રાત્રિ કરફ્યું 10 વાગ્યાથી અમલી બનતા ખાણીપીણી બજારને મોટો ફટકો પડશે

અમદાવાદ,તા.08 જાન્યુઆરી 2022,શનિવાર

અમદાવાદમાં 'કોરોના રિટર્ન' સામાન્ય લોકોને ભારે પડી રહ્યો છે. કોરોનાકાળમાં માંડ પાટે ચઢેલી ગાડી ફરી  પાછી ઉતરી જવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. પૂર્વ અમદાવાદમાં પરિવાર માટે બે ટંકના ભોજન માટે દૈનિક કમાણી પર મદાર રાખનારો મોટો વર્ગ છે. આ વર્ગની હવે મુશ્કેલીઓ વધશે. રાતના ૧૦ વાગ્યા સુધી વેપાર-ધંધાની મંજૂરી મળી છે તેવામાં ખાણીપીણીના ધંધામાં સંકળાયેલા લોકોના ધંધામાં મોટી ખોટ જવાની ચિંતા ઉભી થઇ છે.

પૂર્વ અમદાવાદ તેના ખાણીપીણી બજાર માટે પ્રખ્યાત છે. રાતના ૧૦ વાગ્યાથી કરફ્યુ લાગી જતા તમામ ધંધા બંધ કરવા પડશે આ સ્થિતિમાં સાંજે ખાણીપીણીના હાંટડી માંડતા લોકોના ધંધાને અસર થશે.

પાણીપુરીવાળા, વિવિધ નાસ્તાઓની લારીઓવાળાઓ માટે ધંધાનો સમય ઘટી જતા તેમના ધંધામાં ૨૦ ટકાથી વધુની દૈનિક ખાધ આવશે તેવું અનુમાન તેઓ સેવી રહ્યા છે. હોટલ -રેસ્ટોરન્ટોને પણ ભારે આર્થિક ફટકો પડશે.

 સામાન્ય રીતે રાત્રે ૯ વાગ્યા પછી જ ગ્રાહકો આવતા હોય છે તેવામાં ગ્રાહકોની આગમન સાથે જ રાત્રે ૧૦ વાગ્યે હોટલ-રેસ્ટોરન્ટો બંધ કરવાની થતા આ ઉદ્યોગોને પણ મોટો ફટકો પડશે. જોકે તેઓ રાતના ૧૧ વાગ્યા સુધી હોમ ડિલિવરી કરી શકશે. પરંતુ તેનાથી કોઇ મોટો ફરક નહીં પડે તેવું આ ધંધા સાથે સંકળાયેલા લોકોનું માનવું છે.

પૂર્વમાં ગરીબ , અભણ અને મજબૂર વર્ગ મોટાભાગે ચા-નાસ્તાની લારીઓ ચલાવે છે. કોરોના સંક્રમણ વધતા રાત્રિ કરફ્યું જે રાતના ૧૦ થી સવારના ૬ વાગ્યા સુધીનો કરી દેવાયો છે તેનાથી તેમના ધંધામાં અસર થશે. ખાણીપીણી બજાર રાત્રે જામતા હોય છે તેઓને હવે ફરી પાછો આર્થિક ફટકો વેઠવો પડશે. ઘર ચલાવવું, લોન કે વ્યાજુનં ચુકવણું કરવું કે હપ્તાઓ ભરવા સહિતની સમસ્યાઓ તેઓને વેઠવી પડશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3n4GuUo
via IFTTT

Post a Comment

Previous Post Next Post