ક્લિનચીટ કે પછી સંડોવણી : આસિત વોરાના રાજીનામા મુદ્દે ભાજપમાં તડા


- સરકારની સ્થિતિ સાપે છંછુદર ગળ્યા જેવી

- વોરાને ક્લિનચીટ અપાશે તો લાખો લોકોની નારાજગી વહોરવી પડશે રાજીનામું લેવાય તો અન્ય પરીક્ષાઓ શંકાના ઘેરામાં આવશે

- પેપરલીક કૌભાંડને પગલે સરકારની ફજેતી થઇ


અમદાવાદ : હેડકલાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફુટી જતાં હોબાળો મચ્યો છે. એટલું જ નહીં, ભાજપ સરકાર ભીંસમાં આવી છે. સાણંદ સ્થિત સૂર્યા ઓફસેટમાંથી પ્રશ્નપત્ર લીક થવાના મામલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાના રાજીનામાની ચારેકોરથી માંગ ઉઠી છે. જોકે, ભાજપ સરકાર માટે તો સાપે છછૂંદર ગળ્યા જેવી દશા થઇ છે. આસિત વોરાને બચાવવા ધમપછાડા થઇ રહ્યા છે ત્યારે ભાજપમાં જ તડા પડયા છે. 

હેડકલાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયા બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરા સામે આંગળી ચિંધાઇ છે. આ અગાઉ પણ એલઆરડીની પરીક્ષા વખતે ય વિવાદ થયો હતો. ઉલ્લેખનીય છેકે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા  લેવાયેલી નવ પરીક્ષાઓમાં પ્રશ્નપત્ર ફુટયા છે. મહત્વની વાત એછેકે, ગુજરાત યુનિવર્સિટીના પ્રશ્નપત્ર-ઉત્તરવહી કૈાભાંડમાં જેની સંડોવણી હતી તે જ સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિતને જ આસિત વોરાએ પ્રશ્નપત્ર છાપવાનો કેમ ઓર્ડર આપ્યો તે શંકા ઉપજાવે તેમ છે. 

પેપરલીક કૌભાંડ બાદ ગુજરાત સરકાર ભીંસમાં આવી છે. હવે જો સરકાર આસિત વોરાને  ક્લિનચીટ આપી બચાવશે તો હજારો લાખો ગુજરાતી યુવાઓની નારાજગી વ્હોરવી પડે તેમ છે.આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેનું રાજકીય નુકશાન ભોગવવુ પડે તો નવાઇ નહી. બીજી તરફ, જો સરકાર આસિત વોરાનું રાજીનામુ લઇ લે તો માત્ર હેડ કલાર્કની જ નહી, અન્ય  સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આવુ જ કૌભાંડ થયુ હશે તેવો સંદેશો વહેતો થઇ શકે છે જે સરકારની પ્રતિષ્ઠાને હાની પહોચાડી શકે છે. આમ, સરકારના ગળામાં હાકડુ ભરાયુ છે.

આ ઉપરાંત ભાજપના કેટલાંય નેતાઓ માની રહ્યા છેકે, સરકારની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે ત્યારે આસિત વોરાએ નૈતિક જવાબદારી સ્વિકારી રાજીનામુ આપી દેવુ જોઇએ જયારે ઘણાં ભાજપના નેતાઓ કહી રહ્યા છેકે, વિપક્ષની માંગ સામે શરણે થવાની જરૂર નથી અને આસિત વોરાને કિલનચીટ આપવી જોઇએ.

ટૂંકમાં, આસિત વોરાના રાજીનામાના મુદ્દે ભાજપમાં મતમતાંતર સર્જાયા છે. 

મુખ્યમંત્રીએ ઠપકો આપ્યો છતાંય આસિત વોરાએ કહ્યું, શુભેચ્છા મુલાકાત હતી

પેપરલીક કૌભાંડે નવી સરકારને ભેખડે ભરાવી છે. સાણંદ સ્થિત સૂર્યા ઓફસેટના માલિક સાથેના રાજકીય સબંધોને કારણે આસિત વોરા શંકાના ઘેરામાં છે. પેપરલીક કૌભાંડ વધુ ચગ્યુ છે ત્યારે આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા દોડી આવ્યા હતાં. સૂત્રોના મતે, સમગ્ર પ્રકરણ ચગતાં મુખ્યમંત્રી પણ આસિત વોરાથી ભારોભાર  ખફા છે. દસ્તાવેજો સાથે મળવા આવેલા આસિત વોરાને મુખ્યમંત્રીએ ઠપકો આપ્યો હતો. જોકે, આસિત વોરાએ પત્રકારોને કહ્યુંકે, આ તો મુખ્યમંત્રી સાથેની શુભેચ્છા મુલાકાત હતી.  આખાય દિવસ દરમિયાન આસિત વોરાનુ રાજીનામુ લઇ લેવાશે તેવી અફવાઓએ જોર પકડયુ હતું. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3phsjgd
via IFTTT

Post a Comment

أحدث أقدم