
અમદાવાદમાં એક લાખથી વધુ પશુ, 50 વસાહત
મુંબઈ, પૂણે અને હૈદ્રાબાદની માફક 'અર્બન કેટલ રિસ્ટ્રીક્શન મૂવમેન્ટ એક્ટ' લાગુ કરવા દરખાસ્ત: સરકાર નિર્ણય લેશે
અમદાવાદ : અમદાવાદીઓને રસ્તે રઝળતા ઢોરના ત્રાસમાંથી મુક્તિના પ્રથમ પગલાંરૂપે શહેર પોલીસ નવરંગપુરા વિસ્તારને નો-કેટલ ઝોન જાહેર કર્યો છે. મેગાસિટીમાં આવેલી 50 જેટલી વસાહતમાં એક લાખથી વધુ પશુ છે તેમાંથી ઘણાંખરાં નિરંકુશપણે રસ્તા ઉપર ફરે છે.
આ કારણે નાગરિકો અને વાહનચાલકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. દરમિયાન, વિશ્વસ્ત સૂત્રોમાંથી પ્રાપ્ય વિગતો મુજબ નો-કેટલ ઝોન જાહેર કરવા પાછળ શહેરના રસ્તાને ઢોરમુક્ત બનાવવા નવા કાયદાની અમલવારી કરવા તરફ પ્રથમ પગલું ભરવામાં આવ્યું છે.
મુંબઈ, પુના અને હૈદ્રાબાદની માફક અર્બન કેટલ રિસ્ટ્રીક્શન મૂવમેન્ટ એક્ટ લાગુ કરવા મ્યુનિ. તંત્ર દરખાસ્ત કરી ચૂક્યું છે. સરકાર આ બાબતે નિર્ણય લે એટલે ઢોર રઝળતા મુકનારાં સામે તોસ્તાન દંડ અને પાસા સહિતના કડક પગલાં સંભવ બનશે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડતાં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં નો-કેટલ ઝોનની અમલવારી શરૂ થઈ છે. રસ્તે રઝળતા ઢોર પકડાશે તો તેના માલિક સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાયોગિક ધોરણે જે વિસ્તારમાં સૌથી ઓછા ઢોર છે પરંતુ ટ્રાફિકની વધુ અવરજવર છે તેવા નવરંગપુરા અને આસપાસના અમુક વિસ્તારોમાં નો-કેટલ ઝોનની અમલવારી શરૂ થઈ છે.
અમદાવાદ સહિત રાજ્યમાં રસ્તે રઝળતા ઢોરને ડબ્બે પૂરવા ઉપરાંત થોડા સમયથી તેના માલિક સામે બોમ્બે પોલીસ એક્ટ, એનિમલ ક્રૂઅલ્ટી એક્ટ અને કેટલ ટ્રેસપાસ એક્ટ હેઠળ ગુના નોંધીને કાર્યવાહી કરવામાં આવે છે. રાજ્યમાં પહેલી વખત જ નો કેટલ ઝોન જાહેર કરીને કડક કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સીમિત વિસ્તાર પૂરતી કરાયેલી અમલવારી પાછળ શહેરી રસ્તાઓને ઢોરમુક્ત બનાવવા માટે નવા કાયદાને અમલમાં લાવવાની કવાયત શરૂ થયાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. સૂત્રોનું કહેવું છે કે, દેશના મુંબઈ, પૂના, હૈદ્રાબાદ જેવા શહેરોમાં અર્બન કેટલ રિસ્ટ્રીક્શન મૂવમેન્ટ એક્ટ - 2017 અમલમાં છે. આ કાયદા અંતર્ગત ઢોર રાખવા માટે લાઈસન્સ ફરજીયાત બનશે.
આ ઉપરાંત ઢોરને રાખવા માટે પૂરતી જગ્યા, ઢોરવાડાની તંત્ર નિયમીત મુલાકાત લઈ ચકાસણી કરે તેવી જોગવાઈ છે. આમ છતાં ઢોર રઝળતા પકડાય કે નિયમભંગ થાય તો 10000 રૂપિયાનો દંડ અને વારંવાર નિયમભંગ કરવામાં આવે તો પાસાતળે જેલવાસ સુધીની કડક કાયદાકીય જોગવાઈ છે. અન્ય મહાનગરોની માફક અમદાવાદમાં પણ કડક કાયદો અમલમાં મુકવા તૈયારી શરૂ કરાઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અર્બન કેટલ રિસ્ટ્રીક્શન મૂવમેન્ટ એક્ટ લાગુ કરવા માટે સરકારમાં દરખાસ્ત કરી દીધી છે. ગુજરાત સરકાર આ કાયદાને લાગુ કરવા માટે મંજુરી આપતો નિર્ણય લે તેની રાહ જોવાઈ રહી છે. જાણકાર સૂત્રોનું કહેવું છે કે, અમદાવાદ શહેરમાં અંદાજે એક લાખ ઢોર 50 જેટલી વસાહતોમાં છે.
પાંચેક દાયકા પહેલાં સરકારે ઓઢવ, જશોદાનગર એન અમરાઈવાડીમાં બનાવેલી વસાહતો ઉપરાંત વાડજ, બલોલનગર, વાસણા, રાણીપ, ગોતા, નરોડા, નિકોલ, વિરાટનગર, મણીનગર, ખાડિયા, પીપળજ, વસ્ત્રાપુર, સેટેલાઈટ, રામોલ, જોધપુર ગામ, ગ્યાસપુર, લાંભા સહિતના વિસ્તારોમાં માલધારીઓ પોતાના ઢોર સાથે વસાહત બાંધીને રહે છે. આ વસાહતોમાંથી બિનઉપજાઉ બની ચૂકેલા ઢોર આસપાસના વિસ્તારમાં ફરતા રહે છે.
ચાર દિવસમાં ઘાસચારા, રઝળતા ઢોરના 26 ગુના
રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે શહેર પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા ચાર જ દિવસમાં જાહેરમાં ઘાસચારો વેચનારા 24 લોકો સામે ગુના નોંધાયા છે. જ્યારે, રખડતા ઢોર પકડી તેના માલિક સામે બે ફરિયાદ નોંધાવાઈ છે.
છેલ્લા ત્રણ વર્ષમાં રખડતા ઢોરથી સર્જાયેલા અકસ્માતમાં 3 વ્યક્તિએ જીંદગી ગુમાવી છે. ઢોરને કારણે અકસ્માત સર્જાય છે પણ લોકો ફરિયાદ નોંધાવતા નહીં હોવાનું પોલીસ અિધકારીઓ કહે છે. રખડતા ઢોરનો ત્રાસ લોકો સહકાર આપશે તો અંકુશમાં લેવાની સરળતા રહેશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3FegFZd
via IFTTT
Post a Comment