મ્યુનિ. ચૂંટણીની ભાજપ દ્વારા શરૂ થઈ ગયેલી તમામ તૈયારીઓ


પ્રદેશ પ્રમુખની સૌરાષ્ટ્રયાત્રાથી વાતાવરણ તૈયાર

અમદાવાદ, તા. 22 ઓગસ્ટ, 2020, શનિવાર

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની નવેમ્બરમાં આવી રહેલી સામાન્ય ચૂંટણી સમયસર જ યોજાઈ જાય તે માટે ભાજપ તરફથી તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. રોજેરોજ કોઇને કોઈ પ્રતિલક્ષી જાહેરાતો પણ થવા માંડી છે. કોરોનાનો કેર ટોચ પર હતો ત્યારે ચૂંટણી પાછી ઠેલાશે તેવી ભીતિ પેદા થઇ હતી, તે હવે ધીરે ધીરે ઓસરવા માંડી છે. વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણી યોજવાનું નક્કી થતાની સાથે જ ચિત્ર વધુ સ્પષ્ટ થઇ જશે.

આ અંગે તર્ક આપતાં ભાજપના એક અગ્રણીએ જણાવ્યું હતું કે દિવાળી આસપાસ ચૂંટણી આવે ત્યારે હિંદુત્વની ભાવના ટોચ ઉપર હોય છે. ઉપરાંત જો ચૂંટણી મુલત્વી રાખીને વહિવટદાર મુકાય તો ભાજપે કરેલા વિકાસકામો છ મહિનામાં લોકો ભૂલી જાય અને આ સમયગાળામાં કોંગ્રેસને પણ તૈયારીઓનો સમય મળી જાય. હાલ તો કોંગ્રેસનું શહેરનું માળખું જ વેરવિખેર છે.

અમદાવાદ ઉપપરાંત સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર મ્યુનિ.ની ચૂંટણીઓ પણ આ ગાળામાં યોજાનાર છે. ભાજપના પ્રદેશ પ્રમુખની સૌરાષ્ટ્રયાત્રા પણ ચૂંટણીલક્ષી વાતાવરણ તૈયાર કરવાની ભૂમિકારૂપે હોવાનું પણ જણાય છે. ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇ કાલે અમદાવાદના 1016 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત ઓનલાઈન કર્યું હતું. 

આજે તેમણે ભૂતિયા પાણીના કનેકશનો નજીવી ફી લઇ કાયદેસર કરી આપવાની તેમજ દિવાળી પહેલાં રોડ રસ્તાના કામો પતાવવાની જાહેરાત કરી છે. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા 86.85 કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત આવતી કાલે રવિવારે કરવાના છે. આ ઉપરાંત પણ ખાનગી સોસાયટીના 70-20-10ના કામો સહીત નવી નવી જાહેરાતો થતી રહે છે, આ તમામ બાબતો ચૂંટણી નજીક આવી ગયાની ચાડી ખાય છે.

અમદાવાદમાં હાલ 48 વોર્ડ અને 192 કોર્પોરેટરોની સંખ્યા છે. નવા ભળેલાં વિસ્તારો નજીકના વોર્ડની રચનામાં ફેરફાર કરીને તેમાં ભેળવી દેવા પ્રયાસો હાથ ધરાયા છે. નવો વોર્ડ વધારવાની સંભાવના નહિવત છે, જો કોઇ વોર્ડની નિયમ કરતાં વસ્તી વધી જશે તો જ નવાવોર્ડની રચના કરાશે. છેલ્લી ત્રણ ટર્મથી સતત ભાજપના હાથમાં સત્તા સોંપી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QjnkJQ
via IFTTT

Post a Comment

Previous Post Next Post