કોરોના વિસ્ફોટ વચ્ચે પૂર્વમાં કોવિડ ગાઇડલાઇનની ઐસીતૈસી, તંત્ર પણ ચુપ

અમદાવાદ,તા.06 જાન્યુઆરી 2022,ગુરૂવાર

અમદાવાદમાં ગુરૂવારે કોરોનાના ૧,૮૩૫ તેમજ ઓમીક્રોનના ૯૩ કેસ નોંધાયા હતા. રાજ્યમાં સૌથી વધુ સંક્રમણ અમદાવાદમાં થઇ રહ્યું છે છતાંય મ્યુનિ.તંત્ર કોરોના સંક્રમણ રોકવામાં સત્તા અને પાવરનો ઉપયોગ કરી રહ્યું નથી. લોકો બેદરકારી દાખવી રહ્યા છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગમાં હવે માનતા નથી, બજારો કોરોનાના તમામ નિયમો તોડીને ચાલી રહ્યા છે. કોરોના ગાઇડલાઇનની બાબતમાં શહેરમાં અવ્યવસ્થાનો માહોલ સર્જાયો છે આ સ્થિતિ રોજ કોરોના અને ઓમિક્રોનના કેસ બમણા કરતું જઇ રહ્યું છે. સ્થિતિ જાળવી લેવાની અને સાચવી લેવાની જેની જવાબદારી છે તે મ્યુનિ.તંત્ર, સરકાર તમાશો જોઇ રહ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે. સંક્રમણ બમણાતું જઇ રહ્યું છે તો પછી શેની રાહ જોવાઇ રહી છે તે વિષયે શહેરીજનોમાં ચર્ચા જગાવી છે.

પૂર્વ અમદાવાદમાં કોવિડ-૧૯ની તમામ ગાઇડલાઇનોનું ધરાર ઉલ્લંઘન થઇ રહ્યું છે. બજારોમાં ભીડભાડ વધતી જઇ રહી છે. રોડ પર શાકમાર્કેટો ખીંચોખીંચ ભરાઇ રહી છે. દુકાનોના કાઉન્ટરો ભીડ વચ્ચે દેખાતા પણ નથી. ખાણીપીણી બજારો હજુ એવાને એવા પુરબહારમાં ચાલી રહ્યા છે. ચાની લારીઓ-કિટલીઓ પર માનવ કિડીયારૂ ઉભરાયું હોય તેવી ભીડ તમામ જગ્યાએ જોવા મળી રહી છે. 

શહેરમાં ઓઢવમાં , સીટીએમ, વિરાટનગર, નરોડા, નિકોલ સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલા કડિયાનાકાઓ પર રોજ સવારે માનવમેળો જામે છે. આ તમામ જગ્યાઓ પર લોકો માસ્ક પહેરતા નથી. સોશિયલ ડિસ્ટન્સિંગ કેવું હોય તેની કોઇએ પરવા પણ કરી નથી.

વિવિધ બજારો ભાડભીડથી ઉભરાઇ રહ્યા છે. આ સ્થિતિ આવનારા દિવસોમાં કોરોના સંક્રમણને રેકોર્ડબ્રેક સ્થિતિએ લઇ જશે તેમાં કોઇ શંકા નથી. સત્તાતંત્રની જવાબદારી છેકે શહેરમાં કોરોના સંક્રમણની બગડતી સ્થિતિને કાબુમાં લે. જરૂરી હોય તેવા પ્રતિબંધો લાદે, બહાર પડાયેલા નિયમોનું કડકાઇથી પાલન કરાવે.

ત્રીજી લહેર લગભગ શહેરના દરવાજે ટકોરા મારી રહી છે. લોકો લાપરવાહ છે તંત્રને પણ પડી નથી. જેના કારણે સંક્રમણને મોકળું મેદાન મળી રહ્યું છે. શહેર પોલીસ પણ તમાશો જોઇ રહી છે. રાત્રે ૧૧ થી ૫ વાગ્યા સુધીનું કરફર્યું હોવા છતાંય પૂર્વમાં ઓઢવ સહિતના વિસ્તારોમાં દુકાનો ચાલુ રહે છે. છોટાલાલ ચાર રસ્તા પર જ નાસ્તાની દુકાનો, આઇસક્રિમની લારીઓ, ચાની કિટલીઓ મોડી રાત સુધી બેરોકટોક ચાલતી હોય છે. મોડી ચાલતી ચાની કિટલી અને નાસ્તા હાઉસોમાં ગ્રાહકો પાસેથી બમણા પૈસા વસુલવામાં આવે છે આમ નફાખોરી કરાઇ રહી છે. મસાલાના ભાવ બમણા કરી દેવાય છે.

પૂર્વમાં સિંગરવા હુકડો ખાતે આવેલી શાકમાર્કેટ કઠવાડા-સિંગરવા વિસ્તારમાં સંક્રમણનું એપીસેન્ટર બની જશે તેવી ભીતિ છે. આખો સર્વિસ રોડ શાકમાર્કેટથી ઉભરાઇ રહ્યો છે. પોલીસ તમાશો જોઇ રહી છે. કોઇ કહેનાર નથી, કોઇ પુછનાર નથી. શહેરના અન્ય વિસ્તારોમાં પણ આજ સ્થિતિ છે.

શાકમાર્કેટો કોરોના વિસ્ફોટનું એપિસેન્ટર બનશે

શાકમાર્કેટમાં લારીઓ પાસે ભીડ ન થાય, દુકાનોમાં ભીડ ન થાય તે માટે પહેલા ગોળ કુંડાળા કરીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવાતું હતું . હવે આ વર્ષે આમાનું કશું જોવા મળતું નથી. પોલીસ બજારમાં ફરી ફરીને માસ્ક, સોશિયલ ડિન્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરાવતી હતી હવે પોલીસ આ વખતે ક્યાં જતી રહી છે તે સમજાતું નથી.

એકબાજુ સરકારી અને રાજકિય કાર્યક્રમો બેરોકટોક થઇ રહ્યા છે.સત્તાધીશોએ અને અધિકારીઓ જ જાતે કોરોનાને ગંભીર લેતા નથી તો પછી જનતા પાસે તેનું પાલન કરાવવાની વાત દુર રહી. કોર્પોરેટરો જાહેર કાર્યક્રમોમાં માસ્ક પહેરાત નથી. શહેરમાં સંક્રમણ બેકાબુ બનવા જઇ રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. છતાંય તંત્ર ઉંઘે છે. સબસલામતી અને પુરેપુરી તૈયારીઓ હોવાનું અને હવે વધુ પડતા કડક નિયંત્રણોની જરૂર ન હોવાનું સત્તાધીશો-અધિકારીઓ જણાવી રહ્યા છે. 

જિલ્લામાં 27કેસ મળ્યા, શેલા ગામે 8 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

અમદાવાદ જિલ્લામાં ગુરૂવારે કોરોના સંક્રમણના વધુ ૨૭ કેસ નોંધાયા હતા. આ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૭,૧૩૪ કેસ નોંધાઇ ચૂક્યા છે જેમાં કુલ ૯૬ લોકોના મોત નિપજી ચૂક્યા છે. ગુરૂવારે સાણંદ તાલુકામાં સૌથી વધુ ૧૫ કેસ નોંધાયા હતા. જેમાં પણ મહત્તમ કેસ શેલા ગામમાં જોવા મળ્યા હતા. શેલા ગામમાં કોરોનાના કેસ વધતા કુલ ૮ વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકી દેવામાં આવ્યા છે.

દસક્રોઇના ખોડિયાર અદાણી શાંતિગ્રામ ખાતેથી ગુરૂવારે ૭ કેસ કોરોનાના મળ્યા હતાા. માંડલમાંથી ૧ અને વિરમગામમાંથી ૪ કેસ મળી આવ્યા હતા. જિલ્લામાં હાલમાં કોરોનાના ૯૫ કેસ એક્ટીવ છે. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3HNiyNr
via IFTTT

Post a Comment

أحدث أقدم