
અન્ય વિદેશી મુસાફરો માટે નિયમ, આમંત્રિતોને છૂટછાટ
વિદેશથી આવનારા મહાનુભાવોને સાત દિવસ સુધી હોટલમાં પુરાઇ રહેવું ન પડે તે માટે ખાસ માર્ગદર્શિકા ઘડાશે
અમદાવાદ : નવા વેરિયન્ટ ઓમિક્રોનના ભય વચ્ચે પાટનગર ગાંધીનગરમાં ગુજરાત વાઇબ્રન્ટ સમિટ-2022 યોજવા માટે ધમધમાટ શરૂ થયો છે. કોરોનાના કેસો વધે તો ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાત ઉજવવા મક્કમ છે.
એટલું જ નહીં, વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા આવનારાં વિદેશી ડેલિગેટ અને આમંત્રિતોને સાત દિવસ સુધી કવોરન્ટાઇનમાં રહેવુ નહી પડે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખાસ માર્ગદર્શિકા ઘડવા નક્કી કરાયુ છે જેમાં આ છૂટછાટ આપવામાં આવશે.
આમ. સામાન્ય લોકોને નિયમો પાળવા પડશે પણ વાઇબ્રન્ટ ગુજરાતમાં આવનારાં મહેમાનો માટે નિયમો કદાચ લાગુ નહી પડે. એક બાજુ, ગુજરાતમાં રોજ કોરોનાના 550 કેસો નોંધાઇ રહ્યા છે ત્યારે બીજી બાજુ,મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ યોજવા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરાઇ છે.
ખુદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જ ત્રીજી લહેર આવશે તેવુ નિવેદન કરીને ચિંતા વ્યકત કરી છે અને ગુજરાત સરકારે હોસ્પિટલોંમાં બેડથી માંડીને દવા સહિત જરૂરી વ્યવસૃથા કરી હોવાનો દાવો કર્યો છે.
આ તરફ, રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. માત્ર ભારતમાં જ નહીં, કેટલાંય દેશોમાં એમિક્રોનનો ખતરો વધ્યો છે આ જોતાં કેટલાંય દેશોના ડેલિગેટોએ તો સામે ચાલીને ગુજરાત આવવા ના પાડી દીધી છે.
આમ છતાંય સરકાર દાવો કરી રહી છેકે, 20થી વધુ દેશોના 400થી વધુ ડેલિગેટો વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેશે. હવે ખુદ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન છેકે, વિદેશથી આવનારાને સાત દિવસ સુધી કવોરન્ટાઇનમાં રહેવુ પડે. હવે જો વાઇબ્રન્ટ ગુજરાતમાં વિદેશી ડેલિગેટો આવશે તો તેમને આ નિયમનું પાલન કરવુ પડશે જે શક્ય નથી.
સૂત્રોના મતે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે કેન્દ્રીય વિદેશ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય ખાસ માર્ગદર્શિકા બનાવશે જેમાં વિદેશથી આવનારાં મહાનુભાવોનું એરપોર્ટ પર આરટી પીસીઆર ટેસ્ટ કરાશે. તેમને સાત દિવસ સુધી કવોરન્ટાઇનમાંથી મુક્તિ અપાશે.આમ, વાઇબ્રન્ટ ગુજરાતમાં આવનારાં મહાનુભાવોને કોરોનાની માર્ગદર્શિકા નડે નહીં તે માટે ય સુવિધા કરી આપવા આયોજન કરાયુ છે.
વડાપ્રધાન ગાંધીનગર આવશે કે વર્ચ્યુઅલ સંબોધન
એમિક્રોનના વધતા ખતરાને પગલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએઇની મુલાકાત રદ કરવામાં આવી છે.ભારતમાં ય એમિક્રોનના કેસો દિનપ્રતિદીન વધી રહ્યા છે. આ તરફ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સત્તાવાર રીતે જણાવ્યુ છેકે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાશે જ. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ઉદઘાટન પ્રસંગે ઉપસિૃથત રહેશે કે પછી દિલ્હીથી વર્ચ્યુઅલ સંબોધન કરશે તે અંગે સરકાર ફોડ પાડવા તૈયાર નથી. આમ, વડાપ્રધાનના આગમનને લઇને હજુ કઇં નક્કી નથી.
ગુજરાતમાં કોરોના વકરતાં કેન્દ્રએ એલર્ટ રહેવા સૂચના આપી
ગુજરાતમાં અમદાવાદ,રાજકોટ સહિતના શહેરોમાં કોરોનાના કેસો રોકેટગતિએ વધી રહ્યા છે જેની કેન્દ્ર સરકારે પણ ગંભીર નોંધ લીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુજરાત સરકારને સતર્ક રહેવાની સૂચના આપી છે સાથે સાથે રસીકરણને વેગ આપવા જણાવ્યુ છે. મોટા શહેરોમાં ડોમ બાંધીને ટેસ્ટિંગનું પ્રમાણ વધારવા અને હોસ્પિટલોને સજજ રાખવા સૂચન કર્યુ છે. કેન્દ્ર સરકારની સૂચનાને પગલે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની બેઠકોનો દોર શરૂ થયો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31d1ArX
via IFTTT
إرسال تعليق