
વસ્ત્રાપુરના સાગર એપાર્ટમેન્ટનો બનાવ
અભદ્ર સ્પર્શ કરી ઈજ્જત લૂંટવા ધમકીનો આક્ષેપ મહિલાએ પુત્રને મારી નાંખવા ધમકાવ્યાની ફરિયાદ
અમદાવાદ : વસ્ત્રાપુરના સાગર એપાર્ટમેન્ટમાં બાળકો ઝઘડી પડતાં બે પાડોશી મહિલાઓ ઝઘડી પડી હતી. એક મહિલાએ પોતાને પાડોશી યુવકે લાકડી માર્યાની અને અભદ્ર સ્પર્શ કરી ઈજ્જત લૂંટવા ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જ્યારે, આ મહિલાએ પુત્રને મારી નાંખવા ધમકી આપ્યાની વળતી ફરિયાદ પાડોશી મહિલાએ નોંધાવી છે.
વસ્ત્રાપુરમાં સારથી હોટલ સામે સાગર એપાર્ટમેન્ટમાં રહેતા હેતલબહેન જયેશભાઈ મોટકાએ પાડોશી નરેન્દ્રસિંહ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, આઠ વર્ષની પુત્રી ફ્લેટમાં નીચે રમવા ગઈ હતી ત્યાંથી બપોરે એકાદ વાગ્યે આવીને સુઈ ગઈ હતી અને તેને તાવ આવી ગયો હતો. પુત્રીને પૂછતાં તેણે બાજુમાં રહેતા પાડોશીના 10 વર્ષના પુત્રએ માર માર્યાનું જણાવ્યું હતું.
આ બાબતે પાડોશી કિરણબહેનને સમજાવવા જતાં તેમના પતિ નરેન્દ્રસિંહે ગાળો બોલી હાથ પકડીને ખેંચ્યો હતો. અભદ્ર સ્પર્શ કરી ધક્કો મારતા મારતા સોસાયટીના કોમન પાર્કિંગમાં લાવી નરેન્દ્રસિંહ કારમાંથી લાકડી કાઢી હતી. ડાબા પગના થાપા પર લાકડી મારીને ઈજ્જત લૂંટવાની ધમકી આપી તેમના પતિ જયેશભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઈ છે.
હેતલબહેને પતિને ફોન કર્યા પછી પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરાયો હતો. સામા પક્ષે કીરણબા નરેન્દ્રસિંહ ચૌહાણે પાડોશી હેતલબહેન જયેશભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, સવારે દસ વાગ્યે પુત્ર સોસાયટીના કોમન પ્લોટમાં રમવા માટે ગયો હતો. મહેમાન આવ્યા હતા ત્યારે બપોરે સવા-દોઢ વાગ્યાના અરસામાં પાડોશી હેતલબહેન જયેશભાઈ પટેલ તેમના સંતાનો સાથે બૂમો પાડતા ઘરમાં ઘુસી ગયા હતા.
હેતલબહેને ક્યાં ગયો તારો છોકરો? મારી છોકરીને વગાડયું છે. હવે તારા છોકરાને નીચે રમવા મોકલ, હું પણ જોઈ લઊં છું. તારા છોકરાને ચોથા માળેથી નીચે ફેંકી જાનથી મારી નાંખીશ. આવી ધમકી આપી ઝઘડો કરતાં કીરણબાના પતિ અને ભાભીએ સમજાવવાની કોશિષ કરી હતી. પરંતુ, કિરણબાના પતિને છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા આપતા હેતલબહેન જતા રહ્યા હતા.
બે દિવસ પહેલા પણ પુત્રને તમાચા મારી ધમકી અપાયાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.નરેન્દ્રસિંહના નજીકના સંબંધી પોલીસમાં વગદાર હોદ્દો ધરાવતા હોવાથી કાર્યવાહી થવા અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે, વસ્ત્રાપુર પોલીસે બન્ને પક્ષક્ષની ફરિયાદ નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mA1qCl
via IFTTT
Post a Comment