7 દિવસમાં ફાયર સાધનો લગાવવા નોટિસ અપાતા રોષ


અમદાવાદ, તા. 9 ઓગસ્ટ, 2020, રવિવાર

ગુરૂવારે શ્રેય હોસ્પિટલમાં બનેલા આગ કાંડ બાદ ફાયર વિભાગના સ્ટેશન ઓફિસરો દ્વારા સાત દિવસમાં જે હોસ્પિટલોમાં ફાયર સેફટીના પુરતા સાધનો નથી એ સાધનો સાત દિવસમાં લગાવવા આપવામાં આવેલી નોટિસને પગલે માત્ર હોસ્પિટલો ના સંચાલકો જ નહીં ડોકટરોમાં પણ આ નોટિસોને પગલે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

અત્યાર સુધી ઉંઘતા રહેલા ચીફ ફાયર ઓફિસરે રાતોરાત સાત દિવસમાં અપુરતા ફાયરના સાધનો લગાવવા સ્ટેશન ઓફિસર દ્વારા હોસ્પિટલો સુધી નોટિસો મોકલતા વિવાદ વધુ વકર્યો છે.આ નિર્ણયથી ફાયર સેફટીના નામે એજન્ટોને બખ્ખા થશે એવી પણ વાત વહેતી થઈ છે.

શ્રેય હોસ્પિટલમાં બનેલી ઘટના બાદ દોષનો ટોપલો ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુર ઉપર ઢોળવામાં આવતા અચાનક સફાળા જાગી તમામ સ્ટેશન ઓફિસરોને સુચના આપવામાં આવી હતી કે,અમદાવાદમાં જેટલી પણ કોવિડ પેશન્ટોની સારવાર કરતી હોસ્પિટલો છે આ તમામમાં તપાસ કરો અને જયાં અપુરતા સાઘનો હોય ત્યાં સાત દિવસની અંદર ફાયર સેફટીના સાધનો લગાવવા નોટિસ આપો.ચીફ ફાયર ઓફિસરના મૌખિક આદેશના પગલે શહેરના તમામ 16 ફાયર સ્ટેશનોના સ્ટેશન ઓફિસરોએ ત્રણ દિવસમાં કોવિડ હોસ્પિટલોની તપાસ પુરી કરી છે. 

જે હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનો અપુતા છે.તે હોસ્પિટલોમાં સાત દિવસમાં સાધનો લગાવવા નોટિસ આપતા હોસ્પિટલ સંચાલકોની સાથે તબીબોમાં પણ રોષ ફેલાયો છે.તબીબો સૂત્રોના કહેવા પ્રમાણે,રાતોરાત નિયમ બદલાવાથી મેડીકલ પ્રોફેશનને ડીસ્ટર્બ કરવાની આ પેરવી કરાઈ રહી છે.

આધારભૂત સૂત્રોમાંથી મળતી માહીતી પ્રમાણે,શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક મલ્ટિ સ્પેશિયલ હોસ્પિટલ દ્વારા ફાયર એન.ઓ.સી.રિન્યુ કરવા આ વર્ષના ફેબુ્રઆરીમાં અરજી કરવામાં આવી હતી.આ અરજી કર્યા બાદ એક મહીના સુધી કોઈ કાર્યવાહી ન કરાઈ.બાદમાં લોકડાઉન આવ્યુ.શ્રેયની ઘટના બાદ વસ્ત્રાપુરની હોસ્પિટલે ફાયર વિભાગનો સંપર્ક કરતા કહેવામાં આવ્યુ કે,નવી અરજી કરો.આ તો ફેબુ્રઆરી-2020ની છે.

નવી અરજી લઈ આ હોસ્પિટલના સંચાલકો જમાલપુર ફાયર સ્ટેશનની ઓફિસે જમા કરાવવા ગયા તો કહેવાયુ,સિવિક સેન્ટરમાં આપો.સિવિક સેન્ટરમાં ગયા તો કહેવાયુ,સ્ટાફ ઓછો છે તમે અરજી સીધી જમાલપુર જ જમા કરાવો.આમ છતાં અરજી ન સ્વીકારાતા અંતે ફાયરના જ એક અધિકારીની મદદથી તેમને નજીકના સિવિક સેન્ટરમાં નવી અરજી જમા કરાવવી પડી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ipXWOt
via IFTTT

Post a Comment

أحدث أقدم