ઉ.શુજાત ખાનના ગીત-સંગીતના ભાવવિશ્વ અને આધ્યાત્મિક પાસાંના જોડાણ ટાણે સઘળું એકાકાર!


અમદાવાદ : વિશ્વના સૌથી લાંબા શાસ્ત્રીય સંગીત સમારોહની ગતિ જેમ જેમ પકડાતી જાય છે તેમ તેમ તે વધુ રસપ્રદ, આનંદપ્રદ અને સંતોષપ્રદ થતી જણાય છે. ''પરિસ્થિતિ'' કોઇપણ હોય, માનવનું મન હંમશ કંઇક નવું, કંઇક જુદું અને કંઇક સરસ ઇચ્છતું હોય છે. ક્યાંથી મેળે એને આવું મનગમતું? એનો ઉત્તર છે : ''કલા'' જ તો વળી! કલા કોઇ પણ હોય - સાહિત્યની, સંગીતની, ચિત્રની, શિલ્પ-સ્થાપત્યની, નાટયની કે નૃત્યની.

વિક્ષિપ્ત મનનું એ એક જ વિશ્રામ સ્થળ છે. એના ખોળે માથું મૂકીએ તો શીતળ છાયા મળે જ. જરૂરી નથી કે એને માટે દરેકે કલાકાર હોવું ઘટે. કલારસિક હોઇએ, કલારસ ઝરણમાં ડૂબકી મારવાનો અભિગમ હોય તો ભયો ભોય!  સારા શ્રોતા બનીએ, સારા દર્શક બનીએ, સારા નિરીક્ષક બનીએ તો કલાના પરસ્પર આયામોને પણ સમજી શકીએ- મા'ણી શકીએ.

ગાયન, વાદન, નર્તન, અભિનય, સંવાદ આદિ એકબીજાના પૂરક બની જાય એટલું જ નહિં પણ આગળ વધીને પોતાની સીમા વિસ્તારે અને ચિત્ર-શિલ્પાદિ સાથે પણ હસ્તધૂનન કરે ત્યારે કલ્પનાતીત અનુભૂતિ થાય. સરવાળે એક જ સત્ય અને તથ્ય સમજાય. તે છે કોઇપણ કળાનો આનંદ બ્રહ્માનંદ સહોદર છે. તો, ચતુર્થ સંધ્યાએ જોઇએ - શું જડે છે સપ્તકના સ્વરમંચ પર! 

ચતુર્થ રાત્રિના શાંત વાતાવરણમાં સપ્તક શાસ્ત્રીય સંગીત સમારોહમાં ઉપસ્થિત અને 'નેટ' પર 'દૂર... દર્શન' સાથે શ્રવણ કરનાર શ્રોતાઓ બીજી બેઠકનો ઇંતેજાર કરી રહ્યા હતા તેનો અંત આવ્યો. સદાબહાર-સ્મિતસભર-હળવાફૂલ ઉ.શુજાત ખાન મંચ પર પધાર્યા અને એમની ખાસ ''ઓરા''નો જાદુ છવાઇ ગયો. આ પીઢ સિતારકલાકારની સિદ્ધિઓ પણ અપાર છે.

ઇમદાદખાની ઘરાનાના તેઓ સાતમા ફરજંદ છે જે આજની ઘડીએ પણ પોતાની પરંપરાનું જતન કરી રહ્યા છે. ગાયકી અંગની સિતાર વગાડનાર આ સંગીતકર્મીને ગ્રેમી સહિતના અનેક માન-અકરામોએ શોધી કાઢ્યા છે. દેશ-પરદેશ એક થઇ જાય એવી એમની સંગીત સાધના છે. તાજગીસભર લય અને શીઘ્ર ગાયકી ઉપર તો સૌ આફરિન છે. અપવાદરૂપ ગળું ધરાવનાર ઉ.શુજાતજીને કંઠય સંગીત પણ વર્યું છે.

ઇન્ડો-પર્શિયન ગઝલમાં માહિર આ સિતારીસ્ટ બંધુત્વની ભાવનાવાળા નીડર વ્યક્તિત્વ ધરાવનારા વિશિષ્ટ માનવી છે. પિતા અને ગુરૂ ઉ.વિલાયત ખાનના વારસાને દીપાવનાર આ સુપુત્ર કને અલભ્ય આંત: સ્ફૂરણાનું વરદાન છે. ઉસ્તાદજીએ આંરભે સિતાર પર રાગ તિલક કામોદ પેશ કર્યો. સ્હેજ અકળ ગતિવાળા આ રાગમાં નિર્દોષતા અને રોમાંચક અભિવ્યક્તિ છે.

આલાપ અને જોડની પ્રસ્તુતિમાં વિલંબિત, મધ્ય અને તીવ્રલયના અનુસંધાન પછી એમણે એક પુરાણી 'ચલન' જોડી અને ગાયું ''અબ કૈસે કહું.. કાલી કાલી બૈરી મદભરી અખિયાઁ... ગોરા સા મુખ જબ સૈંયા દેખે...'' સૂર, તાલ અને લયના સંગમે તેઓ આગળ વધ્યા. રાગ નીપજ અંતે ઉ.શુજાત ખાન સમગ્રતયા સિતારમય થઇ કૉળી ઉઠયા. ત્યારબાદ એમણે રાગ પહાડી રજૂ કર્યો. સિતાર અને ગાયનનું અદ્વૈત રચાયું! આ શાયરાના અંદાજ જુઓ : 

''હમ થે જુસ્તજુ (શોધ) મેં, કહાઁ તક નિકલ ગયે 

મહસૂસ યે હુઆ કે ઝમાને બદલ ગયે''

અને ઉ.શુજાતજીને સૂરમય પંથ મુબારક  

(રસાસ્વાદ - સુધા ભટ્ટ)

પરંપરા જાળવીને નવી પેઢી સંગીતને જાણે-માણે અને જીવંત રાખે : નિયાઝ ખાન


નવ વર્ષના ચતુર્થ દિને સરકતી સંધ્યાનો પાલવ પકડીને કોલકાતાના યુવા આશાસ્પદ કલાકાર ગુલામ નિયાઝ ખાન સ્વરમંચ પર આરૂઢ થયા. રામપુર સહસ્વાન ઘરાનાના આ અનુગામીનો સ્વરદેહ ઘડાયો છે તેમના નાનાજી ઉ.નિસાર હુસેન ખાન સાહેબ થકી. અદ્દભુત અવાજના માલિક, મૌલિક શૈલી ધરાવતા વડીલ પાસેથી નિયાઝજીને પ્રત્યેક રાગના આંતરિક જાદુનો ખજાનો હાથ લાગ્યો. આ ઘરાના ગ્વાલિયર ઘરાના સમકક્ષ છે.

પૂર્વજોએ ખયાલ ગાયકીને સીમાચિહ્નરૂપ બનાવી હતી તેનો લાભ આ કલાકારને મળ્યો. તેઓ તરાના અને વિવિધ સરગમના અભ્યાસુ છે તેનો ખ્યાલ એમના ગાયનમાંથી આવે. આલાપ-તાન, સપાટની તાન અને ગમક પછી મીંડ દ્વારા એક શ્રૂતિ પરથી અન્યશ્રૂતિ પર સરળતાથી જતા ગાયનમાં એક ઠહરાવ આવે જ. ઝડપી સ્વરો એમના એવા તો મોહક હતા કે એ કોઇ ભાષાના મોહતાજ ન રહ્યા.

શબ્દો સ્વયમ્ સ્વરમાં ઓળઘોળ થઇને સ્ફૂટ થતા લાગ્યા. રાગ મારવાની નિયાઝજીની પ્રસ્તુતિ ઉદાહરણરૂપ કહી શકાય. વિલંબિત એકતાલમાં સખી રી ને કરેલ ઉદ્દબોધન એક રસપિયાલીમાં પરિવર્તિત થઇ ગયું. ત્યારબાદ ગુલામ નિયાઝજીએ રાગ બિહાગમાં તરાના પેશ કર્યા એ સાંભળીને ખાતરી થઇ જાય કે તેઓ સંગીતની કેટલી બધી તરાહોના જ્ઞાાતા છે! એમની ગાયકીની ખાસિયત 'સરગમ' છે. અનેક માન-અકરામ મેળવનાર આ યુવા કલાકાર સંગીત ગુરૂ પણ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sYSvi4
via IFTTT

Post a Comment

أحدث أقدم