જીએસટીઆર-૨માં ટેક્સ ભરેલો નહિ દેખાય તો વેપારીને ટેક્સ ક્રેડિટ નહિ મળે


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર

પહેલી જાન્યુઆરી ૨૦૨૨થી અમલમાં આવી રહેલા નવા નિયમો મુજબ વેચનાર વેપારીના રિટર્ન જીએસટીઆર-૧માં તેણે લીધેલો ગુડ્સ એન્ડ સર્વિસ જમા કરાવવામાં આવ્યો હોવાનું ખરીદનાર વેપારીના જીએસટીઆર-૨બીમાં નહિ દેખાય તો તેવા સંજોગોમાં ખરીદનાર વેપારીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે નહિ. ખરીદનાર વેપારીના એકાઉન્ટમાં દર મહિનાની ૧૧મી તારીખ પહેલા રિફ્લેક્ટ થઈ જવું જોઈશે. અન્યથા તેમને બીજા મહિના સુધી તે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે રાહ જોવી પડશે. 

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં બોગસ બિલિંગની મદદથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ લેવાના વધી રહેલા કૌભાંડને પરિણામે સરકારે નવી કલમ ૧૬(એએ) ઉમેરી છે. આ કલમ મુજબ વેચનારે ખરીદનારને આપેલા બિલ પર લીધેલો ટેક્સ જમા કરાવ્યો હશે તો જ તે બિલ પર તેને ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવામાં આવશે. બોગસ બિલિંગના માધ્યમથી કરોડો રૃપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ લેવાના સતત વધી રહેલા કૌભાંડને નાથવા માટે સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. આ માટે જીએસટી એક્ટમાં નવી કલમ ૭૫ (૧૨)નો ઉમેરો કરવામાં આવ્યો છે.

આ જ પ્રકારની બીજી એક જોગવાઈ પણ લાગુ કરવામાં આવી રહી છે.કરદાતાએ તેના રિટર્નમાં ટેક્સ બતાવ્યો હોય અને તે સરકારી તિજોરીમાં જમા કરાવ્યો નહિ હોય તો તેવા સંજોગોમાં તે કરદાતાના બૅન્ક એકાઉન્ટને ટાંચ લગાડીને કે પછી બૅન્કમાંથી ટેક્સ મુજબની રકમ જીએસટી કચેરીના ખાતામાં ખેંચી લેવાની પૂર્ણ સત્તા પણ અધિકારીઓને આપી દેવામાં આવી છે. આ માટે અધિકારીઓએ જે તે વેપારીને નોટિસ પણ આપવી પડશે નહિ. 

પહેલી જાન્યુઆરીથી રાજપથ અને કર્ણાવતી ક્લબ જેવી ક્લબના સભ્યો પાસેથી લેવામાં આવતી ફી પર ૧૮ ટકા જીએસટી વસૂલવામાં આવશે. અગાઉ સુપ્રીમ કોર્ટે ક્લબ અને તેના સભ્યને એક જ એન્ટીટી તરીકે ઓળખાવીને તેમના વચ્ચે થતાં વહેવારને ટેક્સને પાત્ર ન ગણી શકાય તેવો ચૂકાદો આપ્યો હતો. તેથી તેના પર લગાવેલો જીએસટી પરત કરી દેવાની ક્લબોને ફરજ પડી હતી. હવે સરકારે નવી જોગવાઈ કરી હોવાથી ક્લબમાં લેવાલી મેમ્બરશીપ ફી પર ૧૮ ટકા જીએસટી લાગશે. આ જ રીતે ક્લબમાં આપવામાં આવતી રેસ્ટોરાં સર્વિસ પર દરેકને લાગે છે તેમ ૫ ટકા જીએસટી વસૂલવામાં આવશે. તદુપરાંત ક્લબમાં આપવામાં આવતી જિમની સર્વિસ માટે લેવાતા ચાર્જ પર ૧૨ ટકા જીએસટી ચૂકવવો પડસે. 

પહેલી જાન્યુઆરીથી ટેક્સટાઈલની આઈટેમ્સ પર તેમાંય ખાસ કરીને રેડીમેડ ગારમેન્ટ પર ૫ ટકાને બદલે ૧૨ ટકા જીએસટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય સામે અમદાવાદ, સુરત, જેતપુર સહિતનાગુજરાતના તમામ વિસ્તારો અને મુંબઈ મહારાષ્ષ્ટ્ર સહિત દક્ષિણના રાજ્યોમાંથી વિરોધ થયો છે. પરંતુ આ મુદ્દે પીછેહઠ કરવા કેન્દ્ર સરકાર તૈયાર નથી. પરિણામે વેપારીઓ દસમી જાન્યુઆરીના અરસામાં તેનો વિરોધ કરવા માટે શેરીમાં ઉતરી આવે તેવી સંભાવના રહેલી છે.

કલમ ૧૨૯  હેઠળ જપ્ત કરાયેલી ટ્રકના કેસમાં

અપીલમાં જવા પેનલ્ટીના ૨૫ ટકા ભરવા પડશે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર

ઈ-વે બિલના વિવાદના સંદર્ભમાં વેપારીઓની સંખ્યાબંધ ટ્રક કલમ ૧૨૯ હેઠળ એન્ફોર્સમેન્ટ ટીમ એટલે કે ફ્લાયિંગ સ્ક્વૉડ દ્વારા અટકાવીને જપ્ત કરવામાં આવે છે. આ ટ્રક દિવસોના દિવસો સુધી જીએસટી કચેરીમા ંકે તેણે નક્કી કરેલી જગ્યામાં પડી રહે છે. આ ટ્રકમાં ઈ-વે બિલમાં દર્શાવ્યા કરતાં વધુ માલ લઈ જવાતો હોય તો પણ કેસ બને છે. તેમ જ બિલમાં દર્શાવવામાં આવેલી આઈટેમ સિવાયની આઈટેમ હોય તો પણ કેસ બને છે. ઇ-વે બિલ લેનારે તેની ઑફિસ હોવાનું બતાવ્યું હોય, પરંતુ તેની સાથે ગોદામ પણ હોવાનું બતાવવાની પ્રક્રિયા પૂરી ન કરી હોય તો પણ તેમની ટ્રક અટકાવીને તેમને કલમ ૧૨૯ હેટઠ માલની કિંમત પર જે દરથી ટેક્સ લાગતો હોય તેટલો ટેક્સ અને ટેક્સની રકમ જેટલી જ પેનલ્ટી ફટકારી દે છે. હવે આ રીતે જે ભરવાપાત્ર રકમ થશે તેની ૨૫ ટકા રકમ ભરીને પછી જ વેપારીઓ અપીલમાં જઈ શકશે. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mE5uBQ
via IFTTT

Post a Comment

Previous Post Next Post