્ચ સ્તરીય આઇ.એ.એસ. અધિકારીઓની તાત્કાલિક ટીમ બનાવે.

આ અધિકારીઓનો રેન્ક સંયુક્ત સચિવ કે અધિક સચિવના રેન્કથી નીચે ન હોવો જોઇએ. આ અધિકારીઓ ગુજરાતનો પ્રવાસ કરી સિવિલ અને અન્ય સરકારી હોસ્પિટલોનું નીરિક્ષણ કરે અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવે. અધિકારીઓ ત્યાંની પરિસ્થિતિનો વિસ્તૃત અહેવાલ બનાવે અને કોર્ટ સમક્ષ રજૂ કરે.

કોર્ટ સ્પષ્ટતા કરવા માગે છે કે આ ટીમનું ગઠન અને કાર્યવાહી  હોસ્પિટલોની ખામીઓ અને ઉણપ શોધવા માટે ન કરવાના હેતુથી ન કરવામાં આવે. આ આદેશ પાછળ કોર્ટનો હેતુ છે કે સામાન્ય માનવી અને ગરીબ વર્ગના લોકોને મહામારીના સમયમાં ઉમદા ગુણવત્તાની  સ્વાસ્થય સુવિધાઓ મળી રહે. કેસની વધુ સુનાવણી ચોથી સપ્ટેમ્બરના રોજ મુકરર કરવામાં આવી છે.

સુરતના ઉદ્યોગો માટે ગુજરાત સરકારનું શું આયોજન છે ?

હાઇકોર્ટે નોંધ્યું છે કે સુરતના હીરા અને ટેક્સટાઇલ સહિના ઉદ્યોગોમાં લગભગ 11.5 લાખથી પણ વધુ શ્રમિકો અને કામદારો કામ કરે છે. દેશ અત્યારે અનલોકના તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે, જેથી હવે ધીમે-ધીમે શ્રમિકો અને કામદારો સુરત તરફ પરત ફરશે. સરકારે અહીંના હીાર અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે અલગ-અલગ એસ.ઓ.પી.(સ્ટાન્ડર્ડ ઓપરેશન સિસ્ટમ) બનાવી છે. આવાં પ્રોટોકોલ અન્ય ઉદ્યોગો માટે બનાવવામાં આવ્યા છે કે નહીં તેની માહિતી રજૂ કરવામાં આવે. સુરતમાં અત્યાર સુધીમાં કેટલાં ઉદ્યોગો ફરી શરૂ થયા છે અને ત્યાં ટેસ્ટિંગનું પ્રમાણ કેટલું છે તેનો ડેટા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hml7sO
via IFTTT

Post a Comment

أحدث أقدم