બિહારમાં ગંડક, બાગમતી, અધવારા સહિત ઘણી નાની-મોટી નદીઓ ગાંડીતૂર થઇ છે, જેના કારણે રાજ્યના 10 જિલ્લા પૂરની ઝપટમાં આવી ગયા છે. અંદાજે 10 લાખ લોકોનું જીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. સૌથી વધુ અસર દરભંગામાં થઇ છે. અહીં અંદાજે 3.30 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પૂરથી 15 લોકોનાં મોત થયાં છે જ્યારે વીજળી પડવાથી અત્યાર સુધીમાં 100થી વધુ મોત થયાં છે. હવામાન એજન્સીઓના જણાવ્યાનુસાર બિહારમાં આ વખતે અત્યાર સુધીમાં સામાન્યથી 55 ટકા વધુ વરસાદ થયો છે. 27થી 30 જુલાઇ સુધી ઉત્તર બિહારમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ક્ષેત્રમાં અંદાજે 14 જિલ્લા છે. જોકે, રવિવારે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી. નેપાળમાં પણ ભારે વરસાદ થાય તો બિહારના ઉત્તરના જિલ્લાઓમાં સ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે.
ટ્રેક ડૂબવાથી રૂટ બદલવામાં આવ્યાં
નદીઓ ગાંડીતૂર થઇ, બંધ તૂટ્યા: પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, ગોપાલગંજ, સુપૌલ અને સારન જિલ્લાઓમાં બંધ તૂટવાથી હજારો લોકોએ બેઘર થવું પડ્યું છે. એનડીઆરએફની ટીમોએ આ જિલ્લાઓમાં ફસાયેલા 3,500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા છે. રેલવે પુલના ગડર અને ટ્રેક ડૂબવાથી ઓછામાં ઓછા 10 રૂટ પર ટ્રેનો રોકી દેવાઇ છે, ટ્રેનોના રૂટ પણ બદલાયા છે.
ગંડકી નદી પરના બંધ ક્ષતિગ્રસ્ત થયા
ગોપાલગંજમાં 72 અને સારનનાં 28 ગામમાં હાલત બહુ ખરાબ છે. ત્યાં એનડીઆરએફની 8 ટીમે બચાવકાર્ય હાથ ધર્યું છે. રાજ્યના જળસંસાધન મંત્રી સંજય ઝાએ કહ્યું કે ગંડક નદીમાં અચાનક આવેલા 5.35 લાખ ક્યૂસેક પાણીનું દબાણ બંધ પર આવતાં તે ક્ષતિગ્રસ્ત થયા. એરફોર્સના 3 હેલિકોપ્ટરની મદદથી દરભંગા, મોતિહારી અને ગોપાલગંજમાં રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. 271 કોમ્યુનિટી કિચન ચાલી રહ્યા છે, જ્યાં 11 લાખ લોકો માટે જમવાની વ્યવસ્થા છે.
પોલીસ સ્ટેશનમાં પૂર, બહારથી જ કામ થાય છે
તસવીર બિહારના દરભંગા જિલ્લાના લહેરિયાસરાય પોલીસમથક નજીકની છે. આ મથકમાં પૂરના પાણી એટલા વધારે ધસી ગયા છે કે પોલીસકર્મીઓએ બહાર ગાડીના ટેકે જ કામ શરૂ કરી દીધું.
આસામમાં 2,600 ગામમાં સ્થિતિ ગંભીર, 51 હજાર લોકો બેઘર
આસામના 26 જિલ્લાના અંદાજે 35 લાખ લોકો પૂરની ઝપટમાં છે. ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી અહીં અત્યાર સુધીમાં 122 લોકોનાં મોત થઇ ચૂક્યાં છે. લોકો હોડીમાં બેસીને તેમનાં ડૂબતા ઘર જોઇ રહ્યાં છે. અંદાજે 51 હજાર લોકો શિબિરોમાં રહે છે. ઘણાં ગામ અને નાના શહેરોનો માર્ગ સંપર્ક તૂટી ચૂક્યો છે. સામાન પહોંચાડવા મોટી હોડીઓની મદદ લેવાઇ રહી છે. પૂરગ્રસ્તોને અનાજ, તાડપત્રી, મીણબત્તી, માચિસ, મચ્છરદાની, ઢોરનો ચારો, માસ્ક વગેરે અપાઇ રહ્યાં છે. પૂરથી 2,600 ગામમાં સ્થિતિ બહુ ખરાબ થઇ ચૂકી છે. અંદાજે 1.16 લાખ હેક્ટર ખેતીની જમીન ખરાબ થઇ ગઇ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3jCYWA5
via IFTTT
إرسال تعليق