અમદાવાદ,તા.15 ડિસેમ્બર 2021, બુધવાર
પાકિસ્તાનથી આવીને ગુજરાતમાં કાયમી વસવાટના ઇરાદા સાથે પ્રવેશેલા અને 'લોંગ ટર્મ વિઝા' પર રહેતા લોકો હવે તેમના બાળકોને સરકારી શાળાઓમાં ભણાવી શકશે. રાજ્ય સરકારના ગૃહ વિભાગના આદેશથી શિક્ષણ વિભાગે આ અંગેનો પરિપત્ર પણ બહાર પાડયો છે. ગત જુલાઇ માસમાં આ પરિપત્ર બહાર પડતા ચાલુ વર્ષથી જ બાળકોને શૈક્ષણિક સંસ્થાઓમાં વગર રોકટોકે કે કોઇપણ જાતની વિશેષ મંજૂરી વગર પ્રવેશ મળી રહેશે. અમદાવાદમાં સરદારનગર, કુબેરનગર, નોબલનગર સહિતના વિસ્તારોમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી હિજરત કરીને આવેલા ૩,૪૦૦ લોકો વર્ષોથી વસવાટ કરે છે. તેઓના બાળકોને હવે 'શિક્ષણના અધિકાર'નો લાભ મળતો થઇ જશે. તેથી આવા પરિવારોમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે.
દેશના ભાગલા વખતે, ૧૯૯૨માં બાબરી મસ્જિદ ધ્વંસ વખતે અને ત્યાર બાદ વખતો વખતના રમખાણોમાં ખાસ કરીને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી મોટી સંખ્યામાં હિંન્દુ પરિવારો પાકિસ્તાનમાં પોતાનું ઘર, જમીન સહિતની માલ-મિલકત છોડીને ખાલી હાથે ભારતમાં આવી વસ્યા હતા.
ગુજરાતમાં આવા કુલ અત્યારે ૮,૦૦૦ લોકો વસવાટ કરી રહ્યા છે. તેઓ 'લોંગ ટર્મ વિઝા' પર રહે છે. તેઓ ભારતના નાગરિક ન હોવાથી તેઓને કોઇપણ પ્રકારના સરકારી લાભો મળતા નથી. ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ, વિધવા સહાય, લોન, વૃદ્ધ પેન્શન, સરકારી આવસ યોજનાનો લાભ સહિતના કાઇપણ સરકારી લાભો મળી રહ્યા નથી. આ સ્થિતિમાં આ પરિવારો જાત મહેનત પર નાની-મોટી મજૂરી કરીને તેમનું અને પરિવારનું અસ્તિત્વ ટકાવી રાખે છે.
આ અંગે હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટના અધ્યક્ષ ડિમ્પલ વરીંદાનીના જણાવ્યા મુજબ અમદાવાદમાં હિજરતી સિંધીઓની સંખ્યા આશરે ૩,૪૦૦ જેટલી છે. જેઓના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ મળતો નથી. તેઓ પૈસા ખર્ચીન બાળકોને ે ખાનગી શાળાઓમાં ભણાવવા મજબૂર છે. સાવ ગરીબ વર્ગના લોકો જે પૈસા ખર્ચી શકતા નથી તેઓના બાળકો શિક્ષણથી જ વંચિત રહી જાય છે. આ સ્થ્તિમાં આવા પરિવારોનું ભૂતકાળ પણ અંધકારમય હતું અને ભવિષ્યપણ અંધારામાં દેખાઇ રહ્યું છે.
ખાસ કરીને રાધનપુર, ડીસા, મહેસાણા, પાટણ સહિતના વિસ્તારોમાં રહેતા હિજરતી પરિવારોના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ ન મળવાના કિસ્સાઓ સામે આવેલા છે. તેથી આ પરિવારના બાળકો શિક્ષણથી જ વંચિત રહ્યા છે.
આ મામલે ગૃહ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાને લઇને ગૃહ વિભાગના આદેશથી શિક્ષણ વિભાગે ગત જુલાઇ માસમાં જ પરિપત્ર બહાર પાડીને આવા હિજરતી પરિવારોના બાળકોને શિક્ષણનો લાભ આપવાનો નિર્ણય લીધો છે. જે આવકારદાયક છે. જેને લઇને હિજરતી પરિવારોમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે.
પ્રવેશ માટે વિશેષ મંજૂરીની જરૂર નથી પરંતુ પોલીસ અધિક્ષકને જાણ કરવી પડશે
પાકિસ્તાન અથવા બાગ્લાદેશ, અફધાનિસ્તાનથી આવીને ગુજરાતમાં કાયમી વસવાટના ઇરાદા સાથે પ્રવેશેલા અને 'લોંગ ટર્મ વિઝા ' પર રહેતા પરિવારોના બાળકોને વિદેશીઓ માટેના પ્રવર્તમાન ધારા ધોરણોની નિયત શરતોને આધિન શૈક્ષણિક હેતુસર કોઇપણ સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, તકનીકી-વ્યાવસાયિક સંસ્થાઓમાં પ્રવેશ માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગે મંજૂરી આપી છે.
જેના અનુસંધાને ગત તા. ૧૪ જુલાઇ ૨૦૨૧ના રોજ શિક્ષણ વિભાગે આ અંગે 'ટોચની અગ્રતા' ધરાવતો પરિપત્ર બહાર પાડીને પ્રાથમિક શિક્ષણ નિયામકને ઉપરોક્ત આદેશનું પાલન કરવાની સુચના આપી છે.
શૈક્ષણિક હેતુસરના પ્રવેશ માટે પરવાની માટે વિશેષ મંજૂરીની આવશક્યતા પણ રહેશે નહીં. આમ છતાં આ પરવાનગી અગેની જાણ જેતે વિસ્તારમાં સંબંધિત જિલ્લા પોલીસ અધિક્ષક એટલેકે એફ.આર.ઓ.ને કરવી જરૂરી છે.
‘ સીએએ' કાયદો અમલી બને તો ૬ વર્ષે નાગરીકતા મળી જશે
અમદાવાદમાં અત્યાર સુધીમાં ૯૨૪ પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરીકતા મળી ચૂકી છે. નાગરીકતા મળ્યા બાદ તેઓને મતદાન સહિતના તમામ સરકારી લાભો મળતા હોય છે જે એક ભારતીય નાગરીકને મળે છે. પરંતુ જેઓ પાસે નાગરિકતા નથી તેઓની હાલત કફોડી છે.
પતિ કે પત્નિ ભારતીય નાગરીક હોય તેવા કિસ્સામાં પાંચ વર્ષ બાદ નાગરીકતા માટે અરજી કરી શકાય છે. જેઓના માતા-પિતાના જન્મ વર્ષ ૧૯૪૬ પહેલાનો હોય અને તેના પુરાવા હોય તો તેવા લોકોને પણ પાંચ વર્ષે નાગરીકતા મળી શકે છે. પરંતુ જેઓની પાસે કોઇપણ પ્રકારના આધાર-પુરાવા નથી તેઓને લોંગ ટર્મ વિઝા પર ૧૨ વર્ષના વસવાટ બાદ નાગરીકતા મળતી હોય છે. પરંતુ જો ' સીએએ'નો કાયદો આમલી બની જાય તો ૧૨ વર્ષના સ્થાને ૬ વર્ષે નાગરીકતા મળી જશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3GQKsaP
via IFTTT
Post a Comment