
અમદાવાદ, તા. 24 ઓગસ્ટ, 2020, સોમવાર
કોરોનાને લીધે પાંચ મહિનાથી રાજ્યમાં સ્કૂલો બંધ છે ત્યારે પાંચ મહિના બાદ વિદ્યાર્થીઓ આજે સ્કૂલના પ્રાંગણમાં અને ક્લાસરૂમમાં પ્રવેશ્યા હતા.કોરોના વિદ્યાર્થીઓના કરિયરના આડે આવ્યો નથી. કોરોના ભય અને ચિંતા બાજુએ મુકી આજે લેવાયેલી ગુજકેટ પરીક્ષા 1.06 લાખથી વધુ વિદ્યાર્થીએ આપી હતી અને એકંદરે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા લેવાઈ હતી.
ગુજરાતના તમામ મુખ્ય જિલ્લા કેન્દ્રો પર આજે ત્રણ સેશનમા ગુજકેટ લેવાઈ હતી.રાજ્યના 621 પરીક્ષા બિલ્ડીંગોમાં 6431 વર્ગખંડોમાં પરીક્ષા લેવાઈ હતી. કોરોનાને લઈને તમામ સેન્ટર પર કોવિડ કોઓર્ડિનેટરો સાથે હેલ્થ ટીમ પણ મુકાઈ હતી અને વિદ્યાર્થીઓનું થર્મલ સ્કેનિંગ કરવામા આવ્યુ હતું.
અમદાવાદ શહેર, બોટાદ અને મહિસા સાગર સહિત ત્રણ સ્થળે ત્રણ વિદ્યાર્થીને હાઈટેમ્પરેચર સહિતના કારણોને લઈને સલામતીના ભાગરૂપે અલાયદી બેઠક વ્યવસ્થા આપવામા આવી હતી. ગુજકેટ પરીક્ષા માટે નોંધાયેલા 1,27,615 વિદ્યાર્થીમાંથી 1,06,161 વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે.
સવારે 10થી12 દરમિયાન ફિઝિક્સ-કેમિસ્ટ્રીનું પેપર લેવાયુ હતુ.જેમાં 1.06 લાખ વિદ્યાર્થી હાજર રહ્યા હતા. બાયોલોજીનું પેપર બપોરે 1થી2 દરમિયાન લેવાયુ હતું.જેમાં 76,967, પૈકી 651165 વિદ્યાર્થીએ પરીક્ષા આપી ,ગણિતનું પેપર બપોરે 3થી4 સુધી લેવાયુ હતુ.જેમાં 51122 વિદ્યાર્થીમાંથી 41213 વિદ્યાર્થી હાજર રહ્યા હતા.
1,27,615 વિદ્યાર્થીમાંથી 10,112 વિદ્યાર્થીએ હોલ ટીકિટ જ ડાઉનલોડ કરી નથી જેથી બાકીના પરીક્ષા આપવા માંગતા 1,17,503 વિદ્યાર્થીમાંથી 1,06,161 વિદ્યાર્થીએ પરીક્ષા આપતા 90.35 ટકા હાજરી રહી છે.જે કોરોના વચ્ચે નોંધનીય કહી શકાય. મહત્વનું છે કે 18,468 વિદ્યાર્થી ત્રણ કે તેથી વધુ વિષયમાં નાપાસ હતા જેથી જેઓ માટે ગુજકેટ સંપૂર્ણ નિરર્થક છે.
વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ પેપરો એકંદરે મધ્યથી સરળ કહી શકાય તેવા હતા અને પાઠયપુસ્તક આધારિત પ્રશ્નો હતા.વિદ્યાર્થીઓની ફરિયાદ મુજબ ફિઝિક્સમાં એક પ્રશ્નમાં ચારેય વિકલ્પો ખોટા હતા.પરીક્ષા બાદ ત્રણ દિવસ બાદ 28મીએ બોર્ડ દ્વારા ઓએમઆર શીટ સાથે આન્સર કી ઓનલાઈન જાહેર કરવામા આવશે.
વરસાદને લીધે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવી શકાયું
ગુજરાતમાં વરસાદને પગલે ગુજકેટની પરીક્ષામાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં મુશ્કેલી પડી હતી.સ્કૂલોના મેદાનોમાં અને સ્કૂલની બહાર ખુલ્લામા વરસાદને લીધે વિદ્યાર્થીઓ ઉભા રહી શક્યા ન હતા. સમય કરતા સેન્ટર પર વહેલુ પહોંચવા સાથે પરીક્ષા શરૂ થયા પહેલાના સમયમાં બે પેપર વચ્ચેના સમયગાળામાં વરસાદથી બચવા ઘણી સ્કૂલો-સેન્ટરોમાં વિદ્યાર્થીઓને એક જગ્યાએ એકઠા થવુ પડયુ હતું.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34Bx36i
via IFTTT
Post a Comment