
બેરોજગારોનો રોષ ઠારવા સરકારના ઉધામા
પેપરલીક કૌભાંડ થતા સરકારની પ્રતિષ્ઠા દાવ પર, ગૌણ સેવા પસંદગી મંડળ જ જાહેરાત કરશે
અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર એક પછી એક લીક થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે જેના લીધે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પણ શંકાના ઘેરામાં છે. આ કારણોસર ભાજપ સરકારની પ્રતિષ્ઠા ય ઝંખવાઇ રહી છે.
શિક્ષિત બેરોજગારોમાં ભારોભાર નારાજગી પ્રવર્તી રહી છે ત્યારે સરકાર હેડક્લાર્કની પરીક્ષા રદ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. ગમે તે ઘડીએ જાહેરાત થઇ શકે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી એલઆરડી, બિન સચિવાલયની લેવાયેલી પરીક્ષાના ય પ્રશ્નપત્ર ફુટયા હતાં.
હવે હેડકલાર્કની પરીક્ષામાં પણ પ્રશ્નપત્ર લીક થયાનું ખુદ સરકારે જ સ્વિકાર્યુ છે. એટલું જ નહીં, પોલીસ તપાસમાં જ ખુલ્યુ છેકે, સાણંદની પ્રિન્ટીગ પ્રેસમાંથી પ્રશ્નપત્ર લીક થયુ છે. અત્યાર સુધી કુલ આઠ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થયા છે.
વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થઇ રહ્યા છે જેના કારણે સરકારી નોકરી મેળવવાના સપના જોતાં હજારો લાખો શિક્ષિત યુવાઓ સાથે જાણે ક્રૂર મજાક થઇ રહી છે. આ કારણોસર હવે શિક્ષિત યુવાઓ ભાજપ સરકારની ભારોભાર નારાજ છે.
એટલું જ નહીં, સરકાર દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રક્રિયા પરથી યુવાઓને વિશ્વાસ રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીઓને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા ેછે ત્યારે ગુજરાતના લાખો શિક્ષિત યુવાઓના આક્રોશનો પડઘો ચૂંટણી પર પડી શકે તેમ છે. કોંગ્રેસ અને આપ પણ પરીક્ષાના મુદ્દે રાજકીય લાભ મેળવવા ઉત્સુક છે.
આ બધાય્ પાસાઓને જોત સરકારે અંદરખાને તો પરીક્ષા રદ કરવાનું લગભગ નક્કી કર્યુ છે. સૂત્રોના મતે, સરકાર હાલ સમગ્ર મુદ્દા પર નજર માંડીને બેઠી છે. પણ આ મુદ્દો આગામી દિવસોમાં વધુ ઉગ્ર બની રાજકીય સ્વરૂપ ધારણ કરે તેમ છે જેથી સરકાર આદેશને પગલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જ હેડકલાર્કની પરીક્ષા રદ કરવાનો નિર્ણય જાહેર કરશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qgwbgD
via IFTTT
إرسال تعليق