ગર્લફ્રેન્ડને મળવા ગયેલા યુવકને મારી કારમાં અપહરણ ને મુક્તિ


જીએલએસના બે વિદ્યાર્થી વચ્ચે નવરંગપુરા જોગર્સ પાર્કમાં ઘર્ષણ

કોલેજમાં અગાઉ માર માર્યો હતો તેનો બદલો લેવા માટે વેપારીના બે પુત્ર ને મિત્રોએ પગ દબાવડાવી વિડિયો ઉતાર્યો

અમદાવાદ : ગર્લફ્રેન્ડને મળવા માટે ગયેલા યુવકને નવરંગપુરાના જોગર્સ પાર્કમાં દસ શખ્સોએ માર મારી કારમાં અપહરણ કર્યું હતું. ચાલુ કારે પગ દબાવડાવી અને અભદ્ર હરકતો કરીને તેનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો.

જીએલએસ કોલેજમાં અગાઉ માર માર્યો હતો તેનો બદલો લેવા માટે અપહરણ કરી નિખીલ સરગરા નામના યુવકને શાહીબાગમાં ઉતારી દેવાયો હતો. વેપારીના બે પુત્ર અને મિત્રો સામે ગુનો નોંધી યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

જમાલપુરમાં રહેતા 22 વર્ષના નિખીલ નટવરભાઈ સરગરા ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તા. 4ના બપોરે 12-30 વાગ્યે ગર્લફ્રેન્ડનો ફોન આવતાં નિખીલ તેને મળવા માટે નવરંગપુરા જોગર્સ પાર્ક પાસે ગયો હતો. આ સમયે બાપુનગરમાં રહેતા વિવેક પ્રજાપતિ અને અભિષેક આવ્યા હતા. વિવેકે નિખીલને ગરદનના ભાગે લાકડી મારી હતી.

નિખીલ પડી જતાં બીજા દસ જેટલા લોકો આવ્યા હતા અને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. નિખીલ જોગર્સ પાર્કથી કોમર્સ છ રસ્તા જતા રોડ ઉપર ભાગવા લાગ્યો હતો. આગળ જતાં અમુલ પાર્લરથી થોડે દૂર જ પટકાયેલા નિખીલને બલેનો કારમાં ઉઠાવી લેવાયો હતો. વિવેક પ્રજાપતિ અને તેની સાથે રહેલા લોકો વાળ પકડીને મારવા લાગ્યા હતા.

વિવેકે છરી બતાવી કારમાં બેસાડી દીધા પછી ગંદી હરકત કરવા પ્રયાસ કર્યો હતો. નિખીલને હાથ જોડાવી પગ દબાવડાવ્યા હતા અને તેમના ફોનથી વિડીયો બનાવ્યો હતો. નિખીલને જાનથી મારી નાંખવા ધમકી આપવામાં આવી હતી.

નિખીલને શાહીબાગ ઘેવર સર્કલ પાસે ઉતારીને આરોપીઓ કારમાં નાસી ગયા હતા. વી.એસ.માં સારવાર લઈ નિખિલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. યુનિવર્સિટી પોલીસે વિવેક પ્રજાપતિ, તેના ભાઈ સૌમિલ સહિત પાંચ શખ્સોને ઝડપી લીધા છે. પોલીસની તપાસમાં એવી વિગતો ખૂલી છે કે, અભિષેક અને વિવેક બન્ને જીએલએસમાં અભ્યાસ કરે છે. થોડા મહિના અગાઉ અભિષેકે કોલેજમાં વિવેકને માર માર્યો હતો.

આ વાતનો બદલો લેવા વિવેક અને મિત્રોએ આજે અભિષેકને જોઈ જતાં હુમલો અને અપહરણનું કૃત્ય આચર્યું હતું. અપહરણ અને હુમલો કરનાર વિવેક તેના પિતાના નામે રજીસ્ટર થયેલી બોલેરો કાર લઈને આવ્યો હતો. વિવેકના પિતા વેપાર કરે છે. નવરંગપુરાના જોગર્સ પાર્ક અને બહારના વિસ્તારમાં ફિલ્મી દ્રશ્યોએ ચર્ચા જગાવી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3q0WNDC
via IFTTT

Post a Comment

Previous Post Next Post